વિદેશમાં વસતો દર ત્રીજો ભારતીય ગુજરાતી!

Saturday 11th May 2019 06:59 EDT
 
 

અમદાવાદ: વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા પહેલી મેએ બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિદેશમાં વસતા ભારતીયોમાં ગુજરાતીઓ સૌથી આગળ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જેટલા ભારતીયો અન્ય દેશમાં જઈને વસે છે તેમાં સૌથી વધારે પ્રમાણ ગુજરાતીઓનું છે. આંકડાઓ મુજબ વિદેશમાં વસતા કુલ ભારતીયોમાં ૩૩ ટકા ગુજરાતી છે. અહેવાલમાં એવું પણ નિવેદન છે કે સંયુક્ત રાષ્ટ્રમાં નોંધાયેલા ૧૯૦ દેશોમાંથી ૧૨૯ દેશોમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસે છે.
આફ્રિકાથી પ્રારંભ
ગુજરાતીઓએ વિદેશ ખેડવાનો પ્રારંભ આફ્રિકાથી કર્યો હતો. ૧૯૭૨માં યુગાન્ડાના શાસક ઇદી અમીને ભારતીયોની હકાલપટ્ટી કરતા આફતને અવસરમાં પલટવામાં માહેર ગુજરાતીઓ બ્રિટન અને અમેરિકા જઈને સમૃદ્ધ બન્યાં હતાં. ન્યૂ યોર્ક ટાઇમ્સના એક લેખ મુજબ ૧૯૧૦ પછી મોટી સંખ્યામાં ભારતીયોએ અમેરિકા આવવાનું શરૂ કર્યું. રિપોર્ટ મુજબ દુનિયાભરના દેશોમાં ગુજરાતના ‘પટેલ’ ફેલાયેલા છે. સમગ્ર વિશ્વમાં પાંચ લાખ જેટલા પટેલ જુદા-જુદા દેશોમાં વસે છે. ‘પટેલ’ અટક ધરાવતા સૌથી વધુ લોકો અમેરિકા અને બ્રિટનમાં રહે છે. આ બે જ દેશોમાં દોઢ-દોઢ લાખ લોકોની અટક પટેલ છે. ગુજરાતીઓ જ્યાં વસ્યા છે એ દેશોના અર્થતંત્રને વિકસાવવામાં પણ મોટું યોગદાન આપતા રહ્યા છે. બ્રિટનમાં હાલમાં થયેલા સર્વે પ્રમાણે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર સૌથી વધુ ખર્ચ કરનારાઓમાં પટેલો સામલે હતા.

પાંચ કારણથી ગર્વ લઈ શકે ગુજરાતી

વિશ્વભરમાં રાજકારણ, વેપાર-ઉદ્યોગથી લઈને કળા-સાહિત્ય સુધીના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતીઓનો ડંકો છે. આ ગુજરાતીઓ પર ગર્વ કરી શકાય એવા અનેક કારણો છે જેમાં પાંચ મુખ્ય છે.
• પહેલું કારણ એ છે કે ભારતની કુલ વસ્તીમાં ગુજરાતીઓનું પ્રમાણ ભલે ૬ ટકા હોય પણ અમેરિકાના કુલ ભારતીયોમાં ૨૦ ટકા ગુજરાતી છે. અમેરિકામાં ૯.૨૭ લાખ ગુજરાતીઓ વસે છે.
• બીજું કારણ અમેરિકામાં છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતી બોલનારા લોકોની સંખ્યામાં ૨૬ ટકાનો વધારો થયો છે. અમેરિકામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાં બીજા ક્રમે ગુજરાતી છે.
• ત્રીજું કારણ, યુએસ-યેકુમાં ગુજરાતીઓની સંખ્યા ૨૨ લાખ છે. આ દેશોમાં સૌથી પોપ્યુલર સરનેમમાં ૧૪૦ ક્રમે ‘પટેલ’ છે.
• ચોથું કારણ અમેરિકામાં ૧૭ હજાર મોટેલ અને ૧૨ હજાર દવાની દુકાનો ગુજરાતીઓની માલિકીની છે. ૧૯૪૦માં અમેરિકામાં દક્ષિણ ગુજરાતના કાનજી પટેલે મોટેલ શરૂ કરી હતી. આજે યુએસમાં ૪૦ ટકા મોટેલ ગુજરાતીઓની છે.
• પાંચમું કારણ, વિશ્વભરના દેશોમાં ફેલાયેલા ગુજરાતીઓ પાસે રૂ. ૫૮ લાખ કરોડથી વધુ ધન છે તથા ભારતના અબજોપતિઓની યાદીમાં સૌથી વધુ એટલે કે ૫૮ ગુજરાતી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter