રૂપાલમાં શ્રદ્ધાનો સાગર છલકાયો, ચોખ્ખા ઘીની નદીઓ વહી

Tuesday 19th October 2021 15:08 EDT
 
 

ગાંધીનગર: જિલ્લાના રૂપાલ ગામમાં પાંડવકાળથી શરૂ કરાયેલી પરંપરા સૈકાઓ બાદ પણ જળવાઇ છે, અને આસો સુદ નોમના દિવસે વધુ એક વખત તેનો નજારો જોવા મળ્યો હતો. વરદાયિની માતાજીની પલ્લીમાં આ વર્ષે પણ શુદ્ધ ઘીનો અભિષેક થયો હતો અને ગામમાં જાણે ઘીની નદી વહી નીકળી હતી.
જોકે આમ છતાં ગ્રામજનો તો એમ જ કહે છે કે કોરોના નિયંત્રણોના કારણે આ વર્ષે ‘માત્ર’ ૧૦ હજાર કિલો ઘીનો જ અભિષેક થયો છે! અને ગ્રામજનોની વાત ખોટી પણ નથી. વરદાયિની માતાજીની પલ્લીમાં દર વર્ષે ભક્તો દ્વારા કરોડો રૂપિયાના લાખ્ખો કિલો ઘીનો અભિષેક કરાતો હોય છે તેની સામે આ આંક તો મામૂલી છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય સંજોગોમાં પલ્લી રથયાત્રા પ્રસંગે ગામમાં આઠથી દસ લાખ ભક્તો ઉમટી પડતા હોય છે અને પલ્લી પર સરેરાશ ચાર લાખ કિલો ચોખ્ખા ઘીનો અભિષેક થતો હોય છે.
કોરોના મહામારીના કારણે આ વર્ષે બહારથી આવતાં ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આગલા દિવસથી જ ગામના પ્રવેશવાના તમામ માર્ગો બંધ કરી દઇને બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો હતો. આમ માત્ર સ્થાનિક ગ્રામજનોની હાજરીમાં માતાની પલ્લી સાથે રથયાત્રા નીકળી હતી. કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને માતાજીની પલ્લી યોજવાનું તંત્ર માટે પડકારજનક હતું. આ માટે પલ્લી ગામના દરેક પ્રવેશદ્વાર બંધ કરીને સ્થાનિક ભક્તો દ્વારા ધાર્મિક વિધી-વિધાન પૂર્ણ કરીને ભક્તોની ભીડ નહીં પરંતુ આસ્થાના ઘોડાપુર વચ્ચે ૧૫ ઓક્ટોબરે મધરાતે ૩-૫૦ વાગ્યાની આસપાસ પલ્લી નીકળી હતી.
ઉનાવા ગામમાં બિરાજતા માતાજીની રજા મેળવ્યા બાદ પલ્લી રથનું પ્રસ્થાન થયું હતું. દર વખતની જેમ આ વખતે હજારો ભક્તોની ભારે ભીડ ન હતી કે પલ્લીની પાંચ જ્યોત ઉપર લાખ્ખો કિલો ચોખ્ખા ઘીનો અભિષેક થયો ન હતો, પરંતુ પરંપરા જાળવવા માટે નીકળેલી પલ્લીના ભક્તોએ સોશ્યલ મીડિયાના માધ્યમથી દર્શન જરૂર કર્યા હતા.
પરંપરાગત રૂટ પર નીકળેલી પલ્લી ગામમાં ફરીને અઢી કલાકમાં વરદાયિની મંદિરના પરિસરમાં પહોંચી ગઇ હતી, જ્યાં ભક્તોએ મનભરીને દર્શન કર્યા હતા. આ પરંપરા મહાભારત કાળથી ચાલે છે.
બાધા પુરી કરવા માટે શ્રદ્ધાળુઓને સરળતાથી ઘી મળી રહે તે માટે પલ્લીના રૂટમાં આવતા ૨૭ ચકલા પાસે ઘીના બેરલ ભરીને મૂકવામાં આવ્યા હતા તો સાથે સાથે જ ચોખ્ખા ઘીની ટ્રોલીઓ પણ ત્યાં ગોઠવાઇ હતી. પલ્લી આવતાની સાથે જ તેના ઉપર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો.
આ સાથે જ ગામમાં જાણે ચોખ્ખા ઘીની નદી વહેતી હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. રથયાત્રા સંપન્ન થયા બાદ મંદિર ખાતે પલ્લી દર્શન માટે મૂકવામાં આવી છે, જ્યાં શ્રદ્ધાળુઓ શરદપૂર્ણિમા સુધી પલ્લીની જ્યોતના દર્શન કરી શકશે અને ઘીનો અભિષેક પણ કરી શકશે.
પલ્લીનો ઇતિહાસ
પલ્લીના ઇતિહાસ પર નજર કરીએ તો, દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાના શસ્ત્રો ખીજડાના એક વૃક્ષની નીચે સંતાડયા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી. જંગલોની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ વૃક્ષની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પુરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકામાંથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરીને તેમણે પાંચ દિવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી. આ પછી હસ્તીનાપુરના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ કૃષ્ણ સાથે પાંડવો ફરી અહીં આવ્યા હતા અને સોનાની પલ્લી બનાવીને રથયાત્રા યોજી હતી. બસ, તે સમયથી અહીં નવરાત્રીની નોમની મધરાત્રી બાદ પલ્લીની પરંપરા શરૂ થયાનું મનાય છે. આમ મહાભારત કાળથી શરૂ થયેલી પલ્લીની પરંપરા આ કોરોના કાળમાં અટકે તેમ લાગતું હતું પરંતુ ભક્તોની અડગ શ્રદ્ધાના લીધે પ્રતીકાત્મક રીતે પણ પલ્લી રથયાત્રા યોજાઇ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter