ગૃહ પ્રધાન પદે બિરાજનાર અમિત શાહ ગુજરાતના છઠ્ઠા અગ્રણી

Friday 07th June 2019 06:39 EDT
 
 

ગાંધીનગરઃ ભારત સરકારમાં ગૃહ પ્રધાન તરીકેનો મહત્ત્વનો હોદ્દો અમિત શાહને સોંપાયો છે. તે સાથે આવા હોદ્દા સાથે સંકળાયેલા મૂળ ગુજરાતીઓ કે ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદોની યાદીમાં સમાવિષ્ટ એવા છઠ્ઠા અગ્રણી બન્યા છે.

ગુજરાત સાથે સંકળાયેલા આવા અગ્રણીઓમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ગુલજારીલાલ નંદા, મોરારજીભાઈ દેસાઈ, એચ. એમ. પટેલ અને લાલ કૃષ્ણ અડવાણીની હરોળમાં હવે અમિત શાહનું નામ મૂકાયું છે.

સ્વતંત્ર ભારતના પહેલા ગૃહ પ્રધાન એવા સરદાર પટેલ દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન પણ હતા. બબ્બે વખત કાર્યકારી વડા પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળી ચૂકેલા સ્વ. ગુલઝારી લાલ નંદાએ પણ ગૃહમંત્રાલય સંભાળ્યું હતું. દેશની પહેલી જનતા સરકારના વડા પ્રધાન બનેલા સ્વ. મોરારજીભાઈ દેસાઈએ પણ છએક મહિના ગૃહ ખાતું પોતાના હસ્તક રાખ્યું હતું. તેમની જેમ સ્વ. એચ. એમ. પટેલે પણ છ મહિના ગૃહ પ્રધાનનો હોદ્દો સંભાળ્યો હતો. આ સમયગાળો ૧૯૪૭થી ૧૯૭૯ દરમિયાનનો હતો.

આ પછી છેક ૧૯૯૮માં આવો મહત્ત્વપૂર્ણ હોદ્દો વાજપેયી શાસનકાળ દરમિયાન નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીએ સંભાળ્યો હતો. અડવાણી ત્યારે ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી સંસદમાં પ્રતિનિધિત્વ કરતા હતા.

૨૦૦૪ના ૧૫ વર્ષ બાદ ફરી એક વાર આવો મહત્ત્વપૂર્ણ હોદ્દો ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદ અમિત શાહને સંભાળવાનો આવ્યો છે. જોગાનુજોગ અમિત શાહ પણ ગાંધીનગર બેઠક પરથી જ અને અડવાણીની આ બેઠક પરથી મત સરસાઈનો વિક્રમ તોડીને ચૂંટાયા છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગુજરાતમાંની મોદી સરકારમાં પણ ગૃહવિભાગ સંભાળી ચૂક્યા છે.

રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન તરીકે ફરજ બજાવનારા ગુજરાતીઓમાં યોગેન્દ્ર મકવાણા, હરિભાઈ ચૌધરીનો પણ ઉલ્લેખ કરવો પ્રસંગોચિત ગણાશે.

• વલ્લભભાઈ પટેલ ૧૫-૮-૧૯૪૭ થી ૧૫-૧૨-૧૯૫૦

• ગુલઝારીલાલ નંદા ૨૯-૮-૧૯૬૩થી ૧૪-૧૧-૧૯૬૯

• મોરારજી દેસાઈ ૧-૭-૧૯૭૮થી ૨૪-૧-૧૯૭૯

• એચ.એમ. પટેલ ૨૪-૧-૧૯૭૮થી ૨૮-૭-૧૯૭૯

• લાલ કૃષ્ણ અડવાણી ૧૯-૩-૧૯૯૮થી ૨૨-૫-૨૦૦૪

• અમિત શાહ ૩૧-૫-૨૦૧૯થી...


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter