સમભાવ જૂથ દ્વારા ગુજરાત અને કાશ્મીરમાં એફએમનો પ્રારંભ

Wednesday 08th August 2018 07:16 EDT
 
 

અમદાવાદઃ દેશમાં એફ.એમ. રેડિયોની યુવા વર્ગમાં વધતી જતી લોકપ્રિયતાને ધ્યાને લઇ ‘સમભાવ મીડિયા’ જૂથે ગુજરાત અને જમ્મુ-કાશ્મીરમાં તેના ખાનગી એફએમ રેડિયો સ્ટેશન ટોપ એફએમ શરૂ કર્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે સમભાવ જૂથનાં ટોપ એફએમ રેડિયોનું લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ ‘સમભાવ મીડિયા’ ગ્રૂપનાં સીએમડી કિરણ વડોદરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતનાં મધ્યમ દરજ્જાનાં ૮ શહેરો જૂનાગઢ, જામનગર, ભાવનગર, વેરાવળ, પોરબંદર, ભરૂચ, ગોધરા, મહેસાણા તથા જમ્મુ-કાશ્મીરનાં લેહ, કારગીલ, પૂંચ, કઠુઆ તથા ભદેરવાહમાં એફએમ રેડિયો શરૂ કરવાનાં લાયસન્સ મળ્યાં છે.
સમભાવ ગ્રૂપનાં ટોપ એફએમને પ્રારંભિક તબક્કામાં ભરૂચ, પોરબંદર અને વેરાવળમાં શરૂ કરાયું છે. અન્ય શહેરોમાં ટૂંક સમયમાં ટોપ એફએમ રેડિયો સ્ટેશન શરૂ કરાશે.

આ તમામ શહેરોને સૌપ્રથમ તેમનાં પ્રાઇવેટ એફએમ સ્ટેશન સાંપડશે. ટોપ એફએમની ટેગલાઇન ‘જબ સુનો, ટોપ સુનો' રાખવામાં આવી છે અને રેડિયો સ્ટેશન આધુનિક સાધન સામગ્રી તેમજ યુવા-ઉત્સાહી આર.જે.થી સજ્જ હશે. જે ગીતસંગીતની સાથે સાથે તમામ વયનાં શ્રોતાઓને જકડી રાખે તેવા મજાકમસ્તીથી ભરપૂર કાર્યક્રમોની સાથે સાથે સામાજિક વિષયો ઉપર ચર્ચા-પ્રવૃત્તિઓ રજૂ કરશે. પહેલાં અમે લોકલ માર્કેટમાં ગહન કન્ઝ્યૂમર રિસર્ચ કર્યું છે અને તેના કારણે જ ટોપ એફએમ રેડિયો સ્ટેશન આ માર્કેટમાં સુમધૂર રેડિયો કન્ટેન્ટનો અવકાશ પૂરવામાં સફળ થશે તેમ કિરણ વડોદરિયાએ જણાવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter