યુપીએસસીના ચેરમેન પદે શપથ લેતા ડો. મનોજ સોની

Wednesday 24th May 2023 12:21 EDT
 
 

નવી દિલ્હીઃ ગુજરાતના જાણીતા શિક્ષણવિદ્ ડો. મનોજ સોનીએ યુનિયન પબ્લિક સર્વીસ કમિશન (યુપીએસસી)ના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. તેમને 16મેના રોજ કમિશનના વરિષ્ઠ સભ્ય સ્મિતા નાગરાજે હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ડો. સોની એપ્રિલ 2022થી યુપીએસસીના ઇન્ચાર્જ ચેરમેન તરીકે કાર્યભાર સંભાળતા હતા. તેઓ 2017માં યુપીએસસીના સભ્ય તરીકે જોડાયા હતા.
તેઓ એમ.એસ. યુનિવર્સિટી-વડોદરાના વાઇસ ચાન્સેલર તરીકે ત્રણ વખત અને બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી - ગુજરાતના વાઇસ ચાન્સેલર તરીકે એક વખત જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેઓ સ્વતંત્ર ભારતના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બનવાનું બહુમાન ધરાવે છે. ડો. સોની શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનેક માન-સન્માન મેળવી ચૂક્યા છે. વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂક પૂર્વે તેઓ વલ્લભ વિદ્યાનગરની એસ. વી. પટેલ યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય સાથે સંકળાયેલા હતા. તેમણે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ‘પોસ્ટ કોલ્ડ વોર ઇન્ટરનેશનલ સિસ્ટેમિક ટ્રાન્ઝીશન એન્ડ ઇન્ડો-યુએસ રિલેશન્સ’ પર પીએચ.ડી. કર્યું છે.
નિષ્કામ કર્મયોગી
ડો. મનોજ સોની સ્વામિનારાયણ સંપ્રદાયની એક શાખા અનુપમ મિશનના સાધુ છે. અનુપમ મિશનના અનુયાયી બન્યા બાદ 2020માં તેઓ સાધુ એટલે કે નિષ્કામ કર્મયોગી બન્યા છે.
યુપીએસસીઃ દેશના વહીવટી તંત્રનો પાયાનો પથ્થર
યુપીએસસી દ્વારા ઇંડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વીસ (આઇએએસ), ઇંડિયન ફોરેન સર્વીસ (આઇએફએસ), ઇંડિયન પોલીસ સર્વીસ (આઇપીએસ) સહિત બે ડઝન કરતાં પણ વધુ અખિલ ભારતીય મુલ્કી સેવાના અધિકારીઓની પસંદગી માટે પરીક્ષાઓ યોજવામાં આવે છે. કમિશનમાં મહત્તમ દસ સભ્યો હોય છે અને ચેરમેન તેનું નેતૃત્વ કરે છે. સોમવારે કમિશનમાં બે સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં ગુજરાત કેડરના આઇએએસ અધિકારી અને માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇસીસ (એમએસએમઇ)ના સેક્રેટરી બી.બી. સ્વૈન તેમ જ ઇંડિયન રેવન્યુ સર્વીસ (આઇઆરએસ)ની ઇન્કમ ટેક્સ કેડરમાંથી સુમન શર્માનો સમાવેશ થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter