સ્વામીનારાયણ સાધુના રૂમમાંથી નકલી નોટો છાપવાના મશીન સહિત રૂ. ૧.૨૬ કરોડની નકલી નોટો મળી

Wednesday 27th November 2019 05:43 EST
 
 

સુરતઃ ખેડાના અંબાવ ગામે નવા બંધાતા સ્વામીનારાયણ મંદિર પરિસરના રૂમમાં નકલી નોટો છાપવાના મશીન અને રૂ. ૧ કરોડ ૨૬ લાખની નકલી કરન્સી સાથે ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આ કૌભાંડના સૂત્રધાર રાધારમણ સ્વામી, કામરેજના પિતા-પુત્ર, અંકલેશ્વરના યુવક સહિત પાંચની ૨૪મી નવેમ્બરે ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, રૂ. ૨ હજારની અસલી ચલણી નોટ સ્કેન કરી નકલી નોટની પ્રિન્ટ કઢાઈ હતી. આ રીતે ૨ હજારની ૫,૦૧૩ નકલી નોટ છાપી હતી. ૨૩મી નવેમ્બરે રાત્રે કામરેજથી ગઢપુર ટાઉનશિપ તરફ જવાના રોડ પર પ્રતીક દિલીપભાઇ ચોડવડિયા (ઉં. વ. ૧૯)ને રૂ. ૪.૦૬ લાખની કિંમતની રૂ. ૨૦૦૦ની કુલ ૨૦૩ નકલી નોટો સાથે પકડી લેવાયો હતો. મૂળ સાવરકુંડલાના ગાધકડા ગામનો અને કામરેજ નજીકના કોસમાડા ગામની સહજાનંદ સોસાયટીમાં રહેતા પ્રતીક પાસેથી પોલીસે મોબાઇલ અને રૂ. ૫ લાખની સ્કોડા કાર પણ કબજે લીધી હતી.
એ પછી ક્રાઇમ બ્રાન્ચે સરથાણા શ્યામધામ મંદિર રોડ પરથી કામરેજમાં રહેતા પિતા પુત્ર પ્રવીણ જેરામભાઇ ચોપરા, કાળુ પ્રવીણ ચોપરા, અંકલેશ્વરમાં રહેતા મોહન માધવ વાધુરડેને નકલી નોટો સાથે પકડી લીધા હતા. આ કૌભાંડમાં માસ્ટર માઇન્ડ તરીકે ખેડાના સ્વામીનારાયણ મંદિરના રાધારમણ સ્વામીનું નામ ખૂલ્યું હતું.

પ્રસાદના બોકસમાં હેરફેર

મંદિરમાં પ્રસાદ માટે બનાવાતા બોકસમાં નકલી નોટો મૂકીને તેની હેરફેર થતી હોવાનું ખૂલ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે પકડેલી ૨૦૦૦ની ૫,૦૧૩ નકલી નોટ અસલી નોટ જેવી જ લાગતી હતી. આ તમામ નોટ પર સિરીઝ પણ અલગ-અલગ હતી. કબજે લેવાયેલી આ નકલી નોટો પ્રિન્ટરમાં હાઇડેફિનેશનથી છપાતી હતી. જો કોઈ ધ્યાનથી ચેક કરે તો જ નોટ નકલી હોવાનું સ્પષ્ટ થાય એમ હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter