ન્યૂ જર્સીમાં ગુજરાતીનો જ્વેલરી શો-રૂમમાં લૂંટાયોઃ દાગીનાના આખેઆખા કેસ ઉઠાવી ગયા

Tuesday 14th June 2022 12:22 EDT
 
 

ન્યૂ જર્સીઃ અમેરિકાના ન્યૂ જર્સીમાં આવેલા ગુજરાતીની માલિકીના જ્વેલરી શો-રૂમમાં સાતથી આઠ લૂંટારુઓએ ત્રાટકી લાખો ડોલરની લૂંટ ચલાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. સશસ્ત્ર લૂંટારુ માત્ર 60 સેકન્ડમાં લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. કર્મચારીઓને ડરાવવા માટે ગોળીબાર પણ કર્યો હતો. કર્મચારીઓને બંધક બનાવી ગણતરીની સેકન્ડોમાં રોકડ રકમ અને દાગીનાના આખેઆખા કેસ લૂંટી ગયા હતા.
વિરાણી ગોલ્ડ એન્ડ ડાયમંડ નામના આ જ્વેલરી શો-રૂમમાં 10 જૂનના રોજ લૂંટની ઘટના ઘટી હતી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે અનુસાર શો-રૂમનો ગુજરાતી કર્મચારી બહારથી અંદર આવે છે. તે સમયે દરવાજો લોક થાય તે પહેલાં સાતથી આઠ જેટલા બુકાનીધારીઓ શો-રૂમમાં ઘૂસી જાય છે. શો-રૂમમાં આવતાંની સાથે જ કાઉન્ટર પરના કાચ હથોડાથી ફોડી નાખ્યા હતા. હવામાં ગોળીબાર કરીને તમામ કર્મચારીઓને બંધક બનાવી લીધા હતા. બાદમાં કાઉન્ટરમાં રહેલા દાગીના ભરેલા આખા કેસ જ થેલામાં ભરી લીધા હતા. તો કેટલાક કેસ ખુલ્લેખુલ્લા લઈને બહાર નીકળવા લાગ્યા હતા. જતાં જતાં તેમણે કેશ કાઉન્ટરમાં રહેલી રોકડ રકમ પણ લૂંટી લીધી હતી.
માત્ર 60 સેકન્ડમાં ઘટનાને અંજામ આપીને નીકળી ગયા હતા. લુટારુંઓ ત્રાટક્યા ત્યારે બે મહિલા અને એક પુરુષ કર્મચારીઓ અંદરોઅંદર વાતચીત કરી રહ્યા હતા. હથિયાર સાથે ત્રાટકેલા લુંટારુઓએ સૌપ્રથમ મહિલા કર્મચારી પર હુમલો કરી તેમને જમીન પર સુવડાવી દીધા હતા. લૂંટારુઓએ મોઢા પર માસ્ક અને હાથમાં ગ્લોવ્ઝ પહેર્યા હતા. જેના કારણે તેઓ ક્યા મૂળના હતા તે સ્પષ્ટ થયું નહોતું. વિરાણી જ્વેલર્સની આસપાસમાં ગુજરાતી સહિતના ભારતીય મૂળના લોકોની જ દુકાનો છે. લૂંટની ઘટનાના કારણે તેઓમાં હાલ તો ગભરાટનો માહોલ ફેલાઈ ગયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter