ગુજરાતમાં ચૂંટણી પહેલાં વિજય રુપાણીને પંજાબ ભાજપના પ્રભારી બનાવાયા

Saturday 17th September 2022 06:19 EDT
 
 

ગાંધીનગર: ગુજરાતમાં 15મી વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર 13મી સપ્ટેમ્બરે એક વર્ષ પૂર્ણ કરે તેના બરાબર બે દિવસ પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપ હાઈકમાન્ડે પંજાબના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. નવમી સપ્ટેમ્બરે સાંજે દિલ્હી સ્થિત ભાજપ હેડ કવાટર્સમાંથી 15 રાજ્યોના પ્રભારી અને સહપ્રભારીઓની નિયુક્તિની જાહેરાત થઇ હતી. જેમાં રુપાણીને પંજાબ ઉપરાંત ચંદીગઢની પણ જવાબદારી સોંપાયાનું જાહેર થયું છે.
પંજાબમાં ભાજપનું સંગઠન અત્યંત નબળું છે. આ વર્ષના પ્રારંભે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના બળવાખોર ને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંઘ સાથે મળીને ઉમેદવારો ઊભા રાખ્યા હતા. ચૂંટણીના અંતે પંજાબ વિધાનસભામાં 117 બેઠકોમાંથી ભાજપ માંડ ત્રણ બેઠકો જીત્યું હતું, જ્યારે લોકસભામાં પંજાબના 13 પૈકી માત્ર બે સાંસદો ભાજપના છે. આમ, જ્યાં ચાર વર્ષ પછી વિધાનસભા ચૂંટણી છે ત્યાં રુપાણીને ભાજપે પોતાના સંગઠનના પ્રભારી તરીકે નિમ્યા છે. અલબત્ત, હાલમાં તેમને લોકસભા 2024ની ચૂંટણી માટે કામ કરવું પડશે. ગયા વર્ષે મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપ્યું ત્યારે રુપાણીએ પક્ષ સુચના આપશે તે પ્રમાણે કામ કરીશ એમ કહ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter