સંઘપ્રદેશનો પત્રઃ મરીન ડ્રાઈવ રોડ કરતા પણ દમણનો બીચ રોડ બેનમૂન: પિયૂષ ગોયલ

Thursday 12th May 2022 06:16 EDT
 
 

કેન્‍દ્રીય વાણિજ્‍ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે ‘ઉન્નતિ એક્‍સ્‍પો-2022'નું ઉદ્‌ઘાટન કરતા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં થયેલા વિકાસની મુક્‍ત મને પ્રશંસા કરતા જણાવ્‍યું હતું કે, મારી કલ્‍પનાની બહારનો વિકાસ છે. તેમણે મુંબઈના મરીન ડ્રાઈવ રોડની સરખામણી દમણના બીચ રોડ સાથે કરતા જણાવ્‍યું હતુ કે હવે મુંબઈને પણ ડર લાગે એ પ્રકારનો પ્રવાસન વિકાસ પણ આ નાનકડા પ્રદેશમાં થઈ રહ્યો છે અને તેમણે પ્રદેશની મુક્‍ત મને પ્રશંસા કરતા ‘દિલ માંગે મોર'ની ભાવના વ્‍યક્‍ત કરી હતી. કેન્‍દ્રીય મંત્રીએ જણાવ્‍યું હતું ભારત વિશ્વભરમાં પોતાની અલગ ઓળખાણ બનાવી રહ્યું છે. ભારતે ગયા વર્ષે નિકાસમાં ઐતિહાસિક વધારો કરી એક નવો ઈતિહાસ રચ્‍યો છે. ભારતે ગયા વર્ષે 420 બીલીયન ડોલરનું એક્‍સપોર્ટ અને સર્વિસમાં 254 બીલીયન ડોલરનો ઐતિહાસિક દેખાવ કર્યો હતો.
કેન્‍દ્રીય મંત્રી ગોયલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ અને તેમની દિર્ઘદૃષ્‍ટિની પ્રશંસા કરતા જણાવ્‍યુ઼ હતું કે આઝાદીના 70 વર્ષ બાદ પહેલી વખત દેશની દીકરી, બહેનો અને માતાઓ માટે સલામત ઘર એટલે કે પ્રત્‍યેક ઘરમાં શૌચાલયની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત અગામી રપ વર્ષમાં યુવાનો માટે એક નવો ઈતિહાસ રચવાની તક હોવાનું જણાવી તેમણે આપણે દરેકે સાથે મળી ભારતના દરેક વ્‍યક્‍તિને સારૂ શિક્ષણ, ઉત્તમ આરોગ્‍ય સુવિધા અને છેવાડેના લોકોને દરેક બુનિયાદી સુવિધા મળે એવી વ્‍યવસ્‍થા કરવા આહ્‌વાન કર્યુ હતું. તેમણે જણાવ્‍યું હતું કે, ભારતના દરેક ઘરમાં ઉત્‍સાહ અને આનંદના વાતાવરણના સર્જનની હાંકલ કરતા શ્રી પિયૂષ ગોયલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, દેશમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ નવા વિચારનું જીવંત દૃષ્‍ટાંત છે.
આ પ્રસંગે સાંસદ લાલુભાઈ પટેલ, સામાજિક આગેવાન અને ઉદ્યોગપતિ પદ્મશ્રી ગફૂરભાઈ બિલખિયા, પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ, દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા, પ્રદેશ એનસીપી પ્રમુખ ધવલભાઈ દેસાઈ, જનતા દળ (યુ)ના પ્રમુખ ધર્મેશ ચૌહાણ સહિત દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ નિશાબેન ભવર, દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલ, દીવ જિ. પં.ના પ્રમુખ અમૃતાબેન બામણિયા, સેલવાસ ન.પા.ના પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, દમણ ન.પા.ના પ્રમુખ સોનલબેન પટેલ, ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિ પવન અગ્રવાલ, આર.કે. કુન્‍દનાની, અતુલ શાહ, નરેન્‍દ્રભાઈ ત્રિવેદી, ચંદ્રકાન્‍ત પારેખ, રાજીવ કપુર, આલોક મુંદડા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
ગોલ્‍ડન કોરિડોરને ઔદ્યોગિક હબ તરીકે વિકસાવોઃ પ્રફુલ પટેલ
મોટી દમણમાં લાઈટ હાઉસ બીચ ખાતે ‘ઉન્નતિ એક્‍ઝિબિશન કમ સેલ'ના ભવ્‍ય ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં ઉપસ્‍થિત સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કહ્યું હતું કે દાદરા નગર હવેલી અને દમણ-દીવના ટચૂકડા 470 કિલોમીટરના વિસ્‍તારમાં 7000 કરતા વધુ ઉદ્યોગો ધબકી રહ્યા છે અને 1800 જેટલા નવા ઉદ્યોગો કાર્યરત થયા છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે મુંબઈથી સુરત વચ્‍ચેના 300 કિલોમીટરના ગોલ્‍ડન કોરીડોરને ઔદ્યોગિક હબ તરીકે વિકસાવવો જોઇએ. આ પ્રસંગે ઉપસ્થિત કેન્‍દ્રીય મંત્રી પિયૂષ ગોયલે પ્રશાસકની રજૂઆતનો હકારાત્‍મક પ્રતિસાદ આપતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ફાઈવ એફ વિઝન - ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેબ્રીક, ફેબ્રીક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેનનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, દાનહ અને દમણ-દીવમાં ફાઈવ-એફ ઉપલબ્‍ધ હોવાથી ફેશન ટેક્‍નોલોજીની કોલેજ શરૂ કરવા સંપૂર્ણ તૈયારી દર્શાવી હતી.
પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કહ્યું હતું કે દાદરા નગર હવેલી ખાતે કાર્યરત હિન્‍ડાલ્‍કો ઈન્‍ડસ્‍ટ્રીઝે એક સમયે ખંડણી અને હપ્તાના ત્રાસથી પોતાની કંપનીને તાળા મારી દીધા હતા. આજે કંપની ફરી ધમધમી રહી છે અને રૂ. 1000 હજાર કરોડનું નવું રોકાણ પણ કર્યુ છે. તેમણે ઉપસ્‍થિત ઉદ્યોગોના પ્રતિનિધિઓને જણાવ્‍યું હતું કે, પ્રદેશમાં ખંડણીની સમસ્‍યા અને સલામતીના અભાવના કારણે ઘણા ઉદ્યોગોને હિજરત કરવાની ફરજ પડી હતી, પરંતુ હવે સ્‍થિતિ ઉદ્યોગ ફ્રેન્‍ડલી બની છે. પ્રશાસક પ્રફુલભાઈએ ટચૂકડા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે શિક્ષણ ક્ષેત્રે કરેલા વિકાસની ઝાંખી બતાવતા જણાવ્‍યું હતું અહીં એમબીબીએસ, એન્‍જિનિયરિંગ, નર્સિંગ, નર્સિંગ પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન, ટ્રિપલ આઈટી જેવા અભ્‍યાસક્રમો શરૂ થઈ ચૂક્‍યા છે અને દાદરા નગર હવેલી તથા દમણમાં ટેક્ષટાઈલ ઉદ્યોગનો સારો પ્રભાવ છે ત્‍યારે પ્રદેશમાં નેશનલ ફેશન ટેક્‍નોલોજીની ડિગ્રી કોલેજ આરંભ કરવાની જરૂર છે.
અદ્યતન દાનહ અને દમણ-દીવના શિલ્પી પ્રફુલભાઇ પટેલ
દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પવન અગ્રવાલે કાર્યક્રમને સંબોધતા અદ્યતન દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિલ્‍પી તરીકે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને યશના અધિકારી ગણાવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, ભૂતકાળમાં ઉદ્યોગગૃહો પાસેથી ખંડણી અને હપ્તા ઉઘરાવવાનો વ્‍યાપક ત્રાસ હતો. પ્રફુલભાઈએ કાયદો અને વ્‍યવસ્‍થાને સઘન બનાવવાને આપેલી પ્રાથમિકતાના કારણે આજે મહિલાકર્મીઓ મોડી રાત્રે પણ સુરક્ષિત રીતે પોતાના ઘરે જઈ શકે છે. સિક્‍યુરીટી અને ટ્રાન્‍સપોર્ટ માટે કરેલી વ્‍યવસ્‍થાના કારણે ઉદ્યોગોમાં થતી કનડગત ઉપર અંકૂશ આવ્‍યો છે. તેમણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈનો ઉદ્યોગ ફ્રેન્‍ડલી વ્‍યવસ્‍થા કરવા બદલ આભાર માન્યો હતો.
ઔદ્યોગિક રોકાણ વધારવા પ્રયત્નશીલ
દમણની મુલાકાતે આવેલા ભારત સરકારના કાપડ, ઉદ્યોગ, વાણિજ્‍ય, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પિયૂષ ગોયલે ભાજપ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ કાર્યાલય નાની દમણની મુલાકાત લીધી હતી. ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ અને દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે મંત્રી પિયૂષ ગોયલનું ઉષ્‍માભર્યુ સ્‍વાગત કર્યુ હતું. પિયૂષ ગોયલે જણાવ્‍યું હતું કે, છેલ્લા રપ મહિનાથી દેશભરમાં 80 કરોડ લોકોને ગરીબ કલ્‍યાણ યોજના હેઠળ મફત રાશન અપાઇ રહ્યું છે. જેના માટે સાડા ત્રણ લાખ કરોડનો ખર્ચો થયો છે. તેમ છતાં વડાપ્રધાનની સંવેદનશીલતાને કારણે આ યોજના હજુ પણ ચાલુ છે. હું આજે અહીં આવ્‍યો છું, હું પ્રશાસસના લોકો સાથે મુલાકાત કરવા જઈ રહ્યો છું, હું તમારા રાજ્‍યમાંથી આ યોજનાની વિગતવાર માહિતી લેવાનો છું અને કારણ કે હું ઉદ્યોગ પ્રધાન પણ છું, હું સુનિશ્ચિત કરીશ કે, આ નાનકડા રોકાણ વધે અને હાલમાં અહીની જમીનની ઉપલબ્‍ધિ ઘણી ઓછી છે તેમ છતાં અમે ઓછી જગ્‍યામાં વધુ રોકાણ કરવાનો પ્રયાસ કરીશું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter