કમ્પાલાઃ દાયકાઓથી યુગાન્ડામાં પુખ્ત નાગરિકો પ્રેસિડેન્ટને ચૂંટતા આવ્યા છે અને પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની 1986થી સત્તા પર છે. જોકે, યુગાન્ડાના શાસક પક્ષ નેશનલ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ (NRM)માં બંધારણમાં સુધારો કરી પાર્લામેન્ટરી સિસ્ટમ લાગુ કરવાની ચર્ચા હાથ ધરાઈ છે. જો આવો બંધારણીય સુધારો પસાર થશે તો નાગરિકો પ્રેસિડેન્ટની સીધી ચૂંટણી નહિ કરે પરંતુ, 500થી વધુ બેઠક સાથેની પાર્લામેન્ટમાં જે પાર્ટીની બહુમતી હશે તેના દ્વારા દેશના વડાની ચૂંટણી કરાશે.
આ ચર્ચા પ્રથમ વખત થતી નથી. 2022થી આવો સુધારો દાખલ કરાવવા પ્રયાસ થઈ રહ્યા છે. આ યોજનાના ટીકાકારો કહે છે કે આ પ્રસ્તાવથી તેમના પ્રેસિડેન્ટ કોણ હશે તેનો નિર્ણય લેવાનો નાગરિકોનો બંધારણીય અધિકાર છીનવાઈ જશે. બીજી તરફ, વિપક્ષી જૂથોને ભય છે કે આ સુધારાના પરિણામે પ્રેસિડેન્ટ મુસેવેની અને તેમના પરિવારને સત્તા પર જડબેસલાક પકડ જમાવવાની તક મળશે.