મિત્તલ સરૈયા સુખરૂપ મળી ગયાઃ માતાને જોઈને રડી પડ્યા

Wednesday 12th December 2018 06:40 EST
 
 

વડોદરા: વડોદરામાં ઘરથી માંડ ૨૦૦ મીટર દૂર આવેલી બેંક પાસેથી રહસ્યમય રીતે રિક્ષામાં બેસીને ગુમ થયેલા પૂર્વ ક્રિકેટર એનઆરઆઇ મિત્તલ સરૈયા ૮ દિવસે પાંચમીએ દમણમાંથી મળી આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળસ્કે તેમને વડોદરા પાછી લઈ આવી હતી.
પૂછપરછમાં મિત્તલે કહ્યું કે, જમીન-મકાનના ધંધામાં પાર્ટનરે ૧.૫૦ લાખ ડોલરનો દગો કર્યો, બધા જ બિઝનમેસમાં અસફળ રહ્યો તેમજ ૨૫ વર્ષથી યુએસમાં હોવા છતાં માતા-પિતા તેમજ પત્ની-પુત્રીઓ માટે કશું જ નથી કરી શક્યો તેવી દોષિત ભાવનાથી હું પીડાતો હતો.
૨૭મી નવેમ્બરે કારેલીબાગ આઇસીઆઇસીઆઇ બેંકમાંથી નીકળી કરિયાણાની દુકાન પર મની એક્સચેન્જ કરાવી રૂ. ૨૫ હજાર મેળવ્યા હતા.
ત્યાર બાદ સોસાયટી બહારથી જ પુરુષોત્તમ નામના ડ્રાઇવરની રિક્ષામાં બેસી મદનઝાંપા રોડ પર મહાદેવની મૂર્તિ લેવા ગયો હતો, પરંતુ મનગમતી મૂર્તિ નહીં મળતા હતાશ થઈ ગયો હતો. ત્યાંથી ચાલતો કીર્તિસ્તંભ જઈ પેસેન્જર ઇકો કારમાં બેસી જાંબુઆ બાયપાસ પર ગયા બાદ લકઝરીમાં વાપી અને ત્યાંથી દમણની હોટેલમાં રોકાયો હતો.
રિક્ષાચાલક ઓળખી ગયો
દમણના બજારમાં મિત્તલ સરૈયાને જોઈ રિક્ષાચાલક ઇશ્વર ઓળખી ગયો હતો. ૯૦ના દાયકામાં મિત્તલ ક્રેકટ રમવા દમણ જતા ત્યારે ઇશ્વર પણ ક્રિકેટ રમતો હતો તેથી બન્ને પરિચિત હતાં. જોકે, મિત્તલે તેની સાથે આવવા ઇનકાર કરી દીધા બાદ તેઓ ક્રિકેટના કોચ હીરાલાલ ટંડેલને મળવા ગયા હતા. તેમણે પોતાની સમગ્ર વિગતો કોચ ટંડેલને કહી ૩-૪ મહિના દમણમાં કામ કરવાની તૈયારી બતાવી હતી. મિત્તલ દમણમાં હોવાની જાણ ડીસીપી ક્રાઈમ તેને વડોદરા લાવી હતી.
સીમકાર્ડ તૂટી ગયું
મિત્તલે પોલીસને જણાવ્યું હતું કે, તેની પાસે યુએસનું સીમકાર્ડ હોવાથી દમણમાં તે ભારતીય કંપનીનું સીમકાર્ડ લેવા ગયા હતા. તેની પાસે આધારકાર્ડની ઝેરોક્ષ કોપી હતી. દુકાનદારે ઝેરોક્ષ કોપી પર સીમકાર્ડ નહીં આપવાનું કહેતા નવું સીમકાર્ડ મળ્યું ન હતું. તેના કારણે મિત્તલનો મોબાઇલ ચાલુ થયો ન હતો અને પરિવારજનોનો સંપર્ક પણ કર્યો ન હતો.
માતાને જોઈ રડી પડ્યા
મિત્તલ સરૈયાના માસા જનક શાહે જણાવ્યું કે, મિત્તલ આવતાં જ માતા ભારતીબહેનને જોઈ ગળગળા થઈ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા. તેમણે ભૂલ બદલ વસવસો વ્યક્ત કર્યો હતો. માતાએ પોલીસની ટીમનો આભાર માન્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter