નૈરોબી લેઉઆ પટેલ સમાજના પૂર્વ પ્રમુખ ભીમજીભાઈ રાઘવાણીનું અવસાન

Wednesday 20th June 2018 09:17 EDT
 
 

નૈરોબીઃ બળદિયાના અને વર્ષોથી કેન્યાના નૈરોબીમાં પરિવાર સાથે વસતા કચ્છી લેઉઆ પટેલ સમાજ નૈરોબીના પૂર્વ પ્રમુખ ભીમજી લક્ષ્મણ દેવશી રાઘવાણીનું કેન્યામાં ૧૩મી જૂને અવસાન થયું છે. તેઓ ૬૩ વર્ષના હતા. તેઓ છેલ્લાં કેટલાક વર્ષોથી બીમાર હતા. કરસન મૂરજી કં. લિ.ના કર્તાહર્તા ભીમજીભાઈએ લંગાટામાં સમાજોપયોગી કાર્યોમાં પણ યોગદાન આપ્યું હતું અને સમાજના લોકો માટે ફ્લેટ્સ અને સ્કૂલના પાયા નાંખવામાં મદદરૂપ થયા હતા.
કેન્યામાં વસતા કચ્છી અગ્રણી રામજીભાઈ દેવશી વેકરિયાએ કહ્યું કે તેઓએ પૂર્વ આફ્રિકા સત્સંગ સ્વામીનારાયણ મંદિરમાં પણ ટ્રસ્ટીપદે સેવાઓ આપી હતી. તેમજ કેન્યામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
કેન્યા કોંક્રિટ એસોસિએશનમાં પણ તેઓ પ્રમુખપદે રહ્યા હતા. સદ્ગતના અવસાનથી ન પુરાય તેવી ખોટ પડ્યાની લાગણી મોમ્બાસાથી કચ્છી દાતા હસમુખ ભુડિયા, કચ્છી ઉદ્યોગપતિ કે. કે. પટેલ (કે- શોલ્ટ), ભુજ સમાજ પ્રમુખ હરિભાઈ હાલાઈ, અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા સહિતનાએ વ્યક્ત કરતાં પરિવારને દિલસોજી પાઠવી હતી.
પૂર્વ આફ્રિકા મંદિર પ્રમુખ મનજીભાઈ કાનજી રાઘવાણીએ પણ તેમને અંજલી અર્પી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter