મલાતજમાં બેન્કનો પ્યુન પાંચ NRI ખાતેદારના રૂ. 2 કરોડ ઓળવી ગયો

Saturday 19th November 2022 05:27 EST
 
 

પેટલાદ: સોજિત્રા તાલુકાના મલાતજ ગામમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના પાંચથી વધુ એનઆરઆઈ ખાતેદારોની બે કરોડ રૂપિયાથી વધુની થાપણનો બેંકના રોજમદાર પટ્ટાવાળાએ બારોબાર વહીવટ કરી નાંખતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. સમગ્ર બનાવની હકીકત એવી છે કે, મૂળ લંડનમાં રહેતા અને છેલ્લાં છ મહિના પહેલાં વતન આવેલાં સંજયભાઈ મહેન્દ્રભાઈ ત્રિવેદીએ ફિક્સ્ડ ડિપોઝિટ કરવા માટે પાંચ-પાંચ અલગ-અલગ ચેક ગામમાં રહેતા બેન્કના રોજમદાર પટ્ટાવાળા ભરત સવા રબારીને આપ્યા હતા.
જોકે, ભરતે પૈસાની એફડી કરવાને બદલે બારોબાર રૂપિયા દસ લાખના પાંચ ચેક લખીને ત્રણ ચેક મહેશ સોલંકી, ગીરીશ પી. પટેલ અને સ્વપ્નીલ મહીડાના ખાતામાં જમા કરાવી દીધા હતા. એ પછી આરટીજીએસ મારફતે તેણે આ રકમ વસો ખાતે રહેતાં તેના સાળાના ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. જોકે, નાણાંની રિસિપ્ટ ન મળવાથી એનઆરઆઈ સંજયભાઈ ત્રિવેદીએ તપાસ કરી હતી. જેમાં સમગ્ર હકીકત બહાર આવી હતી. આ પછી તપાસ કરતાં સતીષભાઈ ગોરધનભાઈ પટેલ, મુકેશભાઈ બકોરભાઈ પટેલ, અશોકસિંહ લક્ષ્મણસિંહ મહિડાએ પણ થોડાં સમય અગાઉ બેન્કમાં એફડી કરી હતી તેની પણ આ પ્રકારે ચોરી થઈ ગયાનું જાણવા મળ્યું હતું.
પ્યૂનનો આપઘાતનો પ્રયાસ
કેટલાક ખાતેદારોની એફડી અચાનક ‘શૂન્ય’ થઈ ગઈ હોવાની જાણ થતાં જ બેંક પર લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતા અને પોતાની એફડી ચેક કરાવી હતી. બીજી તરફ આ અંગેનો હોબાળો થતાં અમદાવાદથી પણ ઉચ્ચ અધિકારીઓ તાબડતોડ બેંકમાં દોડી આવ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરાઇ હતી. દરમિયાન ભાંડો ફૂટતા પટાવાળાએ ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે હાલ સારવાર હેઠળ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter