અંબાજી પાસે ત્રિશુળિયા ઘાટમાં ટ્રાવેલ્સ બસ પલટી ખાતા ૨૨નાં મોત

Wednesday 02nd October 2019 06:48 EDT
 
 

અંબાજી, પાલનપુર, આણંદ, વિદ્યાનગરઃ ત્રિશૂળિયા ઘાટ પર આણંદ જિલ્લાના યાત્રિકો ભરેલી બસ ૩૦મી સપ્ટેમ્બરે પલટી ખાતાં મૃતકાંક ૨૨ સુધી પહોંચ્યો છે. બસ પલટી ખાઈ જતાં મૃત તેમજ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને ક્રેઈનની મદદથી બહાર કાઢવા પડ્યા હતા. મૃતકોમાં ૪ બાળકો, ૩ સ્ત્રીઓ અને ૧૫ પુરુષ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનામાં ૫૫ મુસાફરોને ગંભીર ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે દાંતા અને પાલનપુરના દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. બસચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈને ઘસડાઈ હતી ને ડિવાઈડર સાથે ટકરાતાં ત્યાં જ ઊંધી પડી ગઈ હતી. સોમવારે સાંજે ૪:૩૦ કલાકે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના લગભગ પાંચથી વધુ ગામોના લોકો આ બસમાં અંબાજી માતાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર સહિત અંબાજી-દાંતાના વેપારીઓ, યુવાનો તથા સેવાભાવી લોકો વરસતા વરસાદમાં પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને શક્ય સહાય પૂરી પાડી હતી.
આ બસમાં મુખ્યત્વે આંકલાવ તાલુકાના ખડોલ-હળદરી, કંથારીયા, સુંદણ, પામોલ, કસુંબાડ ગામના રહીશો હતાં. અકસ્માતની જાણ થતાં આણંદના સાંસદ મિતેષભાઇએ પાલનપુર સાંસદ પરબતભાઇ પટેલ તથા કલેક્ટરનો સંપર્ક કરી તાત્કાલિક જરૂરી મદદ માટે ચર્ચા કરી હતી. મૃતકો અને ઇજાગ્રસ્તોનાં પરિવારજનો સાથે સંપર્ક સાધી શકાય એવી તજવીજ મિતેષભાઈએ તાત્કાલિક હાથ ધરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિતભાઇ ચાવડાએ મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી ઇજાગ્રસ્તોને ત્વરિત સહાય માટે પગલાં લીધાં હતાં. રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવાર દીઠ રૂ. ૪ લાખની સહાયની જાહેરાત કરાઈ છે.
આ ઘટનામાં ડ્રાઈવર સહિત ૨૨ મૃતકોમાંથી રમેશભાઈ શનાભાઈ ઠાકોર (ઉ. ૪૦, પામોલ), કાર્તિક રમેશભાઈ ઠાકોર (ઉં. ૧૨, પામોલ), કિશન સોમાભાઈ ગોહેલ (ઉં. ૧૯, દાવોલ), જાહન્વી સુરેશભાઈ ગોહેલ (ઉ. વ ૯, દાવોલ), ધ્રુવાકુમાર રાજેશભાઇ સોલંકી (ઉં. ૮, ખડોલ), પંકજકુમાર પૂનમભાઈ પઢિયાર (ઉં. ૩૮, પાહનવાડી), સુરેશકુમાર કનુભાઇ ચૌહાણ (ઉં. ૩૮, કસુંબલ), ધવલભાઇ રમેશભાઇ પટેલ (ઉં. ૨૫, અકલારા) અને ચેતનાબહેન જયમીનભાઇ પટેલ (ઉં. ૩૮, ઉનવા-મહુવા)ની અંતિમ વિધિ કરાઈ ત્યારે તેમના ગામમાં શોક ફેલાયો હતો.
ખડોલ, કંથારિયા ગામો હીબકે ચડયા
ખડોલ, કંથારીયા, સુંદણ, પામોલ, કસુંબાડ સહિત આણંદ જિલ્લામાં આ ઘટનાથી ગમગીની છવાઇ હતી અને નવરાત્રી ઉત્સવ પણ બંધ રખાયો હતો. ખડોલના ૬ લોકોના મૃતદેહની ઓળખ થતાં મૃતદેહોને ખડોલ ગામે હતા. મંગળવારે ગામમાં છ લોકોની એકસાથે અંતિમયાત્રા નીકળી હતી અને આખું ગામ શોકમગ્ન વાતાવરણમાં ફેરવાયું હતું.
બેદરકારી કોની?
અકસ્માત સમયે ઘટનાસ્થળે અને આણંદ જિલ્લામાં પણ વરસાદ હતો. જેના કારણે સીમના ગામોમાં વીજળી ન હોવાથી મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિજનો સાથે સંપર્ક મુશ્કેલ થયો હતો તો ઘટનાસ્થળે મૃતકોની ઓળખ પણ મુશ્કેલ બની હતી. આ ઘટના કેટલીક બેદરકારીના કારણે પણ બની હોવાની ચર્ચા થઈ રહી છે. બસ ૫૫ સીટની હતી, પરંતુ ૭૬ લોકો બસમાં મુસાફરી કરી રહ્યા હતા. એક અહેવાલ પ્રમાણે બસમાં વધુ મુસાફર હોવાના કારણે બસ પલટી જતાં મુસાફરો દબાઈ ગયા હતા. મોઢા અને માથામાં ઈજા થવાના કારણે લોકોનાં મોત થયાં હતાં.
સોમવારે અન્ય ત્રણ અકસ્માતમાં ૧૩નાં મોત
રાજ્યમાં સોમવારે જ આ ઘટના ઉપરાંત અકસ્માતના અન્ય ત્રણ બનાવ બન્યા હતા. જેમાં કુલ ૧૩ વ્યક્તિનાં મોત થયાં હતાં અને ૨૦થી વધુ ઘાયલ થયાં હતાં.
એક્સપ્રેસ હાઈ-વે પર પાંચનાં મોત
વડોદરા અમદાવાદ એકસપ્રેસ હાઇવે નડિયાદથી મહેમદાવાદ તરફ જતાં રિલાયન્સ પેટ્રોલ પંપથી આગળ અર્ટિગા ગાડીના ચાલકે આગળ જઈ રહેલ ટ્રેલરની ઓવરટેક કરવા જતાં ટ્રેલરની પાછળની બાજુમાં ઘૂસી જતાં ચાલક સહિત સવાર પાંચેયના મોત થયા હતા.
ડીસા પાસે જીપ-ટ્રેલર ટકરાતાં પાંચનાં મોત
સોમવારે ડીસા તાલુકાના કૂચાવાડા અને લાખણાસર ગામ વચ્ચે એક ટ્રેલર અને પેસેન્જર જીપ સામ સામે ટકરતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા જયારે અન્ય બે લોકોના સારવાર દરમિયાન મોત થતાં અકસ્માતનો મૃત્યુ આંક પાંચ પર પહોંચી ગયો છે.
ભચાઉ હાઈ-વે પર ટ્રકની ટક્કરથી ત્રણનાં મોત
મોરબી, જામનગર, મીઠાપુર વગેરે સ્થળોએથી માતાના મઢ દર્શને ગયેલા છ યુવાનો બાઈક પર પરત ફરી રહ્યા હતા, ત્યારે ભચાઉ નજીક હાઈવે પર ટ્રકના ચાલકે છ યુવાનોને અડફેટે લેતાં ત્રણનાં મોત થયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter