ભારતીય ટ્રાયબલ પાર્ટી ૭ બેઠકે ચૂંટણી લડશે

Wednesday 20th March 2019 06:26 EDT
 

ભરૂચઃ જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીઓમાં ગઠબંધનનો ધર્મ નિભાવનાર ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સુપ્રીમો છોટુ વસાવા લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનના મુદ્દે કોંગ્રેસની નરોવા કુંજરો વાની નીતિથી અકળાઈ ઉઠયા છે. વસાવાએ ગુજરાતની વલસાડ, બારડોલી, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, સાબરકાંઠા, સેલવાસ એમ સાત બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી દેતાં કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. ચૂંટણીમાં કોંગ્રેસને સીધું નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવતી બીટીપી પાર્ટીએ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ પોતાના ઉમદેવારો ઉતારવાની ચીમકી આપી છે.
ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોની ટીમે ભરૂચમાં ધામા નાંખી લોકસભાના ઉમેદવારની પસંદગી માટે ગ્રાસરૂટના કાર્યકરો સહિત આગેવાનોની સાથે બેઠકો યોજવાના પ્રયત્નો શરૂ કરી દીધાં છે. તો બીજી તરફ જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધનના જોરે ભાજપને હરાવવા માટેના પ્રયત્નો કરી ચૂકનાર કોંગ્રેસ અને બીટીપી વચ્ચે લોકસભાની ચૂંટણીમાં પણ ગઠબંધન યથાવત રહેશે તેવી રાજકીય અટકળો વચ્ચે છોટુ વસાવાએ આ જાહેરાત કરી છે. વસાવાએ તેમના ઓફિશિયલ પેજ પર ગુજરાતમાં ભરૂચ, ઉપરાંત વલસાડ, બારડોલી, છોટાઉદેપુર, સાબરકાંઠા તથા દાહોદ સહિતની બેઠકો પર પોતાના ઉમેદવારોને ઊભા રાખવાની જાહેરાત કરી કોંગ્રેસ સાથેના ગઠબંધનનો છેદ ઉડાવી દેતા જિલ્લાના રાજકારણમાં ખળખભળાટ મચવાની સાથે કોંગ્રેસના વર્તુળોમાં ચિંતાની લકીર ખેંચાઈ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter