તમામ ૨૬ બેઠકો ફરી ભાજપને

Wednesday 29th May 2019 05:26 EDT
 
 

અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં દેશની માફક ગુજરાતે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં પોતાનો અતૂટ વિશ્વાસ દર્શાવ્યો છે. એટલું જ નહીં, ૨૦૧૪ની ચૂંટણીઓમાં જે પ્રકારે નરેન્દ્રભાઇના નેતૃત્વને નજરમાં રાખીને ગુજરાતની તમામ ૨૬ બેઠકો ભાજપને સુપરત કરી હતી તે જ ઈતિહાસનું પુનરાવર્તન ૨૦૧૯માં કર્યું છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર બેઠક સૌથી વધુ સરસાઈથી જીતવાનો લાલ કૃષ્ણ અડવાણીનો વિક્રમ તોડયો છે. અમિત શાહે સાડા પાંચ લાખ કરતાંય વધુ મતોની સરસાઈથી કોંગ્રેસી સી. જે. પટેલને હરાવ્યા છે. ગાંધીનગરની જનતાએ તેમને પોણા નવ લાખથીય વધુ મતોથી આવકારી પહેલીવાર લોકસભાનો ભવ્યાતીભવ્ય વિજય અપાવ્યો છે.
મતગણતરીના પરિણામો કોંગ્રેસ માટે ભલે અણધાર્યા હોય પરંતુ ભાજપ માટે અપેક્ષિત અને તેમની વ્યૂહરચનાનું જ સફળ પરિણામ હતું. ગાંધીનગર કોબા ખાતેના ભાજપના પ્રદેશ કાર્યાલય પર સ્વાભાવિક રીતે જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં મીઠાઈ વહેંચી, ફટાકડા ફોડી ધામધૂમપૂર્વક ભવ્ય વિજયની ઉજવણી કરવામાં આવી હતી.
બીજી તરફ, કોંગ્રેસની છાવણીમાં સોંપો પડી ગયો હતો. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તથા તુષાર ચૌધરી જેવા કોંગી નેતાની શિકસ્ત થઈ છે. અમરેલી અને સુરેન્દ્રનગર બેઠકો જીતવાનો કોંગ્રેસનો આત્મવિશ્વાસ મોદી લહેરમાં ધૂણધાણી થઈ ગયો હતો.
રાજ્યની વિધાનસભા માટે થયેલી ચાર બેઠકોની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારોનો વિજય થતાં, તેમાં ય ક્લીન સ્વીપ કરી છે. વળી, ભાજપે આ વખતે જે ચાર ધારાસભ્યો પરબત પટેલ, ભરતસિંહ ડાભી, હસમુખ પટેલ અને રતનસિંહ રાઠોડને પણ લોકસભાના જંગમાં ઉતાર્યા હતા. તેઓ પણ વિજયી થતાં રાજ્યમાં ફરી વિધાનસભા પેટા-ચૂંટણી નિશ્ચિત થઈ છે. વડોદરા બેઠક પર રંજનબહેન ભટ્ટે ૫.૮૪ લાખ મતોની સરસાઈથી જીત મેળવી મોદીએ ૨૦૧૪માં મેળવેલી સરસાઈનો વિક્રમ તોડયો છે.

બે પૂર્વ સીએમના પુત્રોની કારકિર્દી પર પૂર્ણ વિરામ

રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીનો પરાજય થતાં રાજકીય કારકિર્દી પર પૂર્ણ વિરામ મૂકાય તેવી શક્યતા છે. આણંદમાંથી ભરતસિંહ અને બારડોલી બેઠક પરથી ચૂંટણી લડેલ તુષાર ચૌધરીના ભાવિ માટે આ ચૂંટણી મહત્વની હતી.

વલસાડમાં જે જીતે તેની સરકાર...

વલસાડમાં જે રાજકીય પક્ષનો ઉમેદવાર ચૂંટણીમાં વિજયી થાય તે જ પક્ષના નેતા વડા પ્રધાન બને છે અને દિલ્હીમાં સત્તા મેળવે છે તે માન્યતા સાચી ઠરી છે. વલસાડમાં ભાજપના ઉમેદવાર ડો. કે. સી. પટેલને ૭,૭૦,૪૪૨ મતો મળ્યા છે. સામે કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીને ૪,૧૬,૩૧૦ મતો મળ્યા છે.

પાટીદાર બેઠકો ભાજપને ફળી

પાટીદાર મતનું પ્રભુત્વ ધરાવતી લોકસભા બેઠકોમાં પોરબંદર, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ પૂર્વ, અમરેલી, ભાવનગર, વડોદરા અને સુરત બેઠકનો સમાવેશ થાય છે. અનામત આંદોલનથી પાટીદારો ભાજપથી નારાજ થયા હતા. જોકે લોકસભા ચૂંટણી પહેલા પાટીદારોને રાજી કરવા ભાજપે ૧૦ ટકા અનામત લાગુ કરી હતી. આમ ભાજપને પાટીદાર પ્રભુત્વવાળી બેઠકોમાં ૧૦ ટકા અનામતની નીતિ ફળી છે.

પણ કોંગ્રેસ લોકસભામાં ફેઇલ

૨૬ બેઠકો પૈકી ભાવનગર, જૂનાગઢ, સાબરકાંઠા, આણંદ, ખેડા, બનાસકાંઠા, પંચમહાલ અને પાટણ બેઠક પર ઓબીસી મતોનું પ્રભુત્વ છે. જોકે આ તમામ બેઠકોમાં મોટી લીડથી ભાજપના ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. મહત્ત્વનું છે કે, ઓબીસી પ્રભુત્વવાળી આ ૯ બેઠકોની ૬૩ વિધાનસભા બેઠકોમાં ભાજપ પાસે ૨૮ બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે ૩૪ બેઠકો છે. છતાં એક પણ લોકસભા બેઠક મેળવવામાં કોંગ્રેસને સફળતા મળી નથી. ભાજપે કોળી મતો ખેંચવા કોંગ્રેસના કોળી નેતા કુંવરજી બાવળીયાને ભાજપમાં લઇ જઇ પ્રધાનપદું આપ્યું છે તે લેખે લાગ્યું કહી શકાય.

એસસી બેઠકો પર ભાજપનું પ્રભુત્વ અકબંધ

લોકસભાની અનુસૂચિત જાતિ માટેની બંને અનામત બેઠકો અમદાવાદ-પશ્ચિમ તથા કચ્છ ભાજપે જંગી લીડથી જીતીને જાળવી છે. અમદાવાદ-પશ્ચિમ બેઠક ભાજપના કિરીટ સોલંકી ત્રીજી ટર્મ ૩,૧૧,૯૭૮ મતોના જંગી માર્જિનથી જીત્યા છે. કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા ફરી બીજી વાર મોટા માર્જિનથી જીત્યા છે. વિધાનસભામાં અનુસૂચિત જાતિની કુલ ૧૩ બેઠકો પૈકી ૭ ભાજપ પાસે અને વડગામની અપક્ષને ફાળવેલી બેઠક સહિત ૬ બેઠકો કોંગ્રેસ પાસે છે.

એસટી બેઠકો ભાજપના ગજવામાં

લોકસભાની ચારે આદિવાસી અનામત બેઠકો દાહોદ, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડ ફરી એક વાર ભાજપને ફાળે આવી છે. વિધાનસભામાં ૨૭ અનુસૂચિત જનજાતિ અનામત બેઠકો પૈકી ૫૯.૨૫ ટકા યાને મોરવાહડફ સહિત ૧૬ બેઠકો પોતાના હાથમાં હોવા છતાં કોંગ્રેસને કરારી શિકસ્ત મળી છે. એક માત્ર દાહોદ બેઠક ઉપર ભાજપમાંથી આવેલા કોંગી ઉમેદવાર બાબુ કટારા ભાજપને કંઈક અંશએ ટક્કર આપી શક્યા છે. કોંગ્રેસને દક્ષિણ ગુજરાતમાં બારડોલી કરતાં વલસાડ બેઠક ઉપર વધુ ભરોસો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter