દેરાસરમાંથી પ્રાચીન પ્રતિમાઓ-છત્રોની ચોરી

Wednesday 03rd April 2019 09:41 EDT
 
 

બારડોલીઃ સુરત જિલ્લાનાં મહુવામાં પૂર્ણા નદી કિનારે આવેલી શ્રી ૧૦૦૮ શ્રી વિઘ્નહર પાશ્વનાર્થ (અ.ક્ષે) દિગમ્બર જૈન દેરાસરમાં મધરાત્રે પ્રવેશેલો તસ્કર અલગ અલગ ભગવાનની પંચધાતુની ૬૦૦થી ૭૦૦ વર્ષ જૂની મૂર્તિઓ તેમજ ચાંદીનાં ૯ છત્રો ચોરી જતાં પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે. તસ્કરની તમામ ગતિવિધિ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગઈ હતી.
દેરાસરમાં જૈન તીર્થશંકર ભગવાનની પ્રતિમાઓ પધરાવાઈ હતી. દેરાસરમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત ભદ્રેશ શાહ અને પુજારી સુરેન્દ્રભાઈ તથા અજયભાઈ કામ કરે છે. ૩૦મીએ વહેલી સવારે પાંચ વાગ્યે સુરેન્દ્રભાઈ દેરાસરમાં પૂજાઅર્ચના કરવા ગયા ત્યારે ચોરીની જાણ થઇ હતી. દેરાસરનો પાછળનો દરવાજો ખુલ્લો હતો. ટ્રસ્ટી ભદ્રેશભાઈ અને પોલીસે તપાસ કરતા દેરાસરમાં ચંદ્ર પ્રભુજીનાં ગભારામાં સ્ટીલનાં દરવાજાને મારેલું તાળું તોડી નાંખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેમ જ ગભારામાં સિંહાસનમાં મૂકેલી જૈન તીર્થશંકરની પંચધાતુની ૬૦૦-૭૦૦ વર્ષ પુરાણી ચલિત ર૦ પ્રતિમાઓ તેમજ પ્રતિમાની ઉપરનાં ત્રણ મોટા ચાંદીનાં છત્રની સાથે કુલ ૯ છત્ર ગુમ હોવાનું જણાયું હતું.
પોલીસે દેરાસરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતાં એમાં એક અજાણ્યો માણસ દેરાસરની પાછળ પૂર્ણા નદીના કિનારેથી રાત્રે દોઢેક વાગ્યે દિવાલ કૂદી અંદર પ્રવેશીને ચોરી કરતો દેખાયો હતો. એ માણસ અંદર ઘૂસી પાછળનાં દરવાજાને અંદરથી મારેલું તાળું અને ગભારાનાં સ્ટીલનાં દરવાજાનું તાળું કોઈ સાધન વડે તોડતો અને ર૦ પ્રતિમાઓ અને ચાંદીનાં છત્રની ચોરી કરતો જોવા મળ્યો હતો. પોલીસે આ ઘટના અંગે ચોરીની ફરિયાદ નોંધીને ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ આદરી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter