સવા લાખની લાડી લાવ્યો પણ પરણે એ પહેલા પોલીસે પકડી લીધો

Sunday 18th April 2021 05:24 EDT
 

ડીસા : સાહેબ લગ્ન થતાં ન્હોતા અને ઉંમર વધતી જતી હતી છેવટે લગ્ન માટે સવાલાખ રૂપિયા આપી ને પરણાવા માટે મહારાષ્ટ્રથી છોકરી લાવ્યો, હવે પરણવાનું તો દૂર મારે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. આ શબ્દો છે પોલીસ સ્ટેશનમાં ઉભેલા શોભાજી ઠાકોરના.
શોભાજી ઠાકોરની ઉંમર ૩૬ વર્ષની છે. ખેતીની સારી આવક છે. વર્ષે દહાડે શોભાજી ૧૦ થી ૧૨ લાખ કમાય છે પરંતુ એમના લગ્ન થતા ન હતા. એમની સાથેના બધા લોકોના લગ્ન થઈ ગયા હતા. દરમિયાન એમને કોઈકે કહ્યું કે ભાભરમાં રહેતા પ્રતાપજી ઠાકોર અને શ્રવણ ઠાકોર પૈસા લઈને લગ્ન કરાવી આપે છે. એટલે શોભાજીએ પ્રતાપજી અને શ્રવણનો સંપર્ક કર્યો.
શોભાજીના જણાવ્યાનુસાર આ બંનેએ ખાતરી આપી હતી કે એમના લગ્ન કરાવી આપશે, પણ એના માટે સવાલાખ રૂપિયા ખર્ચવા પડશે. શોભાજીએ સવાલાખ રૂપિયા આપ્યા અને લગ્ન કરવાની લ્હાયમાં મહારાષ્ટ્રથી છોકરી પણ લઈ આવ્યા. લગ્નનું મુહૂર્ત નહિ હોવાથી મહારાષ્ટ્રથી લાવેલી છોકરીને પોતાના ગામના ખેતરની ઓરડીમાં રાખી હતી. પણ પાપ છાપરે ચડીને પોકારે એમ ખેતરમાં રહેલી છોકરીને જોઈ ગામના કેટલાક લોકોએ પોલીસને જાણ કરી દીધી. આ છોકરીને ગુજરાતી આવડતું ન હતું અને શોભાજીના આસપાસના ખેતરમાં કામ કરવા આવતા મજૂર બહેનોએ જોયું કે, એ માત્ર કુદરતી ક્રિયા કરવા જ બહાર આવતી બાકી એને ઓરડીમાં બાંધી રાખી હતી. આ કેસની તપાસ કરી રહેલા વાવના પોલીસ સબ ઈસ્પેક્ટરે કહ્યું કે, અમને મળેલી બાતમીના આધારે અમે વાવના મોખરી ગામમાં શોભાજીના ખેતર પર રેડ કરી તો મહારાષ્ટ્રની આ છોકરી મળી આવી હતી. ૨૨ વર્ષની આ છોકરીનું અપહરણ કરી અહીં લાવ્યા હતા જેને અમે મુક્ત કરાવી એના માતા પિતાને સોંપી દીધી છે. આ છોકરીને સવાલાખ રૂપિયામાં વેંચનાર પ્રતાપજી અને શ્રવણ નાસી છૂટ્યા છે. એની ધરપકડ કરી એમને આવી રીતે ગુજરાતમાં કેટલી છોકરીઓ લગ્નના બહાને વેચી છે એની તપાસ કરી
રહ્યા છીએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter