રાજ્યમાં અષાઢી બીજનું મુહૂર્ત સાચવતાં મેઘરાજા

Wednesday 14th July 2021 06:30 EDT
 
 

અમદાવાદ: મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સાચવી લીધું હોય તેમ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે અડધાથી સવા ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. વીજળીના કડાક-ભડાકા સાથે સચરાચર મેઘમહેર થતાં ધરતીપુત્રોમાં હરખની હેલી વ્યાપી ગઈ છે. નડિયાદમાં ૩.૨૫ ઈંચ, ભૂજમાં ૩ ઈંચ, રાધનપુરમાં ૨.૫ ઈંચ અને સાપુતારામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. જો કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ વહાલ વરસાવ્યું હતું.
અમદાવાદઃ ૧૧ જુલાઈના રોજ અમદાવાદમાં ત્રણ કલાકમાં સરેરાશ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે, પૂર્વ વિસ્તારમાં ઓઢવ, રખિયાલ, ગોમતીપુર, વિરાટનગર, બાપુનગર, મણિનગર, ન્યૂ રામોલ, હાથીજણ, વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. નિકોલ, રામોલ, કઠવાડામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
કચ્છઃ ૧૧ જુલાઈની મધ્ય રાત્રીનાં ભારે ગાજવીજ સાથે જિલ્લાના મુખ્યમથક ભુજમાં ૩ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભચાઉમાં ૩૫ મિ.મી. અંજારમાં ૧૬ મિ.મી. ગાંધીધામમાં ૧૦ મિ.મી. નખત્રાણામાં ૨૦ મિ.મી. મુન્દ્રામાં ૪૬ મિ.મી. માંડવીમાં ૩૭ મિ.મી. રાપરમાં ૧૪ મિ.મી. વરસાદ વરસ્યો હતો.
દ.ગુજરાતઃ જ્યારે ડાંગ જિલ્લામાં ૧૨ જૂલાઈ મળસ્કે એકથી બે ઇચ સુધી વરસાદ પડયો હતો. આહવામાં ૧ ઈંચ, વઘઇ ખાતે સવા ઈંચ, સાપુતારા ખાતે માત્ર બે કલાકમાં ૨ ઈંચ વરસાદ પડયો હતો.
સાપુતારા અને તેની તળેટીના ગામોમાં પડેલા મુશળધાર વરસાદથી પ્રસિધ્ધ ગીરાધોધ ધીમી ગતિએ લયમાં આવી ધબકતો થયો હતો. વલસાડ જિલ્લામાં ૧૨ જૂલાઈ બપોરે ૪ વાગ્યા સુધીમા ઉંમરગામમાં ૦૯ મિ.મી, કપરાડામાં ૦૭મિ.મી, પારડીમાં ૧૪ મિ.મી, વાપીમાં ૧૯ મિ.મી વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રઃ અષાઢી બીજના દિવસે પણ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા તાલુકામાં ઝાંપટાથી લઈ બે ઈંચ સુધીનો વરસાદ પડી ગયો છે. મધરાતે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર જિલ્લામાં ઝાપટાથી એક સુધીનો વરસાદ પડયો હતો.
માંગરોળમાં ૧ કલાકમાં એક ઈંચ વરસાદ પડયા બાદ ફરી ૧૦ વાગ્યાથી વરસાદ થયો હતો. સૌરાષ્ટ્ર કુતિયાણા માં દોઢ ઈંચ વરસાદ વરસ્યા બાદ રાત્રી દરમ્યાન વધુ પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો પોરબંદરમાં પણ ૫મીમી વરસાદ વરસ્યો છે અને રાણાવાવમાં પણ વરસાદી ઝાપટા પડયા છે.
ઉ.ગુજરાતઃ મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. ૯ તાલુકામાં મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં આનંદ ફેલાયો છે. રાધનપુરમાં સૌથી વધુ ૨.૫ ઈંચ વરસાદ વરસ્યો છે. પાટણના વાળીનાથ ચોકમાં વીજળી પડતા સોસાયટીઓના મકાનની છતને નુકસાન થયુ છે.
મહેસાણા અને પાટણ જિલ્લામાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લીના મોટા ભાગના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. સાબરકાંઠામાં દોઢથી બે ઈંચ વરસાદ પડયો છે. જ્યારે અરવલ્લીમાં અડધા ઈંચથી વધુ પાણી વરસ્યુ છે.આ વરસાદથી ૩ લાખ હેક્ટરથી વધુના પાકને જીવતદાન મળ્યુ છે.
મ.ગુજરાતઃ ખેડા જિલ્લામાં ૧૧ જૂલાઈથી ગાજવીજ સાથે મેઘરાજાએ પધરામણી કરી છે. નડિયાદમાં ૩.૨૫ ઈંચ વરસાદ ખાબકતા અનેક રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લામાં સરેરાશ ૧.૨૫ ઈંચ વરસાદ વરસ્યો છે. મહેમદાવાદમાં ૨ તથા વસોમાં ૧ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે તારાપુરમાં સવા બે, સોજીત્રામાં બે અને પેટલાદમાં પોણો ઈંચ વરસાદ પડયો છે. આ જ રીતે સમગ્ર ચરોતરમાં વરસાદ થતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter