ઓઢવમાં ૧૨૩નો ભોગ લેનારા લઠ્ઠાકાંડમાં ૨ને ૧૦ વર્ષની સજા

Friday 12th July 2019 08:18 EDT
 

અમદાવાદઃ ઓઢવમાં ૧૦ વર્ષ પહેલાં ૧૨૩નો ભોગ લેનારા લઠ્ઠાકાંડમાં એડિ. સેશન્સ જજ ડી.પી. મહીડાએ ૩ મહિલા સહિત ૬ આરોપીને તાજેતરમાં દોષિત ઠરાવ્યા હતા. ૩૩ આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. નાસતા ફરતા આરોપી બિલેન્દ્ર યાદવ, જિતેન્દ્ર યાદવ અને રામબાબુ ઉર્ફે મૂંછડ સામેનો કેસ પેન્ડિંગ રખાયો છે. આરોપીઓને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં અગાઉ ૧૦ વર્ષની સજા થઈ હતી. આથી કોર્ટે તેમના હુકમમાં કાગડાપીઠ અને ઓઢવના ગુનાની સજા એકસાથે ભોગવવાનો હુકમ કર્યો હોવાથી આરોપીઓને રાહત થઈ છે.

ઓઢવ પોલીસે સેશન્સ કોર્ટમાં વિનોદ ડગરી સહિતના આરોપીઓ સામે હત્યાનું કાવતરું, મનુષ્ય વધ અને પ્રોહિબિશનની કલમો હેઠળ આરોપનામું ઘડ્યું હતું. જોકે કોર્ટે પુરાવાના આધારે આરોપીઓને હત્યા અને ગુનાઇત કાવતરાના આરોપમાં છોડી મૂક્યા હતા. જોકે આરોપી વિનોદ ડગરી અને જયેશ ઠક્કરને મનુષ્ય વધ હેઠળ ૧૦ વર્ષની સજા, આરોપી અરવિંદ તળપદાને ૭ વર્ષની સજા જ્યારે મહિલા આરોપી જશીબહેન ચુનારા, નંદાબહેન જાની અને મીનાબહેન રાજપૂતને પ્રોહિબિશન એક્ટ હેઠળ ૨ વર્ષની સજા થઈ છે.

ઓઢવમાં ૯થી ૧૧ જૂન ૨૦૧૦ના રોજ લઠ્ઠાકાંડ સર્જાતા ૧૨૩ લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે ૨૦૦ લોકોને ઝેરી દેશી દારૂથી ગંભીર અસરો થઈ હતી. આ કેસમાં ઓઢવ પોલીસે મહેમદાવાદના વાંઠવાડી ગામના બુટલેગર વિનોદ ડગરી, મિથેનોલ કેમિકલ પૂરું પાડનારા જયેશ ઠક્કર, અરવિંદ તળપદા સહિત ૪૨ આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter