કચ્છમાંથી ૧.૧૦ કરોડ વર્ષ પુરાણા માનવપૂર્વજના અવશેષ મળ્યા

Tuesday 20th November 2018 11:54 EST
 
 

નવી દિલ્હીઃ કચ્છ-ભુજની ધરતીમાં કરોડો વર્ષ પુરાણા અશ્મિઓનો ખજાનો ધરબાયેલો પડ્યો હોવાની વાતનો વધુ એક દસ્તાવેજી પુરાવો મળ્યો છે. ટપ્પર વિસ્તારમાંથી માનવજાતના પૂર્વજ એવા પૂંછડી વિનાના વાંદરાના જડબાના ૧.૧ કરોડ વર્ષ પુરાણા અવશેષો મળતા આ પ્રજાતિની ઉત્ક્રાંતિના નવા સંશોધનોને આંતરરાષ્ટ્રીય સ્તરે વેગ મળવાના ઉજળા સંજોગો સર્જાયા છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, ભારત ઉપખંડમાં હિમાલયના નીચાણવાળા ભાગોને બાદ કરતા પ્રથમ વખત આ પ્રકારના અવશેષો મળ્યા છે.
પૃથ્વી પરથી લુપ્ત થઇ ગયેલી દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ એશિયામાં વસવાટ કરતી વાનર પ્રજાતિ એપના અંગ્રેજી નામથી ઓળખાય છે. આ પ્રજાતિ દેખાવે ગોરીલા અને ચિમ્પાન્ઝી જેવી જ લાગે છે અને તે પ્રાગૈતિહાસિક કાળ પૂર્વેના માનવપૂર્વજ માનવામાં આવે છે. સંશોધનપત્રમાં ઉલ્લેખ મુજબ શિવાપીથેકસના વૈજ્ઞાનિક નામથી ઓળખાતા આ જીવના જડબાના હાડકાના જીવાશ્મી ટપ્પરમાંથી મળ્યા છે. એક્સ-રે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી દ્વારા વૈજ્ઞાનિક ઢબે થયેલી તપાસમાં આ અવશેષો ૧૦.૮ મિલિયન વર્ષ એટલે કે એક કરોડ વર્ષ પુરાણા હોવાનું જણાયું છે. આ અવશેષો પુખ્ત વાનરના હોવાની પણ નોંધ છે.
લખનઉસ્થિત બિરબલ સાહની ઇન્સ્ટિટ્યુટ ઓફ પેલિઓસાયન્સના સંશોધકોએ કચ્છમાંથી આ ૧.૧૦ કરોડ વર્ષ અવશેષો શોધી કાઢ્યા છે. પ્લોસ વન નામના જર્નલમાં પ્રકાશિત સંશોધન અહેવાલ સંશોધકોએ ૧.૧૦ કરોડ વર્ષ પહેલાંના માયોસીન હોમીનોઇડ્સ નામે ઓળખાતા વાનરનું જડબું મળી આવ્યું છે. ભારતીય ઉપખંડમાં પહેલી વખત આ પ્રકારનો કોઇ અવશેષ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૧માં નિષ્ણાતોની ટીમ દ્વારા ખોદકામ કરીને આ નમૂના એકત્ર કરાયા હતા. સાત વર્ષમાં ભારત અને અમેરિકાની યુનિવર્સિટીના નિષ્ણાતો દ્વારા સંશોધનના અંતે આ તારણ નીકળ્યું છે.
બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિઓસાયન્સ-લખનઉના અનસૂયા ભંડારી, અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના એફ. રિચાર્ડ તથા બ્લાયથ વિલિયમ્સ, વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી-દહેરાદૂનના બ્રહમાનંદ તિવારી, આઈઆઈટી રુરકીના ભૂ-વિજ્ઞાનના વડા સુનિલ બાજપાઈ અને અમેરિકાની નોર્થ-ઇસ્ટર્ન ઓહિયો યુનિવર્સિટીના ટોબીન હિરોન્યુસ દ્વારા આ સંશોધન કરાયું છે.
આ સંશોધન અંગેના રિસર્ચ પેપરમાં નિષ્ણાતોએ આશા વ્યક્ત કરી છે કે પશ્ચિમી કચ્છમાંથી કરાયેલી આ શોધ ભારતમાં માનવીય પૂર્વજો એવા વાનરના અસ્તિવ અને તેને લઈને અનેક રહસ્યો ખોલશે.
ભૂસ્તરીય દૃષ્ટિએ શિવાલિક રેન્જથી ઓળખાતી પાકિસ્તાનની પોતવાર, ભારતમાં રામનગર અને હરિતલયાંગર અને નેપાળની ચુરિયા ગિરિમાળામાંથી અગાઉ આ પ્રકારના અવશેષો મળ્યા છે. આ સિવાયના પ્રદેશ બહાર પહેલી વખત આ અવશેષો મળ્યા છે.
આજથી બે વર્ષ પહેલા લોડાઇ વિસ્તારમાંથી માછલી પ્રકારના દરિયાઈ સરીસૃપ એવા ઇથિયોસારના અવશેષ મળ્યા હતા, જે એશિયા ખંડમાં વૈજ્ઞાનિક દૃષ્ટિએ અત્યંત આગવું મહત્વ ધરાવે છે. ત્યારબાદ આ સૌથી મહત્ત્વનું સંશોધન થયું હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. જોકે ૧૬ કરોડ પુરાણા વૃક્ષાશ્મિઓ ધોળાવીરા નજીક પણ આવેલા છે. જીવસૃષ્ટિની દૃષ્ટિએ આ સૌથી મોટું બીજું સંશોધન છે.
હિમાયલ પ્રદેશથી ૧૬૧૪ કિલોમીટર દૂર ભારતના કચ્છમાં મળેલા આ અવશેષે એપ વાનર પ્રજાતિના રહેણાંક અને વિસ્તરણ સંદર્ભે અનેક તાણાવાણા સર્જ્યા છે. આ અંગે સંશોધક સુનિલ બાજપાઈએ ઉલ્લેખ કરતા નોંધ્યું છે કે અવશેષો જોતાં ચોક્કસપણે કહી શકાય કે, આ પ્રજાતિ માત્ર હિમાલય પૂરતી સીમિત ન હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter