આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ જૂન મહિના સુધી મોડી પડશે

Tuesday 14th May 2019 14:54 EDT
 
 

અમદાવાદઃ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુદળની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાનની એરસ્પેસ હજુ સુધી બંધ હોવાના કારણે અમદાવાદથી દુબઇ અને અખાતી દેશોમાં જતી ઇન્ટરનેશનલ ફ્લાઇટો ૨૫ મિનિટ લેટ ચાલી રહી છે. એર સ્ટ્રાઈકને દોઢ મહિના જેટલો સમય થયો હોવા છતાં હજુ પણ એક મહિના સુધી ફ્લાઇટો મુંબઇ અને દિલ્હીના એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)ના રડારમાંથી પસાર થઇને જઇ રહી છે. ફ્લાઇટ ડાઇવર્ટ થવાના કારણે પેસેન્જરોની મુસાફરીના કલાકમાં વધુ ૨૫થી ૩૦ મિનિટનો ઉમેરો થઇ ગયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી એમિરેટ્સ એરલાઇન્સ, કતાર એરલાઇન્સ, અરેબિયા, સ્પાઈસ જેટની અમદાવાદ-દુબઇ અને એતિહાદના વિમાનો અખાતી દેશોમાં જાય છે.
અમદાવાદથી ટેક ઓફ થયા બાદ ફ્લાઇટના હાલના રૂટ મુજબ મુંબઇ અને દિલ્હી એટીસીના સંપર્કમાં થઇ ઉડાન ભરી રહી છે. જેના કારણે ફ્લાઇટોના લેન્ડિંગમાં ૨૫ મિનિટ જેટલો સમય લાગી જાય છે એટલે કે લેટ પડી રહી છે. એટલું જ નહિ કતાર, એર ઇન્ડિયા અને એમિરેટસ એરલાઇન્સના એરાઇવલ ટાઇમ વચ્ચે ૨૫ મિનિટનું અંતર હોવાથી ઇન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડીંગના એરાઇવલ હોલમાં પેસેન્જરોની ભારે ભીડ થાય છે.
દર રવિવારે સવારે ૧૦થી ૩ સુધી રન-વે બંધ
અમદાવાદ એરપોર્ટના સૌથી લાંબા સાડા ત્રણ કિલોમીટરના રન-વેનું સમારકામ દર રવિવારે ચાલે છે. જેના કારણે વહેલી સવારથી દસ વાગ્યા સુધી ટેક ઓફ થતી ડોમેસ્ટિક ફ્લાઇટોના પેસેન્જરોને વહેલા એરપોર્ટ પર આવીને ચેકિંગ કરાવી લેવું પડે છે. તેવી જ રીતે સવારે ૧૦ વાગે રન-વે બંધ થાય તે પહેલાં ફ્લાઇટનું લેન્ડિંગ કરી દેવામાં આવે છે.

અમદાવાદ-લંડન ફ્લાઇટમાં ખામી સર્જાતાં વિયેનામાં ઇમરજન્સી લેન્ડિંગ

એર ઈન્ડિયાની અમદાવાદથી મુંબઈ અને ત્યાંથી લંડન જતી ફ્લાઈટમાં આઠમીએ ટેક્નિકલ ખામી સર્જાતાં ઓસ્ટ્રિયાના પાટનગર વિયેનામાં ઈમરજન્સી લેન્ડિંગની ફરજ પડી હતી. આ પછી ૩૬ કલાકથી વધુ સમય વિતી ગયો છતાં ૩૫૦ વધુ પેસેન્જરો ત્યાં જ અટવાયેલા હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા હિરેનભાઈએ જણાવ્યું કે, વિયેનામાં લેન્ડિંગ બાદ શરૂઆતમાં લગભગ ૪ કલાક સુધી તેમને એરપોર્ટ પર જ બેસાડી રખાયા હતા. લોકોએ હોબાળો મચાવતા એરલાઈન્સે તમામને રાતે હોટેલમાં ઉતારો આપ્યો હતો. જ્યાં ડીનર અને બ્રેકફાસ્ટ અપાયા હતા, પરંતુ સવારે ૮ વાગે ફોન કરી તમામને એરપોર્ટ પર બોલાવી લેવાયા હતા. ત્યારથી સાંજ સુધી બધા જ એરપોર્ટ પર બેઠા હતા. તેમના લગેજ ફ્લાઈટમાં હોવાથી તેઓ પહેરેલા કપડે જ રહ્યા અને વડીલોની દવા પણ સાથે ન હોવાથી તેમને સૌથી વધુ હાલાકી થઈ હતી. તેમની ફ્લાઈટ ક્યારે ટેકઓફ થશે તે અંગે એરપોર્ટ ઓથોરિટી કે એરલાઈન્સ જવાબ આપતી નહોતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter