યુગાન્ડા કોર્ટે ભ્રષ્ટ અધિકારીને ૪૦ વર્ષની જેલ ફરમાવી

Wednesday 06th October 2021 04:28 EDT
 
 

કમ્પાલાઃ યુગાન્ડાની ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે દેશના સંઘર્ષગ્રસ્ત ઉત્તર ભાગની પુનઃરચના માટે ડોનરના ફંડથી ચાલતી યોજનામાં ઉચાપત કરવા બદલ અધિકારી ગોડફ્રી કઝિન્દાને ૪૦ વર્ષની જેલ ફરમાવી હતી અને વળતર તરીકે ૫.૪ મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ કર્યો હતો.  
કુખ્યાત લોર્ડ્સ રેઝિસ્ટન્સ આર્મી દ્વારા દસકાઓથી ચાલતી બળવાખોરીને લીધે નુક્સાનગ્રસ્ત ઉત્તર યુગાન્ડાને મદદરૂપ થવા માટે આયર્લેન્ડ, સ્વીડન અને ડેન્માર્કની સરકારોના ફંડથી ચાલતી યોજનામાંથી ૨૬.૪ મિલિયન ડોલરની ઉચાપત કરવાનો કઝિન્દા પર આરોપ છે.
તેને ૪૦ વર્ષની જેલ ફરમાવતા જસ્ટિસ માર્ગારેટ તિબુલ્યાએ જણાવ્યું કે પ્રાઈમ મિનિસ્ટર ઓફિસના ભૂતપૂર્વ એકાઉન્ટન્ટ કઝિન્દા છેતરપિંડી, આર્થિક નુક્સાન પહોંચાડવાના મોટો ગુનો આચરવા માટે કાવતરું ઘડવા બદલ દોષી ઠેરવાયો હતો.    
સરકારે તેના એક મિલિયન ડોલરની કિંમતના ૨૦ રૂમના મેન્શન તેમજ ૨૧૮,૦૦૦ ડોલરની કિંમતની ચાર લક્ઝુરિયસ કાર સહિતની મિલ્કતો જપ્ત કરી હતી.  
કઝિન્દા ફંડની રકમ વૈભવી જીવનશૈલી પાછળ ખર્ચતો હતો. એક વખત તે લગભગ દસ મહિના સુધી શેરેટોન કમ્પાલામાં રહ્યો હતો. તેણે દુનિયાના ઘણાં પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.  
કમ્પાલાના તેના મકાનો પૈકી એક સ્થળે પોલીસે પાડેલી રેડમાં રોકડા ૨૦૦,૦૦૦ પાઉન્ડ સહિત મોટા પ્રમાણમાં વિદેશી ચલણ મળી આવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter