સુરત: વેસુમાં ૭૭ અને પાલમાં ૧૯ મુમુક્ષુઓએ સામૂહિક દીક્ષા ગ્રહણ કરી

Monday 03rd February 2020 05:37 EST
 
 

સુરતઃ પાલમાં બે અને વેસુમાં એક સહિત કુલ ત્રણ અલગ અલગ દીક્ષા મહોત્સવમાં તાજેતરમાં ૧૦૩ મુમુક્ષુઓએ આચાર્ય વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ અને આચાર્ય વિજય શ્રેયાશપ્રભસૂરીશ્વરજી મહારાજની ગુરુ શિષ્યની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી હતી.
આ દીક્ષા સમારોહમાં કુલ સાત જેટલા પરિવારના તમામ સભ્યોએ દીક્ષા ગ્રહણ કરી હતી. વેસુમાં ૭૭ અને પાલમાં ૧૯ મુમુક્ષુઓએ દીક્ષા લીધી હતી.
રત્નત્રયી સમર્પણોત્સવ
વેસુમાં ૧.૫ લાખ ચોરસ ફૂટના વિશાળ મેદાનમાં યોજાયેલા મહોત્સવમાં ૧૪ હજાર લોકો પરિજનો સંબંધીઓ અને ૧૦ હજાર મહેમાનો સુરત બહારથી પધાર્યા હતા. મહોત્સવમાં ૧૫ કમિટીના ૪૦૦થી વધુ કાર્યકર્તાઓએ વ્યવસ્થા સંભાળી હતી. ૭૫૦થી વધારે સાધુ-સાધ્વીઓને ઉતરવા માટે વિશાળ ડોમમાં ૫૦થી વધુ રૂમ હતાં.
અબાલ વૃદ્ધ દીક્ષાર્થીઓ
૧૦થી ૮૪ વર્ષીય ૭૭ દીક્ષાર્થીઓમાંથી કુલ ૨૨ બાળ મુમુક્ષુઓ હતા. જેમની ઉંમર ૧૮ વર્ષથી ઓછી છે. મહોત્સવમાં સુરત સહિત, મુંબઇ, અમદાવાદ, પૂણે, બેંગલુરુ, ડીસા, કોઇમ્બતુર, બાડમેર વગેરે જગાના દીક્ષાર્થીઓ હતા. આ દીક્ષાર્થીઓમાંથી ૬ માસ્ટર ડિગ્રી ધરાવે છે. તેમાંથી કેટલાક સી.એ, સી.એસ, ઈજનેર છે.
૮ કુટુંબના ૨૭ની દીક્ષા
રત્નત્રયી સમર્પણોત્સવમાં ૮ પરિવારના કુલ ૨૭ લોકોએ દીક્ષા લીધી છે. જેમાં રંભાબહેન લક્ષ્મીચંદભાઈ શાહ પરિવાર, યોગેશભાઈ ગુણવંતલાલ શાહ પરિવાર, દાનાજી પ્રેમાજી ગુંડેશા સહિતના પરિવારોનો સમાવેશ થાય છે.
પાલમાં દીક્ષા મહોત્સવ
પાલમાં ‘રોમે રોમે પરમ સ્પર્શ વાટિકા’ સમૂહ દીક્ષા મહોત્સવમાં કુલ ૧૯ મુમુક્ષુઓએ સંસારત્યાગ કર્યો. ૧૯માંથી એક જ પરિવારના દાદા દાદી સહિત ૪ બાળ મુમુક્ષુઓએ દીક્ષા લીધી હતી. મુમુક્ષુઓમાં ૩ મુંબઈના અને ૧૬ સુરતના રહેવાસીનો સમાવેશ થાય છે. દીક્ષા માટે ૮૦૦૦૦ ચોરસ ફૂટનો મંડપ હતો. મહોત્સવના ૩ દિવસમાં ૭૦૦૦૦થી વધુ મહેમાનો, જૈન સંપ્રદાયના ૧૮ ગચ્છના ભગવંતો, ૧૦૦૦થી વધુ સાધુ-સાધ્વીઓની ઉપસ્થિતિ હતી.
૫૨૮ વર્ષ પહેલાં ૫૦૦ દીક્ષા
ઉલ્લેખનીય છે ક વર્ષ ૧૫૪૮માં (૫૨૮ વર્ષ પહેલાં) ઇડરમાં આચાર્ય વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં ૫૦૦ દીક્ષા પછી ઇતિહાસમાં સુરતમાં એક સાથે ૭૭ દીક્ષા પ્રથમવાર યોજાઈ હોવાનું જૈન આચાર્યોએ જણાવ્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter