ગુજરાતનું ડેરી માર્કેટ રૂ. એક લાખ કરોડે પહોંચ્યું

સાબર ડેરીમાં મિલ્ક પાઉડર પ્લાન્ટ અને ટેટ્રાપેક પ્લાન્ટનું લોકાર્પણ કરતા વડા પ્રધાનઃ ચીઝ પ્લાન્ટનો શિલાન્યાસ

Tuesday 02nd August 2022 11:55 EDT
 
 

ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાત સહિત દેશમાં કિસાનની આવક વધી છે અને પશુપાલન તેમજ મત્સ્ય ઉત્પાદન પણ વધ્યું છે. આજે રાજ્યનું ડેરી માર્કેટ રૂ. એક લાખ કરોડનું થયું છે અને આ વ્યવસાયમાં મહિલાઓની ભાગીદારી વધી છે.
વડા પ્રધાને 28 જુલાઇએ સાબર ડેરી ખાતે રૂ. 600 કરોડના ખર્ચે સાકાર થનારા પ્રતિ દિન 30 મેટ્રિક ટન કેપિસિટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે જ તેમણે રૂ. 125 કરોડના ખર્ચે બનેલા અને દૈનિક 3 લાખ લીટર કેપેસિટીના અલ્ટ્રા હાઈ ટ્રીટમેન્ટ ટ્રેટાપેક પ્લાન્ટનું ઈ-લોકાર્પણ તેમજ રૂ. 305 કરોડના ખર્ચે ઊભા થયેલા દૈનિક 120 ટન કેપેસિટીના પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.
ખેડૂતો અને પશુપાલકોને સંબોધન કરતાં કહ્યું કે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી કાર્યાન્વિત થનારા પ્રકલ્પોના કારણે સાબર ડેરીની ક્ષમતા અનેક ગણી વધશે. એટલું જ નહીં ડેરીનું સામર્થ્ય વધારવામાં ઉપયોગી થશે અને સાથે સાથે ડેરી સાથે સંકળાયેલા પશુપાલકોના જીવનમાં પ્રકાશ પથરાશે.
મોદીએ કહ્યું કે ગુજરાત દેશનું એવું રાજ્ય છે જ્યાં પશુધન માટે હેલ્થકાર્ડ, પશુ આરોગ્ય મેળા યોજ્યા હતા અને પશુઓના મોતીયાના ઓપરેશનની સુવિધાઓ પણ કરી હતી. આ અભિયાન આજે પણ કાર્યરત છે. પશુઓના પેટના ઓપરેશન દરમિયાન 10થી 15 કિલો પ્લાસ્ટિક નીકળતું હતું એટલે જ પ્લાસ્ટિક પર પ્રતિબંધની ઝુંબેશ પણ ચલાવી હતી.
ઉત્તર ગુજરાતને ‘ઉત્તમ ગુજરાત’ બનાવવાની નેમ
વડા પ્રધાને જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ઉત્તર ગુજરાત ‘ઉત્તમ ગુજરાત’ બની જશે અને તેમાં મહિલાઓનો સિંહફાળો હશે. સાથોસાથ સમગ્ર દેશના ખેડૂતોને અપાતાં રાસાયણિક ખાતર મોંઘુ ન પડે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અપાતી સબસીડીની ઝલક આપી હતી. રૂ. 3500ની યુરિયાની બેગ ખેડતોને રૂ. 300માં મળે છે જ્યારે રૂ. 2500માં સરકાર દ્વારા ખરીદાતા ડીએપી ખાતરની પ્રતિ 50 કિલોની બેગ ખેડૂતોને રૂ. 1300માં અપાય છે. જેમાં કેન્દ્ર સરકાર અડધોઅડધ સબસીડી આપે છે તેમ વડા પ્રધાને જણાવીને પ્રાકૃતિક ખેતીને મહત્ત્વ આપવા પણ અનુરોધ કર્યો હતો.
ઈડર, વડાલી, ખેડ... હેંડો હેંડો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં ભૂતકાળને યાદ કરીને એ હેંડો... ઈડર, વડાલી, ખેડ.. હેંડો હેંડો... એમ કહીને રમૂજ કરી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે સરકારી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ઓછી હતી ત્યારે ખાનગી વાહનોવાળા મુસાફરીને પોતાના વાહનોમાં બેસાડીને લઈ જવા માટે લહેકાથી એ હેંડો... હેંડો... ઇડર, વડાલી, ખેડ... હેંડો... કહેતા હતા એ આજથી યુવા પેઢી માટે માત્ર ને માત્ર સંભારણા સમાન છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter