ટાટાએ સાણંદમાં ફોર્ડનો પ્લાન્ટ ટેઇકઓવર કર્યોઃ હવે દક્ષિણ ભારતમાં આઇફોન પ્લાન્ટ પર નજર

Tuesday 17th January 2023 11:37 EST
 
 

બેંગલુરુઃ ટાટા મોટર્સે તેની પેટા કંપની થકી ગુજરાતના સાણંદના ખાતેના ફોર્ડ ઇન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને હસ્તગત કરી લીધો હોવાનું કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે. એર ઇન્ડિયાની ખરીદી બાદ ટાટા જૂથે હવે સાણંદમાં એક પ્લાન્ટ મેળવ્યો છે. આ ટેઇકઓવર બાદ હવે કંપનીની નજર દક્ષિણ ભારતમાં આઈફોન પ્લાન્ટ પર હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. ગત વર્ષે ઓગસ્ટમાં ટાટા મોટર્સે જાહેરાત કરી હતી કે તેની પેટા કંપની ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (ટીપીઇએમએલ) થકી રૂ. 725.7 કરોડમાં ફોર્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એફઆઇપીએલ)ના સાણંદ પ્લાન્ટને ખરીદી લેવામાં આવશે.
ટાટા ગ્રૂપ દક્ષિણ ભારતમાં તાઇવાનની વિસ્ટ્રોન કોર્પોરેશન પાસેથી આઈફોન પ્લાન્ટ ખરીદી લેશે. કંપની સાથે મહિનાઓથી વાતચીત ચાલી રહી છે. આ ફેક્ટરીની ખરીદી માર્ચના અંત સુધીમાં પૂર્ણ થાય તેવી સંભાવના છે. બન્ને જૂથોએ વિવિધ સંભવિત જોડાણો અંગે ચર્ચા કરી લીધી છે અને હવે ટાટા જૂથ આ સંયુક્ત સાહસમાં બહુમતી હિસ્સો મેળવે તે મોરચે જ વાટાઘાટો અટકેલી છે એમ આ સોદા સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે.
ટાટા જૂથ વિસ્ટ્રોન સાથે મળીને મુખ્ય મેન્યુફેક્ચરિંગ ઓપરેશન પર ધ્યાન રાખશે તેમ પોતાનું નામ જાહેર નહિ કરવાની શરતે લોકોનું કહેવું છે. આ યોજનાઓ હાલમાં જાહેર કરાઇ નથી. આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બેંગલુરુથી 50 કિલોમીટર દૂર છે. 22 લાખ ચોરસ ફૂટની ફેક્ટરીમાં 10,000થી વધુ કામદારો કામ કરે છે. હજારો એન્જીનિયરો સેવાઓ આપે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter