ગાયના ગોબરમાંથી બનેલી ચિપ્સ અટકાવશે મોબાઇલ ફોનનું રેડિએશન

Wednesday 09th November 2022 05:25 EST
 
 

ભુજ: ‘દેશી ગાયના ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે...’ આ વાક્ય ચરિતાર્થ થયું છે અને દેશી ગાયમાતાના ગોબરમાંથી બનતી મોબાઈલ ચિપ્સને આંતરરાષ્ટ્રીય પેટન્ટ મેળવી છે. ભુજ તાલુકાના કુકમા ગામે ગૌવિજ્ઞાન માટે સમર્પિત સંસ્થા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા 2016માં આ પ્રોડક્ટ પર પેટન્ટ અરજી ફાઇલ કરી હતી. આ અરજીને મંજૂરી સાથે જ ગોબરની ચિપ્સને સરકારની અને વિજ્ઞાનની મહોર લાગી છે એમ કહી શકાય. આ ગોબર ચિપ્સ મોબાઈલ તેમજ લેપટોપ કે કોમ્પયુટરમાંથી નીકળતા નુક્સાનકારક રેડિએશન સામે રક્ષણ આપી શરીરને હકારાત્મક ઉર્જા આપતી હોવાનો દાવો સંસ્થા દ્વારા કરાયો છે.
ભારતીય નસ્લની ગાયોના ગોબરમાં હકારાત્મક ઉર્જાનો ભંડાર છે એ વાતને સાબિત કરવા માટે કુકમા સ્થિત સંસ્થા દ્વારા 2016માં ભારતમાં સંભવતઃ પ્રથમ વાર ગોબર એન્ટી રેડીએશન ચિપ્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ગોબર ચિપ્સ હકીકતમાં હકારાત્મક ઉર્જા વધારે છે. તે માટે બેલાસ્ટિક ગેલ્વેનો મીટર પર તેની ચકાસણી પણ કરવામાં આવી હતી. જેમાં 10 લોકો પર તેનું પરીક્ષણ કરાયું હતું. ત્યારબાદ તેના પેટન્ટ માટે અરજી કરવામાં આવી હતી.
ત્યાં થયેલી કસોટીમાં પાર પડતાં ગાયના વિજ્ઞાનને cowdung based radiation and energy masking chipsના નામે આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. આમ ગૌ પ્રોડક્ટ વિજ્ઞાનની એરણે સફળતા મળતા ગૌસેવકોમાં આનંદ અને વિશ્વાસની લાગણી છવાઈ હતી.
આ પેટેન્ટ જે સંસ્થાને મળેલ છે તે રામકૃષ્ણ ટ્રસ્ટ - કુકમાના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઇ સોલંકીએ જણાવ્યું કે, ગાયના વિષયને ધીરે ધીરે સ્વીકાર અથવા લાગ્યો છે ત્યારે ગોબર ચિપ્સને સરકારી પેટેન્ટ મળતા તેને ઓર બળ મળ્યું છે. આવનાર સમયમાં ગાયની ઓળખ વધારે સ્પષ્ટ થશે અને તે રખડતી અટકશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કુકમા સ્થિત સંસ્થામાં દેશી ગાયના પંચગવ્યમાંથી 100 કરતાં પણ વધારે પ્રોડક્ટ બનાવવામાં આવે છે, એટલું જ નહીં તેની નિઃ શુલ્ક તાલીમ પણ આપવામાં આવે છે અને જેનો લાભ સેંકડો યુવાનો લઈ રહ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter