ધોરડો હવે વિશ્વનું બેસ્ટ ટુરિઝમ વિલેજ

Tuesday 24th October 2023 04:07 EDT
 
 

ભુજ: માત્ર 700ની વસતી સાથે સફેદ રણની અનમોલ સંપત્તિ ધરાવતાં ધોરડોએ વિશ્વના શ્રેષ્ઠ ટૂરિઝમ વિલેજની યાદીમાં સ્થાન મેળવ્યું છે. યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા તૈયાર કરાયેલા દુનિયાના શ્રેષ્ઠ પ્રવાસન ગામડાંની યાદીમાં ભારતમાંથી એકમાત્ર ધોરડો ગામની પસંદગી કરાઇ છે. યાદીમાં આ વર્ષે 74 નામ ઉમેરાતા હવે સમગ્ર વિશ્વમાં બેસ્ટ ટૂરિઝમ ગામોની સંખ્યા 100 થઈ છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2006માં ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરાવીને દેશ-દુનિયાના પ્રવાસીઓમાં આકર્ષણ ઊભું કર્યું હતું. આજે હવે ધોરડો વિશ્વફ્લક પર પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે. ભુજથી 86 કિલોમીટર દૂર વસેલા આ ગામથી ભારત-પાકિસ્તાન સીમા બહુ દૂર નથી.
મોદીનું વિઝન હતુંઃ આ રણ બની શકે દુનિયાનું તોરણ
ધોરડોને મળેલા વૈશ્વિક સન્માનથી ખુશખુશાલ ગામના સરપંચ મિયાંહુસૈન ગુલબેગ કહે છે કે દસકાઓ અગાઉ એક સમય એવો હતો કે ધોરડો તરફ આગળ વધી રહેલું સફેદ રણ જોઇને લોકોને એવો ભય સતાવતો હતો કે ભવિષ્યમાં કેવી કપરી હાલત થશે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારા પિતા ગુલબેગ દાદાને કહ્યું હતું કે, આ રણ તો દુનિયાનું તોરણ બની શકે તેવી તાકાત છે અને તે સમય આવી પહોંચ્યો છે. આજે ધમધોકાર પ્રવાસનના કારણે જીવનધોરણ ઊંચું આવ્યું છે.
આ સન્માન કચ્છના લોકોનું સમર્પણ દર્શાવે છે: મોદી
કચ્છના ધોરડોને વર્લ્ડ બેસ્ટ ટૂરિઝમ વિલેજનું ગૌરવ સન્માન મળ્યું તેની પ્રસન્નતા વ્યક્ત કરવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, કચ્છના ધોરડોને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કુદરતી સૌંદર્ય તરીકે ઉજવવામાં આવે છે તે જોઈને એકદમ રોમાંચિત છું. આ સન્માન માત્ર ભારતીય પ્રવાસનની ક્ષમતા જ નહીં પરંતુ ખાસ કરીને કચ્છના લોકોનું સમર્પણ પણ દર્શાવે છે.
આ સાથે વડાપ્રધાને ધોરડો વિશ્વતખતે સતત ચમકતું રહે અને વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષતું રહે એવી લાગણી વ્યક્ત કરી હતી.
ધોરડોની યાદો શેર કરવા આમંત્રણ
વડાપ્રધાને વર્ષ 2000 અને 2015માં તેમણે લીધેલી ધોરડોની મુલાકાતોની કેટલીક તસવીરો શેર કરી હતી તેમજ બીજા લોકોને ધોરડોની મુલાકાત લેવા પ્રેરણા મળે તે માટે લોકોને તેમની ધોરડોની જૂની મુલાકાતોની યાદો #AmazingDhordoનો ઉપયોગ કરી શેર કરવા આહ્વાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે યાદીમાં સ્થાન મેળવવા 260 ગામની અરજી સંબંધિત સત્તાધીશોને મળી હતી, જેમાંથી ધોરડોની પસંદગી કરાઈ છે. ટૂરિઝમ ડેવલપમેન્ટ, તેને સંલગ્ન સુવિધાઓ, ટૂરિઝમ સ્પોટનું એડમિનિસ્ટ્રેશન, સાંસ્કૃતિક અને કુદરતી સંસાધનો, આર્થિક સ્થિરતા, સામાજિક સ્થિરતા, પર્યાવરણીય સ્થિરતા, સાંસ્કૃતિક સંસાધનોનો પ્રચાર અને સંરક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી, આરોગ્ય, સલામતી અને સુરક્ષા સહિતના નવ પરિબળોને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર સલાહકાર બોર્ડ દ્વારા જે તે અરજદાર ગામોનું આકરું મૂલ્યાંકન કરવામાં આવે છે.
ગુજરાતીઓને મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી કચ્છના ધોરડોમાં રણોત્સવનું આયોજન કરાયું હતું, જેના પરિણામે આજે ગુજરાતને અને કચ્છને વૈશ્વિક ટુરિઝમના નકશામાં આગવું સ્થાન મળ્યું છે તે ગુજરાત માટે આનંદની વાત છે. તેમણે જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, પ્રાકૃતિક સ્થળોની જાળવણી, સાંસ્કૃતિક વૈવિધ્યતા, સ્થાનિક મૂલ્યો, ભોજન પરંપરા જેવા વિવિધ માપદંડોને ધ્યાને રાખીને ધોરડોની પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવીને વસુધૈવ કુટુંબકમનો મંત્ર સાકાર કરી રહ્યા છે. આ સિદ્ધિ બદલ ગુજરાત પ્રવાસન વિભાગ અને લાખો ગુજરાતીઓને પણ મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter