શતાયુ માતા હિરાબાના આશીર્વાદ લેતા વડા પ્રધાન

Saturday 18th June 2022 05:00 EDT
 
 

ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે શતાયુ માતા હિરાબાને મળવા ગાંધીનગરના રાયસણ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. વડા પ્રધાને 100મો જન્મદિવસ મનાવી રહેલા માતાના ચરણ ધોઇને પૂજન કર્યું હતું અને આશીર્વાદ લીધા હતા. વડા પ્રધાને તેમના માતા અને પરિવારજનો સાથે લગભગ અડધો કલાક વીતાવ્યો હતો.
આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ એક બ્લોગ પણ લખ્યો હતો. નરેન્દ્ર મોદી વેબસાઇટ પ્રકાશિત આ બ્લોગમાં તેમણે પોતાનાં માતા સાથે જોડાયેલા સંસ્મરણો તાજા કર્યા છે તેમજ તેમના પિતાનો પણ ઉલ્લેખ કર્યો છે.
વડા પ્રધાને પોતાના બ્લોગમાં લખ્યું છે કે, ‘મા, આ માત્ર એક શબ્દ જ નથી. જીવનની આ એવી ભાવના છે જેમાં સ્નેહ, ધૈર્ય, વિશ્વાસ, અન્ય પણ ઘણું બધું સમાયેલું હોય છે. આજે હું પોતાની ખુશી, પોતાના સૌભાગ્ય વિશે આપ સૌને વાત કરવા માગું છું. મારાં મા, હીરાબા આજે 18 જૂનના રોજ પોતાના એકસોમા વર્ષમાં પ્રવેશી રહ્યાં છે, એટલે કે તેમનો જન્મ શતાબ્દી વર્ષ પ્રારંભ થઈ રહ્યો છે.’
તેમણે લખ્યું છે કે, ‘જો પિતાજી આજે હયાત હોત તો ગત અઠવાડિયે તેઓ પણ 100 વર્ષના થઈ ગયા હોત. એટલે કે વર્ષ 2022 એક એવું વર્ષ છે જ્યારે મારાના જન્મશતાબ્દી વર્ષનો પ્રારંભ થયું છે તેમજ આ જ વર્ષે મારા પિતાનું જન્મશતાબ્દી વર્ષ પૂર્ણ થયું છે.’
વડા પ્રધાન મોદીએ લખ્યું છે કે આમ તો અમારે ત્યાં જન્મદિવસ ઊજવવાની કોઈ પરંપરા નથી રહી. પરંતુ પરિવારના નવી પેઢીનાં બાળકોએ પિતાજીના જન્મશતાબ્દી વર્ષમાં આ વર્ષે 100 છોડ વાવ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter