આખરે અલ્પેશ ઠાકોરે બે ધારાસભ્યો સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો

Thursday 11th April 2019 05:37 EDT
 
 

અમદાવાદઃ લાંબા સમયથી કોંગ્રેસ હાઇકમાન્ડથી નારાજ અલ્પેશ ઠાકોરે આખરે બે સાથી ધારાસભ્યો સાથે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે ૧૦ એપ્રિલે સાંજે બે ધારાસભ્યો બાયડના ધવલસિંહ ઝાલા અને બહુચરાજીના ભરતજી ઠાકોર સાથે બળવો પોકારીને પક્ષના તમામ પદો પરથી રાજીનામાં ધરી દેતાં કોંગ્રેસમાં હલચલ મચી ગઇ છે. આ સાથે જ અલ્પેશ ઠાકોર અને તેના સમર્થક ધારાસભ્યોના રાજીનામાંની કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. જોકે ઠાકોરે સ્પષ્ટતા કરી છે કે તેઓ ભાજપ સહિત અન્ય કોઈ પક્ષમાં જોડાવાના નથી અને ધારાસભ્યપદે ચાલુ રહેશે.
અલ્પેશ ઠાકોર કોંગ્રેસના કપરાં સમયમાં - ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પહેલાં પક્ષમાં જોડાયા હતા. જોકે હવે તેમણે વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ, પ્રભારી અને પ્રદેશના નેતાઓએ તેમની સાથે સતત અન્યાય કરીને વિશ્વાસઘાત કર્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો સાથ છોડ્યો છે.
લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ૧૦મી એપ્રિલે સાંજે રાજીનામાની જાહેરાત કરતાં કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી તેઓ અન્યાય સહન કરી રહ્યા હતા. પ્રદેશ પ્રભારી તેમની સાથે વાત કરવા પણ તૈયાર નહોતા. એક તબક્કે તેમની સાથે વાત કરવાનો પણ ઈનકાર કરીને ‘તમે જતા રહો...’ ત્યાં સુધી પણ કહી દેવાયું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ સંઘર્ષ કરી રહી હતી, જનાધાર ઘટી રહ્યો હતો ત્યારે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ પક્ષમાં તેમનું માન-સન્માન જળવાયું નથી. તેથી ભારે હૈયે તેમને ટેકેદાર અને સાથી ધારાસભ્યો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની ફરજ પડી છે. તેઓ ભાજપ સહિત કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવાના નથી અને ધારાસભ્યપદે ચાલુ રહેવાના એમ જણાવીને ચીમકી ઉચ્ચારી હતી કે જે લોકોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો છે તેમને તેઓ છોડશે નહીં.
ઠાકોર સેનાની કોર કમિટીના નિર્ણય અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, મારા માટે પક્ષ કરતાં મારી સેના વધુ મહત્ત્વની છે, તેઓ ગરીબો-વંચિતોના ઉત્થાન માટે કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ કોંગ્રેસમાં તેમને અન્યાય અને વિશ્વાસઘાત સિવાય કંઈ મળ્યું નથી.
આગામી સમયમાં તેઓ ફરીથી ઠાકોર સેનાને મજબૂત કરીને સામાજિક આંદોલનને વેગવાન બનાવશે એમ જણાવતાં ઠાકોરે કહ્યું કે, વ્યસનમુક્તિ અને સામાજિક દૂષણો સામેના આંદોલનને ફરીથી ચાલુ કરશે.
લોકસભા ચૂંટણીમાં પ્રચાર અંગે તેમણે કહ્યું કે, બનાસકાંઠા લોકસભા અને ઊંઝા વિધાનસભાની પેટા-ચૂંટણીમાં પોતે ઠાકોર સેનાના યુવા ઉમેદવારો માટે પ્રચાર કરશે, એ સિવાય ક્યાંય પ્રચાર નહીં કરે. પાટણ અને બનાસકાંઠાની ચૂંટણીમાં પ્રચાર માટે ઠાકોર સેનાના કાર્યકરો-આગેવાનોને લાગી જવાનું આહ્વાન કરતાં તેમણે કહ્યું કે તેમના માટે પક્ષ નહીં, પરંતુ સમાજના ગરીબો-વંચિતો વધુ મહત્ત્વના છે.

‘કોંગ્રેસમાં સોદાબાજી થાય છે’

અલ્પેશ ઠાકોરે બળાપો ઠાલવતા કહ્યું હતું કે કોંગ્રેસમાં ચૂંટણીની ટિકિટો વેચાય છે અને સોદાબાજી થાય છે. બે-પાંચ લોકો સમગ્ર પક્ષ પર કબજો જમાવીને બેઠાં છે, પક્ષમાં આંતરિક જૂથબંધી ચરમસીમાએ છે. તેમણે કોઈ પણ પક્ષ સાથે ન જોડાવાનું એલાન કરતાં કહ્યું કે તેમનું કોઈ રાજકીય ભવિષ્ય નથી. સાથોસાથ તેમને હેરાન કરનારા લોકોને ચેતવણી આપતાં કહ્યું કે અમને છંછેડશો નહીં, જો છંછેડશો તો આવનારા સમયમાં પરિણામ ભોગવવા તૈયાર રહેજો. કોંગ્રેસમાં રહીને ભાજપ સામે લડવાનું હતું, પરંતુ કોંગ્રેસમાં જ કેટલાક તત્વો અમારી પીઠમાં ખંજર ભોંકી રહ્યા હતા.
કોંગ્રેસમાં તેમની સાથે થયેલાં અન્યાય અંગે ઠાકોરે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ વચ્ચે તીવ્ર જૂથબંધી પ્રવર્તી રહી છે. વિધાનસભા હોય કે લોકસભા, ચૂંટણીમાં ટિકિટો વેચાય છે. આંતરિક ખેંચતાણ ચરમસીમાએ છે. ચૂંટણીમાં ઠાકોર સમાજના મત મેળવ્યા પછી કોંગ્રેસમાં ઠાકોર સમાજના કાર્યકરો, આગેવાનોને હાંસિયામાં ધકેલી દેવાયા છે. પ્રદેશના નેતાઓ સાથેની ગુપ્ત મંત્રણાઓ અને વાતો જાણી જોઈને લીક કરી દેવામાં આવે છે.

હું ખુદ ગબ્બર છુંઃ અલ્પેશ

અલ્પેશ ઠાકોરે પોતાની સામે થઈ રહેલાં આક્ષેપો અંગે ફિલ્મી સ્ટાઈલમાં ડાયલોગ મારતાં કહ્યું હતું કે કોઈના આવવાથી કોઈ ગબ્બરને ફેર પડતો નથી. હું ખુદ ગબ્બર છું. રાહુલ ગાંધીની હરોળમાં બેસનારો મજબૂત નેતા છું. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં હું જ ગુજરાતનો નાથ નક્કી કરીશ તેઓ હુંકાર કરતાં કહ્યું હતું કે ૨૦૨૨ની ચૂંટણી માટે તે અત્યારથી જ કામે લાગી જશે. જ્યારે ઠાકોરને પૂછાયું કે કોંગ્રેસ દ્વારા તમને તમામ પદ અને સંગઠનમાં મહત્ત્વનું સ્થાન અપાયું હોવા છતાં તમે ભાજપમાં જવા માટે આક્ષેપો કરી રહ્યા છો? ત્યારે તેમણે ઉપરોક્ત ડાયલોગ મારતાં કહ્યું કે, કોઈનો હાથો બનવાની મારી ફિતરત નથી. અમારા સંગઠન - સેનાની તાકાતનો પરચો આગામી સમયમાં બતાવીશું. આજે કોંગ્રેસમાં ચૂંટણી લડવી હોય તો મજબૂત, આર્થિક રીતે સક્ષમ છો તેવું સર્ટિફિકેટ આપવું પડે છે.
કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું એટલે તમે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું? તેવા પ્રશ્નના જવાબમાં અલ્પેશે કહ્યું કે ધારાસભ્યનું મેન્ડેટ મળ્યું ત્યારે પણ હું કોંગ્રેસનો સભ્ય નહોતો. આથી સભ્યપદેથી રાજીનામાનો સવાલ જ નથી.

વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાને સ્થાન નથીઃ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ

અલ્પેશ ઠાકોરના રાજીનામા અને આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, કોઈની વ્યક્તિગત મહત્વાકાંક્ષા કે ઈચ્છાને આધારે રાજકીય પક્ષ ચાલતો નથી. પ્રદેશ પ્રમુખથી માંડીને નાનામાં નાના કાર્યકરને પક્ષના નીતિ-નિયમ, સિદ્ધાંત અને વિચારધારાને અનુસરવાના હોય છે. અન્યાય અને વિશ્વાસઘાતના આક્ષેપ નકારતાં ચાવડાએ કહ્યું કે અલ્પેશ ઠાકોરના સામાજિક આંદોલનથી પ્રેરાઈથી કોંગ્રેસ પક્ષે ઠાકોર અને તેમના ટેકેદારોને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપી, કોંગ્રેસના કાર્યકરોની રાતદિવસની મહેનત પછી તેઓ ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ હાઈકમાન્ડે સંગઠનમાં એઆઈસીસીના મંત્રી, બિહારના સહપ્રભારી, વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનાં સભ્ય, લોકસભાની ચૂંટણી માટેની કેમ્પેઈન કમિટીના કન્વીનર બનાવીને તેમનું માન-સન્માન જળવાય તેવી તક આપી છે. પરંતુ કોઈ પદ કે ટિકિટ માટે આપણે ઈચ્છીએ અથવા કહીએ તેવું જ થાય તેવી મહત્વાકાંક્ષા ન સંતોષાય ત્યારે રાજીનામાના પત્રમાં ઉચ્ચારાયેલાં શબ્દો અયોગ્ય છે.

પોતાનું કદ વધારવાનો વ્યૂહ?

અલ્પેશ ઠાકોર દાવો કરે કે પોતે ભાજપમાં જોડાવાના નથી, પરંતુ એક વર્ગ માને છે કે અલ્પેશ સહિત ત્રણેય ધારાસભ્યો હવે બનાસકાંઠા લોકસભા અને ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઠાકોર સેનાના ઉમેદવારોને જીતાડવાનો પ્રયાસ કરશે. આમ તે ભાજપમાં જતા પહેલાં ભાજપમાં વર્ચસ્વ ધરાવતા શંકર ચૌધરી અને પરબત પટેલ કરતા કદ મોટું કરવા ધારે છે. આ પછી ભાજપમાં જોડાઇને ટોચનો હોદ્દો મેળવવાની વ્યૂહરચના હોવાનું સૂત્રોનું કહેવું છે.

૪ લોકસભા બેઠકો પર શું અસર?

અલ્પેશ ઠાકોર અને તેના બે સાથીદારોના રાજીનામાથી કોંગ્રેસનું લોકસભાનું મતગણિત ખોરવાય જાય તેવી શક્યતા છે. મહેસાણામાં ૪ લાખ, બનાસકાંઠામાં ૩ લાખ, સાબરકાંઠામાં ૫.૨૦ લાખ, પાટણમાં ૪.૪૦ લાખ ઠાકોર મતદાર છે. ઠાકોર સેનાને કારણે જ મતદારો કોંગ્રેસને મત આપતા હતા. ઠાકોર સેના નિષ્ક્રિય થતાં ઉત્તર ગુજરાતની ૪ બેઠકો પર કોંગ્રેસને નુકસાન થઈ શકે છે.

ત્રણેય ધારાસભ્યોની હવે શું સ્થિતિ?

ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા-પદ પરથી રાજીનામાં ધરી દીધા છે. જોકે, કોંગ્રેસે આ ત્રણેય ધારાસભ્યોને હાલ પૂરતાં પક્ષમાંથી હાંકી કાઢ્યા નથી. આથી ત્રણેય સભ્યો વિધાનસભામાં કોંગ્રેસ પક્ષની બેઠકો પર જ બેસશે. ભૂતકાળમાં કોંગ્રેસે આવી રીતે ભાજપ સાથે હાથ મિલાવનાર ભાવસિંહ રાઠોડને સસ્પેન્ડ કરતાં તેઓ વિધાનસભામાં અપક્ષ તરીકે બેઠાં હતાં. જોકે, ત્યારબાદ કોંગ્રેસે ડો. નિમાબહેન આચાર્યને સળંગ સાડા ત્રણ વર્ષ સુધી સસ્પેન્ડ કર્યા ન હતા. આથી તેઓની બેઠક વ્યવસ્થા કોંગ્રેસના સભ્યો વચ્ચે જ રહી હતી. એ જ રીતે મહુવાના ભાજપના ધારાસભ્ય ડો. કનુ કલસરિયાને પણ ભાજપે સસ્પેન્ડ ન કર્યા હતા અને ભાજપના સભ્યોની વચ્ચે જ બેઠક વ્યવસ્થા રાખી હતી. આમ, જ્યાં સુધી કોંગ્રેસ સસ્પેન્ડ કરે નહીં ત્યાં સુધી વિધાનસભાની બેઠક વ્યવસ્થામાં તેઓ કોંગ્રેસને અપાયેલા સ્થાન ઉપર જ બેસશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter