વલસાડ બેઠક જીતનાર પક્ષની દિલ્હીમાં સરકાર બને છે!

Wednesday 20th March 2019 06:23 EDT
 

વલસાડઃ વર્ષ ૧૯૭૩માં વલસાડ જિલ્લો બન્યા બાદ વલસાડ લોકસભાની બેઠક પર જીત મેળવનાર ઉમેદવારના પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે તેવી લોકવાયકા પરિણામો પછી દૃઢ બની છે. આ બેઠકનું મહત્ત્વ રાજકીય પક્ષો પણ સમજે છે. તેથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફેબ્રુઆરીથી ચૂંટણી પ્રચારનો આરંભ વલસાડ જિલ્લાના ધરમપુરના લાલડુંગરીથી કર્યો હતો.
૧૯૭૭માં જનતાપક્ષમાં મર્જ થયેલ બીએલડીના નાનુભાઇ પટેલનો વિજય થયો હતો. તે વખતે પ્રથમ વાર દિલ્હીમાં બિનકોંગ્રેસી એવી મોરારજી દેસાઇના જનતાપક્ષની સરકાર રચાઇ હતી. ૧૯૮૦માં કોંગ્રેસના ઉત્તમ પટેલનો વિજય થયો ને ઇન્દિરા ગાંધીની સરકાર બની. ૧૯૮૪માં ફરી ઉત્તમ પટેલ જીત્યાને રાજીવ ગાંધીની સરકાર બની હતી. ૧૯૮૯માં જનતા દળના અર્જુન પટેલનો વિજય થયો અને સ્વ. વી. પી. સિંહ ભાજપ સાથે મળીને મિશ્ર સરકાર બનાવી હતી. ૧૯૯૧માં ફરી કોંગ્રેસના ઉત્તમ પટેલની જીત સાથે કોંગ્રેસની સરકાર બની હતી. ૧૯૯૬, ૧૯૯૭ અને ૧૯૯૯માં ભાજપના મણિભાઇ ચૌધરી જીત્યા અને અટલ બિહારી વાજપેયીની અધ્યક્ષતામાં ભાજપની સરકાર બની. ૨૦૦૪ અને ૨૦૦૯માં કોંગ્રેસના કિશન પટેલની જીત સાથે દિલ્હીમાં કોંગ્રેસની પછી ૨૦૧૪માં ભાજપના ડો. કે. સી. પટેલની જીતથી ભાજપની સરકાર રચાઇ હતી.

રેકોર્ડબ્રેક મતદાન

૨૦૦૯ની ચૂંટણી સુધી આ બેઠક પર સરેરાશ મતદાન ૫૦ ટકા થતું હતું, પણ ગત ૨૦૧૪ની ચૂંટણીમાં મતદાન ૭૩.૯૯ ટકા થતા વિક્રમ સર્જાયો હતો.

કોંગ્રેસની ૫ અને ભાજપની ૪ ચૂંટણીમાં જીત

વલસાડ બેઠક પર ૧૯૭૭થી ૨૦૧૪ સુધીમાં ૧૧ ચૂંટણી યોજાઇ હતી. તેમાંથી ૫ વખત કોંગ્રેસ, ૪ વખત ભાજપ, એક-એક વખત અન્ય પક્ષ જીત્યા. છેલ્લી ૧૧ ચૂંટણીઓનું સરેરાશ મતદાન ૫૮.૧૭ ટકા રહ્યું છે.
કોંગ્રેસને સરેરાશ ૫૨.૧૪ ટકા અને ભાજપને ૪૯.૮૯ ટકા મતો મળ્યાં છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ડો. કે. સી. પટેલે વિક્રમજનક ૨૦૮૪૧૨ મતની સરસાઇથી વિજય મેળવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter