અમેરિકામાં વડોદરાના વેપારી હરિકૃષ્ણ મિસ્ત્રીની ગોળી મારીને હત્યા

Wednesday 13th June 2018 07:09 EDT
 
 

જ્યોર્જિયાઃ અમેરિકાના એટલાન્ટ જ્યોર્જિયા શોપિંગ મોલમાં ખરીદી કરી ઘરે જતી વખતે મોલના પાર્કિંગમાં મૂળ વડોદરાના હરિકૃષ્ણભાઇ મિસ્ત્રીની આફ્રિકન અમેરિકને ફાયરિંગ કરીને હત્યા કરી હતી. બનાવને પગલે જ્યોર્જિયા પોલીસે ગુનો નોંધી હત્યારાની શોધખોળ હાથ ધરી હતી.
વડોદરાના વાડી વિસ્તારમાં આવેલી હનુમાન પોળના નિવાસી હરિકૃષ્ણભાઇ મિસ્ત્રી છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકાના એટલાન્ટા જ્યોર્જિયા સીટીમાં પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા. જેમાં ૧૯ વર્ષીય નેન્સી અને ૪ વર્ષીય નયન બન્ને અભ્યાસ કરે છે.
હરિકૃષ્ણભાઇ એનટલાન્ટ જ્યોર્જિયામાં પોતાનો એક સ્ટોર અને પેટ્રોલ પમ્પ ધરાવતા હતા. નવમીએ બપોરે હરિકૃષ્ણભાઇ પોતાના સ્ટોર પરથી ઘરે જવા કારમાં નિકળ્યાં હતા. જ્યાં રસ્તામાં ખરીદી કરવા માટે તેઓ શોપિંગ મોલમાં ગયા હતા. અને ખરીદી કર્યા બાદ મોલના પાર્કિંગમાં કારમાં બેસવા જતા સમયે અચાનક બંદુકધારી માણસ તેમની પાસે આવી પહોંચ્યો હતો.
પાર્કિંગમાં આવી પહોંચેલા આફ્રિકન અમેરિકન માણસે તેમની ઉપર એકાએક ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં ત્રણ ગોળીઓ હરિકૃષ્ણની છાતીમાં વાગતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. ઘટનાની જાણ જ્યોર્જિયા પોલીસને થતા તાત્કાલિક સ્થળે પહોંચી હતી. અને પોલીસે મૃતકના પરિવારનો સંપર્ક કરતા મૃતકના પત્ની શીતલબેન ઉપર આભ ફાટી પડ્યું હતું. બનાવને પગલે જ્યોર્જિયા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારીની શોધખોળ હાથ ધરી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter