ભરૂચની કોવિડ હોસ્પિટલમાં આગઃ ૧૬ દર્દી - ૨ નર્સના મોત

Wednesday 05th May 2021 00:46 EDT
 
 

ભરૂચ: નગરની જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલી ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલના ડેઝિગ્નેટેડ કોવિડ કેરના આઈસીયુ સેન્ટરમાં પહેલી મેની મોડી રાત્રે એકાદ વાગ્યાના અરસામાં શોર્ટસર્કિટના કારણે ભયાનક આગ ફાટી નીકળી હતી. કોરોના સંક્રમિત ૧૬ દર્દીઓ અને તેમની સારવારમાં તહેનાત ૨ નર્સિંગ સ્ટાફ મળી કુલ ૧૮ વ્યકિતઓ અગનજ્વાળાઓની લપેટમાં આવી જતાં કમકમાટીભર્યા મોત નીપજયા હતા.

વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં અચાનક લાગેલી આગના કારણે કોરોનાની સારવાર લઈ રહેલા અંદાજીત ૪૦ કરતા વધુ દર્દીઓને સલામત રીતે અન્ય કોવિડ હોસ્પિટલમાં ખસેડી લેવાયા હતા. મધરાત્રે આઈસીયુ વોર્ડમાં આગ ફાટી નીકળ્યા બાદ ભારે બૂમાબૂમ થતા લોકો આગમાં ફસાયેલા દર્દીઓની બચાવવા માટે દોડી આવ્યા હતા. કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહેલા ૪૦ કરતા વધુ દર્દીઓને રેસ્કયુ કરીને વાગરા અને જંબુસરના કોવિડ સેન્ટરોમાં એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ અગ્નિશામક બંબાઓ સ્થળ પર દોડી ગયા અને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગ પર કાબુ મેળવાય ત્યાં સુધીમાં ૧૬ કોવિડ દર્દીઓ અને બે નર્સ સહિત ૧૮ વ્યકિતઓના જીવન આગમાં હોમાઇ ગયા હતા. આ દુર્ઘટનાની તપાસ અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશનર રાજકુમાર બેનીવાલને સોંપાઇ છે.

૧૩ દર્દી વેન્ટિલેટર પર હતા
ભરૂચની વેલફેર હોસ્પિટલ કોરોનાની ગત વર્ષની શરૂઆતથી દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપી રહી છે. હોસ્પિટલની મુખ્ય બિલ્ડીંગ પાછળ આવેલી નવી ઇમારતમાં ૭૦ બેડનો કોવિડ વિભાગ કાર્યરત કરાયો હતો. ઓક્સિજન, વેન્ટીલેટરો, અન્ય ઇલેક્ટ્રિક સાધનોના લીધે આગ વિકરાળ બની કોવિડ વિભાગમાં આઇસીયુ વોર્ડમાં ૧૨ દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે બે દર્દી બાયપેપ પર હતા.
ભરૂચ આગની દુર્ઘટનામાં આઈસીયુ વોર્ડમાં દાખલ ૧૨ કોરોના દર્દીઓ અને બે નર્સનું સળગી જવાના કારણે મૃત્યુ થયા હતા. જયારે અન્ય ૪ કોરોના દર્દીઓનું ભારે અફરાતફરી અને વોર્ડમાંથી બહાર જતાં સમયે ઓકિસજન લેવલ ઘટી જવાના કારણે મૃત્યુ થયા હોવાની માહિતી પણ મળી રહી છે.

આગ લાગવાનું કારણ શું?
ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ આઈસીયુ વોર્ડમાં કયા કારણોસર આગ લાગી તે બાબત તપાસનો વિષય બની ગયો છે. આ આ આગ શોર્ટ સર્કીટ અથવા તો ઓકિસજન લીકેજ થવાથી લાગી હોવાનું મનાઈ રહ્યું છે. એક અહેવાલ એવો પણ છે કે આઇસીયુમાં એક લાઇટર હતું, જે સળગતું નીચે પડતાં આગ ફાટી નીકળી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યકત કરી
ગુજરાત કોરોનાની લડાઈ લડી રહ્યું છે ત્યારે ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના કોવિડ આઈસીયુમાં ફાટી નીકળેલી ગોઝારી આગ દુર્ઘટનાની જાણ મોડી રાત્રિના સમયે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને થતા તેમણે ઘટના સંદર્ભે પોતાની સંવેદના વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં મોતને ભેટેલા દર્દીઓને ગુમાવવાનું દુઃખ છે અને તેમના પરિવારજનો પર અચાનક આવી પડેલી આપત્તિ સમયે તેમણે પોતાની સંવેદના પણ વ્યકત કરી હતી.

દુર્ઘટનામાં જીવ ગુમાવનારા કમનસીબ
• સઈદ અબ્દુલ પટેલ • આદમભાઈ સરીગત • ઈબ્રાહીમભાઈ રાંદેરીયા • દિવાન યુસુફભાઈ અહમદ • જોલી આયશાબેન • આરીફા એસ. મન્સુરી • સબીના નજીર પટેલ • મોરલી રસીદાબાનુ • રેણુકાબેન સોલંકી • પટેલ આયેશા આદમભાઈ • દિવાન હજરત વલીશાહ • ઝુલેખાબેન ઈસ્માઈલ પટેલ • મેહરૂનબેન મુસાભાઈ • યુસુફ મહમદ બેલીમ • ઝરીનાબેન મુસા સાપા • મહેન્દ્ર હીરાલાલ શ્રીમાલી • માધવી મુકેશ પઢિયાર (સ્ટાફ નર્સ) • ફરીગા એમ. ખાતુન (સ્ટાફ નર્સ)

૯ માસમાં કોવિડ હોસ્પિટલમાં આગની ૪ ઘટના
કોરોનાનો કહેર શરૂ થયા બાદ રાજયના તમામ જિલ્લાઓમાં ડેઝિગ્નેટેડ હોસ્પિટલોની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ભરૂચ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ આઈસીયુમાં આગની દુર્ઘટનાએ ૧૮ વ્યકિતઓના જીવ છીનવી લીધા છે ત્યારે આ અગાઉ પણ રાજયની વિવિધ ત્રણ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલોમાં આગની દુર્ઘટના નોંધાઈ છે. જેમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલ, રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ અને વડોદરા સયાજી હોસ્પિટલમાં આગની ઘટના બની છે.
• ૬ ઓગસ્ટ ૨૦૨૦: અમદાવાદની શ્રેય હોસ્પિટમાં આઈસીયુમાં આગ લાગતાં ૮ દર્દીના મોત
• ૨૫ ઓગસ્ટ ૨૦૨૦ઃ જામનગરની જી.જી.હોસ્પિટલમાં આઈસીયુમાં આગ લાગી, દર્દીઓને બચાવી લેવાયા
• ૯ સપ્ટેમ્બર ૨૦૨૦ઃ વડોદરાની એસએસજીના આઇસીયુમાં આગ, દર્દીઓને બચાવી લેવાયેલા
• ૨૬ નવેમ્બર ૨૦૨૦ઃ રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આઈસીયુમાં આગ લાગતાં પાંચ દર્દીના મોત


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter