ઓમિક્રોનનો ભયઃ વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપવા અડધો ડઝન ટચૂકડાં દેશોના વડા જ સંમત

Friday 24th December 2021 04:23 EST
 
 

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ પદ હેઠળ સ્વર્ણિમ સંકુલમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં જાન્યુઆરી ૧૦થી ૧૨ તારીખ દરમિયાન યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન થયું હતું. જેમાં અપાયેલી જાણકારી મુજબ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરિષદમાં ૧૦-૧૧ જાન્યુઆરી દરમિયાન ભાગ લેવા માટે આવશે અને એમના શિડયુઅલ અંગે વડા પ્રધાન કાર્યાલય સાથે સતત પરામર્શ થઈ રહ્યો છે.
આ ઉપરાંત ૬ જેટલા ટચૂકડાં દેશોના વડાઓએ પણ પરિષદમાં ભાગ લેવા માટે સંમતિ દર્શાવી છે, જેમાં દક્ષિણ આફ્રિકન દેશ મોઝામ્બિકના પ્રેસિડેન્ટ ફિલિપ ન્યૂસી, મધ્ય અને દક્ષિણ પૂર્વ યુરોપિયન દેશ ક્રોએશિયાના પ્રેસિડેન્ટ ઝોરાન મિલનોવિક, મધ્ય યુરોપિયન દેશ સ્લોવેનિયાના પ્રેસિડેન્ટ બોરુત પાહોર, પડોશી દેશ નેપાળના પ્રેસિડેન્ટ બિદ્યા દેવી ભંડારી તથા અતિ નાના યુરોપિયન દેશ લક્ઝમ્બર્ગના વડા પ્રધાન ઝેવિયર બિટેલનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે સમિટમાં ૧૫થી ૨૦ જેટલા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાઈ રહ્યા છે, અલબત્ત આમાં કેટલા દેશોના ડેલીગેશન્સ રૂબરૂ આવશે અને કેટલા વર્ચ્યુઅલી ભાગ લેશે એ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આવી જ રીતે વિવિધ દેશોના દિલ્હી-મુંબઈ સ્થિત ૨૬ જેટલા એમ્બેસેડર્સે પણ રાજ્ય સરકારનું આમંત્રણ સ્વીકાર્યું છે. જોકે એમાંય કેટલા પ્રત્યક્ષ અને કેટલા વર્ચ્યુઅલ રીતે સામેલ થશે તે અંગે બાંધી મુઠ્ઠી રખાઈ રહી છે. આ ઉપરાંત દસ જેટલાં દેશોના મંત્રીઓના નેતૃત્વમાં ડેલિગેશન્સ આવવાની શક્યતા દર્શાવાઈ રહી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter