જમ્મુ કાશ્મીરમાં ૩૭૦ દૂર કરવાનો નિર્ણય સરદાર સાહેબને સમર્પિતઃ મોદી

Wednesday 06th November 2019 06:39 EST
 
 

ગાંધીનગરઃ દેશના પહેલા ગૃહ પ્રધાન અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મજયંતીએ નર્મદા જિલ્લાના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જોકે એક દિવસ પહેલાં ૩૦મી ઓક્ટોબરે રાત્રે આઠેક વાગ્યે અમદાવાદ આવ્યા હતા. ત્યારબાદ એમણે એમના માતુશ્રી હીરાબાની રાયસણ ખાતેના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. એ પછી નવા વર્ષની શુભેચ્છા આપી હતી. એમણે ૩૦મીએ રાતવાસો હંમેશની માફક પાટનગરના રાજભવનમાં કર્યો હતો અને વહેલી સવારે કેવડિયા પહોંચી સરદાર જયંતી દિને એકતા પરેડ સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
કેવડિયામાં ૩૧મીએ યોજાયેલી એકતા પરેડમાં મોદીએ જણાવ્યું હતું કે, સરદાર સાહેબના આશીર્વાદથી આવી તાકાતોને પરાસ્ત કરવા માટે એક મોટો નિર્ણય દેશે કેટલાક સપ્તાહ પહેલાં લીધો અને તે જમ્મુ-કાશ્મીર અંગેની કલમ ૩૭૦ દૂર કરવાનો નિર્ણય હતો. પાંચમી ઓગસ્ટે આ મહત્ત્વનો નિર્ણય લીધો હતો તે સરદાર સાહેબને સમર્પિત કરું છું. આપણા સૌનું સૌભાગ્ય છે કે, સરદાર પટેલનું સ્વપ્ન પૂર્ણ કરવાનો અવસર મળ્યો છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, હું આજે રાષ્ટ્રીય દિવસે પ્રત્યેક દેશવાસી સમક્ષ ઊભા થયેલા આ પડકારની યાદ અપાવું છું કે જે આપણી સાથે યુદ્ધમાં જીતી શકતા નથી. તે આપણી આ એકતાને પડકારે છે, પરંતુ એ ભૂલી જાય છે કે સદીઓથી આવા પ્રયત્નો છતાં આપણને કોઈ મિટાવી શક્યું નથી. આપણી એકતાને પરાસ્ત કરી શક્યું નથી. આપણી વિવિધતામાં એકતા આપણી ઓળખ-તાકાતનો પ્રભાવ છે.
મોદીએ જણાવ્યું હતું કે, એકતાનો આ માર્ગ છે જેની ઉપર ચાલીને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ પૂરો થશે. નવા ભારતનું નિર્માણ થશે. આજે આ પ્રતિમા માત્ર ભારતવાસીઓને જ નહીં પણ, સમગ્ર વિશ્વને આકર્ષિત કરે છે. પ્રેરિત કરે છે. આજે આ સ્થળ પ્રેરણાના સ્થળેથી સરદાર પટેલને શ્રદ્ધા સુમન અર્પિત કરીને સમગ્રદેશ ગૌરવ અનુભવે છે. દેશના અલગ અલગ ખૂણામાંથી કિસાનોના લોખંડ અને માટીથી નિર્માણ પામેલી આ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રતિમા બની છે. તે પ્રતિમા વિવિધતામાં એકતાનું જીવંત પ્રતીક છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં અલગ અલગ દેશ, અલગ–અલગ પંથો, અલગ–અલગ વિચારધારાઓ, ભાષાઓ, રંગ રૂપના આધારે બન્યા છે. એકરૂપતા આ દેશોની વિશેષતા રહી છે જ્યારે ભારતની વિશેષતા વિવિધતામાં એકતા છે. વિવિધતામાં એકતા જ ગૌરવ, ગરિમા અને ઓળખ છે. ભારતમાં તો ડાયવર્સિટીને સેલિબ્રેટ કરાય છે. સદીઓથી વિવિધતામાં વિરોધાભાસ જોવા મળતો નથી. વિવિધતામાં એકતાનું સામર્થ્ય નજરે પડે છે. વિવિધતામાં છુપાયેલી એકતાનો સ્પર્શ કરાવે છે. જીવનની પ્રેરણા, જોડાવવાનો જુસ્સો આપે છે.

સરદાર સાહેબનો આત્મા શાંતિ અનુભવશે

મોદીએ જણાવ્યું હતું કે, સરકાર સતત કોશિશ કરીને આધારને હવે વન નેશન વન આઇન્ડેન્ડિટી બનાવ્યું. જીએસટીને વન નેશન વન ટેક્સ, ઇ-નામ એટલે વન નેશન વન એગ્રીમાર્કેટ, વન નેશન વન ઓપ્ટિકલ ફાઇબર, વન નેશન વન રેશન કાર્ડ સહિતની બાબતોનો ઉલ્લેખ કરાયો હતો.
ઉદ્દેશ, લક્ષ અને પ્રયાસોમાં સમાનતા ભારતમાં સ્થાયિત્વ માટે યુનિટી ઓફ પરપઝ, યુનિટી ઓફ એઇમ્સ અને યુનિટી ઓફ એન્ડેવર. એટલે કે, આપણા ઉદ્દેશો, લક્ષ્યો અને પ્રયાસોમાં સમાનતા હોવી જોઈએ.

વિવિધતામાં એકતાની તાકાત

મોદીએ જણાવ્યું હતું કે, આ એ તાકાત છે જે આખી દુનિયામાં બીજા કોઈ દેશમાં મળતી નથી. અહીં દક્ષિણમાંથી નીકળેલા આદિ શંકરાચાર્ય, ઉત્તરમાં મઠોની સ્થાપના કરે છે. અહીં બંગાળના સ્વામી વિવેકાનંદને દેશના દક્ષિણ છેડે કન્યાકુમારીમાં નવું જ્ઞાન મળે છે. પટણાનાં ગુરુગોવિંદસિંહ પંજાબમાં જઈને દેશની રક્ષા માટે ખાલસા પંથની સ્થાપના કરે છે. રામેશ્વરમાં જન્મેલા એપીજે અબ્દુલ કલામ દિલ્હીમાં દેશમાં સર્વોચ્ચ પદ મેળવે છે. પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી બિહારના ચંપારણમાં જઈને આઝાદીની ચળવળ ચલાવી શકે છે, એકતાની આ તો તાકાત છે તેમ મોદીએ જણાવ્યું હતું.

ફાઇવ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી માટેની જવાબદારી

કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તાલીમાર્થી આઇએએસ અધિકારીઓ સાથેના સંવાદમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા માટે આઇએએસ અધિકારીઓએ પ્રોએક્ટિવ કામ કરવું પડશે. સામાન્ય માનવીને રોજિંદી જિંદગીની જરૂરિયાત માટે સરકાર સામે ઝઝૂમવું ન પડે, સામાન્ય માનવીની જિંદગી દબાઇ ન જાય, ગરીબની જિંદગી સરકારના અભાવે દમ ન તોડે તે માટે દેશના અધિકારીઓએ કામ કરવું પડશે. ઇઝ ઓફ લિવિંગ સુનિશ્ચિત કરવા, ભારતની અર્થવ્યવસ્થા ૫ ટ્રિલિયન ડોલરની બનવવા માટે આઇએએસ અધિકારીઓ ઉપર જવાબદારી વધુ છે. મોદીએ કહ્યું કે, આઝાદી વખતે કેટલાક લોકો બ્યુરોક્રેસી ઉપર શંકા રાખતા હતા ત્યારે સરદારસાહેબે લોકોને યાદ દેવરાવ્યું હતું કે આ જ બ્યુરોક્રેસીએ દેશના રજવાડાઓના વિલિનિકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

મહિલા મોટરબાઇકર્સના રોમાંચક સ્ટંટ્સ

કેવડિયામાં ગુજરાત પોલીસ અને સીઆરપીએફની મહિલા મોટરબાઇકર્સે અદ્ભુત નિયંત્રણશક્તિનું પ્રદર્શન રજૂ કર્યું હતું. ચાલુ મોટરસાઇકલ ઉપર હાથ પકડયા વિના જ કેવી રીતે સંતુલન સાધીને બાઇક પર યોગ કરવો, તલવારબાજી કરવી, એકે. ૪૭ દ્વારા રાઇફલ પોઝિશનિંગ કેવી રીતે કરવું તેના સાહસભર્યા કરતબો રજૂ થયાં હતાં. ૨૬ મહિલા બાઇકર્સે ફ્લેગમાર્ચ રજૂ કરીને એક ભારત–શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપ્યો હતો.

રાષ્ટ્રીય પોલીસ સ્મારક સ્મૃતિચિહ્ન અર્પણ

વડા પ્રધાનને પુલવામામાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા ૫૪ બટાલિયનના શહીદ નાસિર અહેમદ નામના જવાનનાં પત્ની શ્રીમતી સાઝિયાના હસ્તે રાષ્ટ્રીય પોલીસ સ્મારક સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. સાઝિયાને પ્રોટોકોલ મુજબ મંચ પર દોરી જવાયાં હતાં અને તેમણે વડા પ્રધાનને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ૨૦૦થી વધુ બાળકોએ ગણવેશધારી જવાનોનો સાથ મિલાવી કલાત્મક કવાયત દ્વારા બાળ પેઢીના જુસ્સાને પ્રગટ કર્યો હતો અને સરદારને ભાવાંજલિ આપી હતી.
પ્રારંભે સીઆરપીએફની મહિલા જવાનોએ પરેડ રજૂ કરી હતી. ત્યાર બાદ સીઆઇએસએફના બેન્ડ, આસામ પોલીસ, બીએસએફ બેન્ડ અને જમ્મુ-કાશ્મીર પોલીસ બેન્ડ, કર્ણાટક પોલીસની ટુકડી, આઇટીબીપી બેન્ડ, ઓડિશા પોલીસ, ગુજરાત પોલીસ અને બેન્ડે ભાગ લીધો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસ અને આઇટીબીપી દળના બેન્ડે પાઇપર ધૂન રજૂ કરી હતી.

વડા પ્રધાનના ૨૦ કલાક ગુજરાતમાં

મોદી ગુજરાતની આશરે ૨૦ કલાકની મુલાકાત બાદ ૩૧મી ઓક્ટોબરે સાંજે અમદાવાદ એરપોર્ટથી રાજધાની નવી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. વડા પ્રધાન મોદીએ ૩૧મીએ કેવડિયાથી અમદાવાદ આવ્યા બાદ અમદાવાદ એનેક્સી સર્કિટ હાઇસમાં રાજ્યના ટોચના નેતાઓ સાથે પરામર્શ કરશે એવી અપેક્ષા હતી, પરંતુ તેઓ હેલિકોપ્ટરમાંથી સોનિયા, રાહુલ ગાંધીએ સરદારને અંજલિ અર્પવાનું સૌજન્ય ના દાખવ્યું! : રૂપાણીઊતર્યા બાદ સીધા જ એમના માટે તૈયાર રખાયેલા એરફોર્સના પ્લેનમાં બેસી વિદાય થયા હતા.
એરપોર્ટ પર ગવર્નર દેવવ્રત આચાર્ય, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા તથા ઉચ્ચ અમલદારોએ વડા પ્રધાનને ઉષ્માભરી વિદાય આપી હતી. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને એમને સરદાર પટેલનું ચિત્ર ધરાવતી તસવીર ભેટ આપી હતી.

સોનિયા, રાહુલ ગાંધીએ સરદારને અંજલિ અર્પવાનું સૌજન્ય ના દાખવ્યું!: રૂપાણી

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૩૧મી ઓક્ટોબરે ટ્વિટર ઉપર એવું વિધાન કર્યું હતું કે, જ્યારે આખો દેશ મહાન સરદાર પટેલને તેમની જયંતીએ શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે ત્યારે દુઃખ થાય છે, પણ આશ્ચર્ય નથી થતું કે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશના મહાન નેતાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનું જરા પણ સૌજન્ય દાખવી શક્યા નથી! રાષ્ટ્રીય પ્રતિમા તરફ આવો તિરસ્કાર સમજમાં આવે તેવો નથી. મુખ્ય પ્રધાને સરદાર જન્મજયંતી દિને અમદાવાદમાં નગરવાલા પોલીસ સ્ટેડિયમમાં એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. એમણે આ પ્રસંગે કહ્યું કે, સરદાર જયંતીએ વડા પ્રધાન મોદી ગુજરાતમાં છે તે આનંદની વાત છે. એમણે કલમ ૩૭૦ દૂર કરી કાશ્મીરને ભારતનો ભાગ બનાવી સરદાર સાહેબનું અધૂરું કામ પૂરું કર્યું છે. એમણે દેશની એકતા માટે પ્રતિબદ્ધ થવા શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

૭૦ વર્ષ સુધી સરદારને અન્યાય

બોપલમાં બીજી નવેમ્બરે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે રૂ. ૮૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. અમિત શાહે મનમોહન સિંહના કોંગ્રેસ શાસન ઉપર ચાબખાં મારતાં જણાવ્યું હતું કે, કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે મૌનીબાબા મનમોહનસિંહ વડા પ્રધાન હતા ત્યારે આલિયા, માલિયા, જમાલિયા ઘૂસી જતા હતા. સેનાના જવાનોના માથા કાપી જતાં હતા પણ કેન્દ્રમાં નરેન્દ્રભાઇના નેતૃત્ત્વમાં સરકારી બની પછી ઉરી અને પુલવામામાં આતંકી હુમલા થયા તો ૧૦ દિવસમાં એર સ્ટ્રાઇક અને સર્જીકલ સ્ટ્રાઇક કરી ઘરમાં ઘૂસીને આતંકીઓનો ખુરદો બોલાવ્યો હતો. વિશ્વમાં કોઇપણ સમસ્યા એટલે કે, પર્યાવરણની સમસ્યા હોય કે પછી વધતાં તાપમાનની કે પછી કોઇપણ કુટનીતિક પ્રશ્ન હોય તેમાં  ભારતના વડાપ્રધાનનું મંતવ્ય લેવાય છે. ૭૦ વર્ષ સુધી સરદાર અન્યાય કરાયો હતો પણ તેની વ્યાજ સાથે  વસુલાત સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ કરી. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter