દિનુ બોઘા સહિત ૭ને આજીવન કેદ, કુલ રૂ. ૬૦ લાખનો દંડ

Friday 12th July 2019 06:23 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતભરમાં ચર્ચાસ્પદ બનેલા આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકેસમાં સીબીઆઇ કોર્ટે પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત સાત દોષિતોને આજીવન કેદ તથા તમામ દોષિતોને કુલ ૬૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે - ગુજરાતના ઈતિહાસમાં પહેલી વાર - સુનાવણી દરમિયાન નિવેદન ફેરવી તોળનાર ૩૮ સાક્ષીઓ સામે ફરિયાદ નોંધવા રજિસ્ટ્રારને આદેશ આપ્યો છે. કોર્ટે ગયા સપ્તાહે જ તમામ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા.

જજ કે. એમ. દવેએ ૧૧ જુલાઇએ આ ચુકાદો ફરમાવતાં તમામ દોષિતોને મૃતક અમિત જેઠવાના પત્નીને રૂ. ૫ લાખ તથા તેમના બન્ને સંતાનોને રૂ. ૩ - ૩ લાખ વળતર ચુકવવા આદેશ આપ્યો છે. એટલું જ નહીં, જ્યાં સુધી દંડની રકમ ચૂકવાશે નહીં ત્યાં સુધી દોષિતો કાયદા અનુસાર હાઇ કોર્ટમાં ચુકાદાને પડકારી શકશે નહીં. દોષિતો દંડની રકમ ન ભરે તો તેમને વધુ ત્રણ વર્ષની સજાનો કોર્ટે આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ૨૦ જુલાઇ ૨૦૧૦ના રોજ હાઇ કોર્ટ નજીક અમિત જેઠવાની હત્યા કરાઇ હતી. ગીર વિસ્તારમાં ગેરકાયદે ખનન વિરુદ્ધના અભિયાન છેડવા બદલ અમિત જેઠવાની હત્યા થઈ હતી. દિનુ બોઘા સોલંકી ૨૦૦૯થી ૨૦૧૪ સુધી જૂનાગઢ બેઠકના ભાજપના સાંસદ હતા. કોર્ટે દિનુ બોઘા સોલંકીને ઇંડિયન પીનલ કોડની કલમ - ૩૦૨ અને ૧૨૦-બી હેઠળ પૂર્વ આયોજીત કાવતરું ઘડવાના આરોપમાં આજીવન કેદની સજા અને ૧૫ લાખનો દંડ ફટકાર્યો છે.
શાર્પશુટર શૈલેષ પંડયાને આજીવન કેદ અને ૧૦ લાખનો દંડ, શીવા પંચાલને આજીવન કેદ અને ૮ લાખનો દંડ, ભત્રીજા શિવા સોલંકીને આજીવન કેદ અને ૧૫ લાખનો દંડ, કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેરને આજીવન કેદ અને ૧૦ લાખનો દંડ, સંજયને આજીવન કેદ અને ૧ લાખનો દંડ, ઉદાજીને આજીવન કેદ અને ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે.
આ કેસની સુનાવણી દરમિયાન ધર્મેન્દ્રગીરી ગોસ્વામી નામના સાક્ષીની જુબાની ચાલતી હતી ત્યારે તેના દીકરા પ્રેમગીરીનું અપહરણ થયું હોવાનો ફોન આવ્યો હતો. બાદમાં ફરી કોર્ટમાં હાજર થયેલા સાક્ષીએ નિવેદન ફેરવી તોળ્યું હતું. કોર્ટે આ સાક્ષીના કેસમાં અલગથી તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.

૯ વર્ષ જૂનો કેસ

અમિત જેઠવાએ ૨૦૧૦માં ગીર અભ્યારણ્ય વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ખનન વિરુદ્ધ જાહેર હિતની અરજી કરી હતી. અરજી પર સુનાવણી ચાલતી હતી એ દિવસોમાં જ તેમની હત્યા કરાઈ હતી. અગાઉ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દિનુ બોઘા સોલંકીને ક્લિનચીટ આપી હતી. બાદમાં ૨૦૧૩માં હાઇ કોર્ટે કેસની તપાસ સીબીઆઇને સોંપી હતી. સીબીઆઇએ નવેમ્બર ૨૦૧૩માં દિનુ સોલંકી સહિત છ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરી હતી. કેસમાં કુલ ૧૯૬ સાક્ષીઓની તપાસ થઈ હતી. હાઇ કોર્ટે ૨૦૧૭માં નવેસરથી ટ્રાયલનો આદેશ આપ્યો હતો.
લાંબી કાનૂની લડાઈ બાદ સીબીઆઈને તપાસ સોંપાઈ હતી. સીબીઆઈના ડીઆઈજી અરુણ બોથરાએ ૫ નવેમ્બર ૨૦૧૩ના રોજ દિનુ બોઘાની ધરપકડ કરીને ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને બોઘા સહિત ૭ આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. કેસની ટ્રાયલ દરમિયાન ૧૫૫ સાક્ષી ફરી ગયા હતા. હાઈ કોર્ટના હુકમથી ૨૭ સાક્ષીની રિ-ટ્રાયલ કરાઈ હતી, પરંતુ આ સાક્ષીઓ બીજી વખત પણ જુબાનીમાંથી ફરી ગયા હતા. જોકે કોર્ટે મહત્ત્વના સાક્ષી રામા હાજા અને સમીર વોરાની ૧૬૪ હેઠળની જુબાની, ઘટના પાસેથી મળેલું બાઇક, રિવોલ્વર, કારતૂસ, મેડિકલ પુરાવો, મોબાઇલ ફોન કોલ ડિટેઈલ્સ સહિતના પુરાવાને ધ્યાને રાખી આરોપીઓને દોષિત ઠરાવ્યા હોવાનું કાનૂનવિદો માની રહ્યા છે.

૧૯૨માંથી ૧૫૫ સાક્ષી હોસ્ટાઇલ

કેસની સુનાવણી દરમિયાન ૧૯૨ સાક્ષીમાંથી ૧૫૫ સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ હોસ્ટાઇલ થતાં અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાએ હાઇ કોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇ કોર્ટે મહત્વના ૨૭ સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા સાક્ષીઓમાં દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા હાજા સહિત ૨૭ સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં.

રાજકારણીની મિત્રતા પર થૂ છે...ઃ દિનુ સોલંકીની પત્ની

સીબીઆઇ કોર્ટમાં જજ કે. એમ. દવેએ સજાનું એલાન કરતા જ દીનુ બોઘા સોલંકીના પત્ની ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને કહ્યું હતું કે રાજકારણી સાથેની મિત્રતા પર થૂ છે. જ્યારે ચુકાદા બાદ કોર્ટ રૂમની બહાર નીકળતા અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવાએ ‘સત્યમેવ જયતે’ કહ્યું હતું.

ચાર ચર્ચાસ્પદ મુદ્દા

• દીવના હોટેલમાલિક ધર્મેન્દ્ર ગોસ્વામીના ફોનથી જેઠવાની હત્યાની સોપારી અપાઈ હતી. CBI તપાસમાં કોલ ડિટેલ્સમાં આ વાતનો ખુલાસો થયો હતો.
• હત્યાની યોજના માટે દીનુ સોલંકીએ ફાર્મ હાઉસમાં બેઠક યોજી હતી. ફાર્મ હાઉસના ચોકીદાર રામા હાજાએ આખી વાત સાંભળી. તેની જુબાની નિર્ણાયક પુરવાર થઈ.
• હાઇ કોર્ટ પાસેના સત્યમેવ કોમ્પ્લેક્સની બહાર જેઠવાની હત્યા થઈ. ત્યાં ATMના ચોકીદાર માણેન્દર સિંહ કછવાએ હત્યા કરીને ભાગતા લોકોને નજરે નિહાળ્યા હતા.
• અમિત જેઠવાના હત્યારાઓમાં ઉદાજી નામની વ્યક્તિ સામેલ હતી. તેના કપડા પરથી ગન પાઉડર (નાઇટ્રેટ પાઉડર)ના અવશેષો મળ્યા હતા.

હું દિનુ બોઘાના ડરથી જ વિદેશ આવી ગઇ છું: અલ્પાબહેન

હત્યા પામેલા અમિત જેઠવાના પત્ની અલ્પાબેને જણાવ્યું હતું કે, હું દિનુ બોઘાના ડરથી જ છેલ્લાં પાંચ-છ વર્ષથી વિદેશ આવી ગઇ છું. તેણે મને કરોડો રૂપિયાની ઓફર કરી હતી, પણ હું તાબે થઇ ના હતી. તેના ડરના કારણે જ હું મારા બાળકોને ઇન્ડિયા છોડીને અહીંયા આવી ગઇ છું.
અમીત જેઠવાના હત્યારાઓને કોર્ટે ફટકારેલી સજા અંગે પ્રત્યાઘાત આપતાં અલ્પાબેને વિદેશથી એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘મારા પતિને ન્યાય મળ્યો છે તે બહુ જ સારી બાબત છે. કોઇના ઘરવાળા વગર જિંદગી નીકળે નહીં. મારો આખો પરિવાર વિખેરાઇ ગયો છે. મારા બાળકો મા-બાપ વિનાના થઇ ગયા છે. હું કેમ જીવું છે તે મારું મન જાણે છે. ભગવાને અમારી સાથે જે કર્યું તેવું કોઇ દુશ્મન સાથે પણ ના કરે. મારા બાળકોની ચિંતા થાય છે, પણ હું શું કરું? મારા બાળકોને સાથે રાખી શકું તેવી મારી સ્થિતિ નથી. તેમના માટે જ હું અહીંયા આવી છું.’
દિનુ બોઘા જેલમાં ગયા પછી હવે ડર શેનો તેવા પ્રશ્નના જવાબમાં અલ્પાબહેને કહ્યું હતું કે, ‘દિનુ જેલમાં રહીને પણ ગુંડાગીરી કરશે. મને હજુ પણ ડર છે. તે જેલમાં રહીને પણ કાંઇ પણ કરી શકે છે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter