કેરીગાળા તરીકે ઓળખાતા સુરતી ભોજનમાં છવાયા છે સરસિયા ખાજા

Tuesday 26th July 2022 13:14 EDT
 
 

સુરત: મેઘરાજાની પધરામણી સાથે જ જેમ અમદાવાદમાં દાળવડા માટે અને રાજકોટમાં વણેલા ગાંઠિયા માટે પડાપડી થાય છે તેમજ સુરતમાં સુરતીઓ ફરસાણ વિક્રેતાને ત્યાં સરસિયા ખાજા લેવા ઉમટી પડે છે. સુરતીઓની પોતાની વાનગી એવા સરસિયા ખાજા સાથે કેરી ખાવાનો રિવાજ આજે પણ મુળ સુરતી પરિવારોમાં અકબંધ છે. છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીના લીધે સરસિયા ખાજાના વેચાણમાં ભારે ઘટાડો નોંધાયો હતો. જોકે આ વર્ષે સુરતીઓ કોઈ કસર છોડવા માંગતા નથી. ફરસાણ વિક્રેતાઓને ત્યાં વહેલી સવારથી જ બે - પાંચ કિલોથી માંડીને દસ - દસ કિલો સરસિયા ખાજાના ઓર્ડર અપાઇ રહ્યા છે અને સાંજે સુરતીઓ અસ્સલ મિજાજ સાથે કેરીના રસ સાથે સરસિયા ખાજાની જયાફત ઉડાવે છે.
સરસિયા ખાજા સૌથી ફેવરિટ
કેરીની સિઝન પૂરી થઈ રહી હોય ત્યારે કેરીના રસ સાથે સરસિયા ખાજાનો આનંદ માણવા સુરતી દર વર્ષે ચોમાસાના આગમનની કાગડોળે રાહ જોતા હોય છે. આ વર્ષે પણ ચોમાસાના પ્રારંભ સાથે જ મેંદામાંથી બનતા સરસિયા ખાજા માટે શહેરીજનો ઉમટી રહ્યા છે. ભાગળમાં આવેલા ફરસાણના સુપ્રસિદ્ધ વિક્રેતાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષ તો કોરોનાના લીધે ધાર્યા પ્રમાણે સરસિયા ખાજાના ઓર્ડર મળ્યા ન હતા પરંતુ ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભ સાથે જ શહેરીજનો મોટી સંખ્યામાં ઓર્ડર આપી રહ્યા છે. ત્રણ પેઢીથી સુરતમાં ફરસાણાના જૂના અને જાણીતા વિક્રેતા જીતેનભાઈ જાનીએ જણાવ્યું હતું કે, સરસિયા ખાજા આજે પણ સુરતના લોકો માટે ફેવરિટ વાનગી છે, ખાજાનું સ્થાન અન્ય કોઇ વાનગી લઇ ન શકે. આજે રૂ. 350થી શરૂ કરીને રૂ. 500 પ્રતિ કિલોના ભાવે ખાજા વેચાય રહ્યા છે.
સ્વાદના શોખીન સુરતીઓ તો જાણે સરસિયા ખાજા માટે જ ચોમાસાના પ્રારંભની રાહ જોતા હોય તેમ જણાતું હોય છે. અનેક સુરતીઓ સવાર સાંજના નાસ્તામાં પણ ખાજાની મજા માણી રહ્યા છે. અસ્સલ સુરતીઓ ખાજા ઉપર લિંબુ નીચોવીને ખાવાના પણ શોખીન છે. આમ, સુરતીઓ સવાર હોય કે સાંજ, જમણ હોય કે નાસ્તો, આ સીઝનમાં ખાજાની જયાફત ઉડાડવામાં કોઇ કચાશ રાખતા નથી.
સમય સાથે વેરાયટી વધી
અસ્સલ સુરતી ખાજા મેંદામાંથી બને છે અને તેમાં મરી, જીરુ, હળદર, મીઠું વગેરે તેના સ્વાદને આકર્ષક બનાવે છે. બદલાતા સમય સાથે સુરતીઓએ સરસિયા ખાજામાં પણ અલગ-અલગ ફ્લવેરનો ઉમેરો કર્યો છે. અત્યારે સુરતના મોટા ભાગના ફરસાણ વિક્રેતાઓને ત્યાં મેંગો ખાજા, ચોકલેટ ખાજા, મીઠા ખાજા સહિતના અલગ-અલગ સ્વાદના ખાજાનું ધૂમ વેચાણ થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter