શંકરસિંહ વાઘેલા એનસીપીમાં

Wednesday 06th February 2019 05:40 EST
 
 

અમદાવાદઃ કોંગ્રેસ સાથે છેડો ફાડી જનવિકલ્પ મોરચો રચનારા શંકરસિંહ વાઘેલા અમદાવાદમાં મંગળવારે વિધિવત્ રીતે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં જોડાયા હતા. એનસીપીના સુપ્રીમો શરદ પવારના હસ્તે તેમણે પક્ષપ્રવેશ કર્યો હતો. શંકરસિંહે કહ્યું કે, ભાજપ સરકારના રાજમાં લોકશાહીનું ગળું ઘોંટવાનું કામ ચાલે છે એટલે બિનસક્રિય રહેવું ઠીક નથી એટલે દેશના હિતમાં આ નિર્ણય લીધો. શંકરસિંહે કહ્યું કે, ભાજપમાં રાતોરાત કાયદાઓ બદલી રહ્યા છે, સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ અને સંસદના વિવાદ તો જગજાહેર છે.
લોકસભા ચૂંટણી લડશે?
શંકરસિંહ વાઘેલા આગામી લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઊતરશે કે કેમ તેવા સવાલના જવાબમાં એનસીપીએ જાહેર કર્યું કે, હજુ સુધી આ મુદ્દે ચર્ચા કરી નથી. ચૂંટણી લડવી કે કેમ તે નક્કી કર્યું નથી. શંકરસિંહે કહ્યું કે, દેશમાંથી ભાજપને કાઢવાનું અમે કામ કરીશું.
બાપુ છે, એ હવે જે કરે એ: રૂપાણી
એનસીપીમાં શંકરસિંહ વાઘેલાના પ્રવેશ સંદર્ભે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, બાપુ છે, એ હવે જે કરે એ. રૂપાણીએ એટલું કહીને પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતુ. મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાની ફરીથી નવી ઈનિંગને લઈને સચિવાલયમાં પણ ઉત્તેજનાભર્યો માહોલ રહ્યો હતો. કેબિનેટની બેઠક બહાર નીકળતા પ્રધાનો પણ બાપુ સાથે એનસીપીમાં બીજુ કોણ જોડાઈ રહ્યું છે? તેની પૃચ્છા કરતા જોવા મળ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter