યુવક મંડળ દ્વારા બે દલિત બહેનોનાં લગ્ન

Wednesday 16th May 2018 08:00 EDT
 
 

થરાઃ કાંકરેજ તાલુકાના ઇન્દ્રમાણા ગામમાં દલિત પરિવારની બે નિરાધાર બહેનોને જય ભવાની યુવક મંડળના દરબાર ભાઇઓએ ગ્રામજનોના સહકારથી ૧૧મીએ પરણાવી હતી.
કાંકરેજ તાલુકાના ઇન્દ્રમાણા ગામમાં દલિત પરિવારની બે બહેનો તથા એક ભાઇના માતા જશીબહેન અને પિતા નરસિંહભાઇ સાત વર્ષ પહેલાં માંદગીના કારણે છ માસના અંતરમાં મૃત્યુ પામ્યા હતા.
આ ગરીબ પરિવારની બે બહેનો પાર્વતી (ઉં. વ. ૧૮) અને જાગૃતિ (ઉં. વ. ૧૯)ના લગ્નનો ભાર ઇન્દ્રમાણા ગામના જય ભવાની યુવક મંડળના દરબાર ભાઇઓએ ઉઠાવીને ૧૧મી મેએ બંને બહેનોને વળાવી હતી.
ઇન્દ્રમાણા ગામલોકોના લોક સહકારથી રૂ. ૫૦ હજારથી વધુનો ફાળો એકઠો કરી બંને બહેનોને મંડળના યુવકોએ ધામધૂમથી પરણાવી હતી. જેમાં જાગૃતિના લગ્ન દિયોદરના ફોરણા-કોટડાના શૈલેષ સાથે થયા હતા. જ્યારે પાર્વતીના લગ્ન દિયોદરના વડાણાના નવીન સાથે થયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઇન્દ્રમાણા ગામના લોકો હાજર રહ્યા હતા અને જય ભવાની યુવક મંડળનો આભાર માન્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter