સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતના વૈશ્વિક રાજદૂતોની કોન્ફરન્સ યોજાશે

Wednesday 10th July 2019 07:02 EDT
 
 

નવી દિલ્હીઃ દેશમાં પહેલીવાર વિદેશ મંત્રાલયની ભારતીય દૂતાવાસના વડાઓની વાર્ષિક બેઠક નવી દિલ્હીની બહાર યોજાશે. આ માટે ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પસંદગી કરાઈ છે. આ બેઠકમાં ભારતના તમામ રાજદૂતો અને દૂતાવાસોના વડાઓ હાજરી આપી વિદેશોમાં ભારતના હિતોને પ્રોત્સાહન આપવા માટેની વ્યૂહરચનાઓ તૈયાર કરતાં હોય છે. ૧૭મી લોકસભા ચૂંટણી હોવાના કારણે આ કોન્ફરન્સમાં વિલંબ થયો છે. હવે તે સપ્ટેમ્બર મહિનામાં યોજાય તેવી સંભાવના છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટેન્ટ સિટી ઊભું કરાશે. વિદેશ પ્રધાન એસ જયશંકર દ્વારા તેનું ઉદ્ઘાટન કરાયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોન્ફરન્સને સંબોધશે. 

પાણી રોકવા પતરા માર્યાં

ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું મનપસંદ સ્થળ બની રહ્યું છે ત્યારે તેની વ્યુઇંગ ગેલેરીમાં મુશ્કેલી ઉભી થઈ હતી. વ્યુઈંગ ગેલેરીમાં પાણી ઉતરી આવતાં ત્યાં પતરા મારવામાં આવ્યા છે. રૂ. ૩,૦૦૦ કરોડના ખર્ચથી બનેલી પ્રતિમાના સમારકામ માટે એલ એન્ડ ટી કંપનીને રૂ. ૨૬૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. મોસમના પહેલાં જ વરસાદમાં વ્યુઇંગ ગેલેરીની છતમાંથી પાણી ટપકવા લાગ્યું હતું. આ ઉપરાંત સ્ટેચ્યુમાં અનેક સ્થળોએ પાણી ભરાતાં તેની ડિઝાઇન સામે સવાલો ઉભા થયાં છે. ગેલેરીમાં વરસાદી પાણીને રોકવા માટે હાલ પતરા મારી દેવામાં આવ્યા છે. બીજી તરફ સમસ્યાના કાયમી નિરાકરણ માટે કંપનીના નિષ્ણાતો જગાએ દોડી આવ્યાં હતાં.
સાતપુડાની ગિરિમાળાઓની વચ્ચે આવેલા સાધુ બેટ પર ૧૮૨ મીટરની ઉંચાઈ ધરાવતી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ૧૫૩ મીટરની ઊંચાઈએ વ્યુઇંગ ગેલેરી છે. ૨૯ જૂનના રોજ પડેલા વરસાદમાં વ્યુઇંગ ગેલેરીમાં પાણી ટપકતું હોવાનું બહાર આવ્યું હતું. જેથી છત પર પતરાં મારવાનું કામ શરૂ કરાયું હતું. પતરા મારવાની કામગીરી પછી જણાવાયું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વરસાદમાં જે પાણી ટપકતું હતું તે વાછંટથી આવ્યું હતું, પણ તે ડિઝાઇનનો એક ભાગ છે. એ પાણીનો નિકાલ થઈ જાય છે. અલબત્ત, એલ એન્ડ ટી કંપનીના ઇજનેરોને બોલાવીને કામગીરી કરાયા પછી જણાવાયું કે આ કોઈ ગંભીર પ્રશ્ન નહોતો અને પાણી હવે ટપકતું નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter