ગુજરાતના ૨૦ જિલ્લામાં વરસાદની ૫૦ ટકાથી વધુ ઘટ

Sunday 05th September 2021 04:42 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસા દરમિયાન સરેરાશ ૨૧.૬૮ ઈંચ વરસાદ પડતો હોય છે અને તેની સામે માત્ર ૧૧.૨૬ ઈંચ વરસાદ નોંધાયો છે. આમ, ઓગસ્ટ મહિનો પૂર્ણ થવામાં છે ત્યારે પણ ગુજરાતમાં હજુ વરસાદની ૪૮ ટકા ઘટ છે. ગુજરાતના ૨૦ જિલ્લા એવા છે જ્યાં વરસાદની ઘટ ૫૦ ટકાથી વધુ છે. જેમાં ગાંધીનગર ૬૮ ટકાની ઘટ સાથે મોખરે છે.
ગાંધીનગર જિલ્લામાં સરેરાશ ૨૨.૫૧ ઈંચની સામે માત્ર ૭ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અરવલ્લી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અમદાવાદ એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદની ઘટ ૬૦ ટકાથી પણ વધારે છે. ગુજરાતમાં ગત વર્ષે ૨૬ ઓગસ્ટ સુધીમાં ૩૫ ઈંચ સાથે મોસમનો ૧૦૮ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.
જેની સરખામણીએ આ વખતે માત્ર ૪૧.૭૯ ટકા વરસાદ નોંધાયો છે.
સૌથી ઓછો વરસાદ નોંધાયો હોય તેમાં કચ્છ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અરવલ્લીનો સમાવેશ થાય છે. વલસાડ એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં મોસમનો ૫૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડમાં ૫૨.૮૩ ઈંચ સાથે વરસાદનું પ્રમાણ માત્ર ૫૯.૩૯ ટકા છે. આ વર્ષે ૧૨૯ તાલુકામાં ૨૩.૨૬ ઈંચથી ૩૯.૩૭ ઈંચ, ૧૦૩ તાલુકામાં ૯.૮૮ ઈંચથી ૧૯.૬૮ ઈંચ જ્યારે ૨૦ તાલુકામાં ૨ થી ૪.૯૨ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. કુલ બે તાલુકા એવા છે જ્યાં વરસાદનું પ્રમાણ ૨ ઈંચથી ઓછું છે. જેની સરખામણીએ ગત વર્ષે ૪.૯૨ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોય તેવા એકપણ તાલુકા નહોતા.
રાહત કાર્યોનો સર્વે શરૂ
અપૂરતા વરસાદને કારણે દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે જેના કારણે પહેલી સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં દુષ્કાળગ્રસ્ત જિલ્લા જાહેર કરવા મુદ્દે સરકાર નિર્ણય લઈ શકે છે. આ ઉપરાંત વર્તમાન સ્થિતિને જોતાં સરકારે રાહત કાર્યોનો સર્વે કરવા પણ જિલ્લા કલેક્ટરોને સૂચના આપી છે. ઓછા વરસાદને લઈને ગુજરાતમાં મોટું જળસંકટ સર્જાઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે તે જોતાં રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે.
ગુજરાતમાં મોટાભાગના ડેમોમાં તળિયા દેખાઈ રહ્યા છે જેથી સરકારે પીવાના પાણીની અછત સર્જાય નહીં તે માટે માઈક્રો પ્લાનિંગ કર્યું છે. સરકારે જળસંપત્તિ વિભાગ સાથે પાણી પુરવઠા વિભાગ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જો એકાદ સપ્તાહમાં વરસાદ ન આવે તો રાજ્યના છેવાડના ગામ સુધી પીવાનું પાણી પહોંચાડવા સરકાર આયોજન કરી રહી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter