વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા ચરોતરમાં ૬૫ હજારથી વધુ માસ્કનું વિતરણ

Monday 27th April 2020 15:25 EDT
 
 

નડિયાદ: સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ટ્રસ્ટ દ્વારા જિલ્લામાં જરૂરિયાતમંદોને ૬૫ હજારથી વધુ માસ્કનું વિતરણ કરાયું છે. કોરોનાના સંક્રમણની ગંભીરતાને જોતાં જિલ્લા કલેક્ટર આઇ. કે. પટેલ દ્વારા માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું હતું. જેથી સંસ્થાએ તાકીદના સમયે માસ્ક વિતરણ કરીને જિલ્લાવાસીઓને મદદરૂપ થઈ ધર્મ-ભક્તિ-સેવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કાપડથી બનેલા આ માસ્કને ગરમ પાણીથી સ્વચ્છ રીતે ધોઇને તેનો પુન:ઉપયોગ કરી શકાય છે. આ બાબતે વાત કરતાં વડતાલ મંદિરના કોઠારી ડો. સંતસ્વામીએ જણાવ્યું હતું કે, આજે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરીએ અને કરાવીએ એ જ સાચી દેશભક્તિ છે. કોરોનાની ગંભીરતાને સમજીને હોળી-ધૂળેટીએ રંગોત્સવમાં પાણીનો ઉપયોગ પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો ન હતો.
કોરોના વાઈરસના કપરા કહેર વચ્ચે અત્યાર સુધીમાં વડતાલ સ્વામીનારાયણ ધામ તરફથી અનાજની કિટ, તાજા શાકભાજીની કિટ, ફળોનું વિતરણ પણ કરાયું છે. આ કપરા કાળમાં તમામ સેવાકાર્યો શ્યામવલ્લભ સ્વામી , ટ્રસ્ટી પાર્ષદ ઘનશ્યામ ભગત અને ગુણસાગર સ્વામીના નેતૃત્વમાં વડતાલ મંદિરના યુવકો દ્વારા કરાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter