લાલ રંગની થીમ સાથે ૧૨મા ધર્મજોત્સવનું આયોજન

Wednesday 10th January 2018 09:43 EST
 
 

આણંદઃ ચરોતર પ્રદેશના અનોખા ગામ ધર્મજનો જન્મદિવસ એટલે કે ધર્મજ ડે સ્વામી વિવેકાનંદના જન્મદિને એટલે ૧૨મી જાન્યુઆરીએ જ આવે છે. આ દિવસે ધર્મજોત્સવનું આયોજન કરાય છે. ધર્મજોત્સવમાં દેશવિદેશમાં વસતા ધર્મજીયનો દર વર્ષે વનતમાં ખેંચાઈ આવે છે. આજથી ૧૨ વર્ષ અગાઉ ‘ધર્મજ ડે’ના નામથી આ મહોત્સવ શરૂ થયો હતો. હવે તો પરદેશથી આવતા ધર્મજના વતનીઓ પોતાના દીકરા-દીકરીઓના લગ્નપ્રસંગની ઊજવણી પણ ૧૨મી જાન્યુઆરીએ રાખે છે જેથી તેઓ ધર્મજ ડેમાં હાજરી આપી શકે. ૧૨મી જાન્યુઆરીએ ‘ધર્મજ ડે’ અને ૧૪મી જાન્યુઆરીએ ઉત્તરાયણ હોવાથી પણ એનઆરજીઓ સ્પેશ્યલ આ દિવસોમાં ભારત આવતા હોય તેવું બને છે. ૧૨મા ‘ધર્મજ ડે’ની માહિતી આપતાં ટીમ ધર્મજના સભ્ય રાજેશ પટેલે જણાવે કે આ વર્ષે આ દિવસ શુકનિયાળ એવા લાલ રંગે રંગાશે. ધર્મરત્ન (મરણોત્તર) એવોર્ડ સ્વ. વિનુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ વતી સ્વીકારવા તેમના દીકરા કેન્યાસ્થિત ઉદ્યોગપતિ કેતનભાઈ તથા લંડનથી અન્ય પરિવારજનો ખાસ પધાર્યા છે. સ્વ. વિનુભાઈ કેન્યાના નૈરોબીમાં વર્ષો સુધી હાઈ કોર્ટમાં જજ રહ્યા હતા. આ પ્રસંગે સમારંભના મુખ્ય વક્તા તરીકે જાણીતા સાહિત્યકાર ભાગ્યેશભાઈ ઝા પધારશે. તેઓ ‘ચાલો જીવનને રિચાર્જ કરીએ’ તે વિષય ઉપર પ્રવચન આપશે. સમારંભના અધ્યક્ષ સ્થાને અમેરિકાસ્થિત ધર્મજીયન નરેશભાઈ ખાસ ઉપસ્થિત રહેશે. સતત બાર વર્ષથી ઉજવાતા આ પ્રસંગની તૈયારીઓ હાલમાં જોરશોરથી ચાલી રહી છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter