સુરતને પહેલી ઈન્ટરનેશનલ ફ્લાઇટ શારજાહની મળશેઃ વડા પ્રધાનના હસ્તે લોકાર્પણ

Thursday 17th January 2019 05:46 EST
 
 

સુરતઃ ઈન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તરણની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલે છે. અહેવાલો પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ એરપોર્ટનું ૩૦મી જાન્યુઆરીએ લોકાર્પણ કરશે અને સુરત શારજાહની પ્રથમ ફલાઇટને લીલીઝંડી પણ આપશે. ઉલ્લેખનીય છે કે સુરત ઇન્ટરનેશલ એરપોર્ટના પ્રારંભ માટે અને ઇન્ટરનેશનલ ફલાઇટ ચાલુ કરાવવા સુરતીઓએ અનેક મોરચે લડાઈ લડી હતી. આખરે તેમની મહેનત રંગ લાવી છે. એરપોર્ટ ઓથોરિટીના હાલના અહેવાલ પ્રમાણે, પહેલી ફલાઇટ સુરત શારજાહની શરૂ થશે. આ ઉપરાંત ડોમેસ્ટિક ફલાઇટ્સની પણ નવી કનેકિટવિટી માટે પણ ઘણી એરલાઇન્સ રસ લઇ રહી છે.

નોટિફિકેશન બહાર પડશે

જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં સુરત એરપોર્ટ ઉપર કસ્ટમ ક્લિયરન્સ માટેની સુવિધા શરૂ કરવા માટેનું નોટિફિકેશન બહાર પડી જશે.
રનવેના ઇન્ટરનેશનલ એરપોર્ટના સ્ટાન્ડર્ડ પણ આ એરપોર્ટ પર જળવાઈ જતા હોવાથી એર ઇન્ડિયા ઉપરાંત સ્પાઇસ જેટ અને એર એશિયા તરફથી પણ સુરતથી ફ્લાઈટ શરૂ કરવાની તૈયારી દર્શાવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ભવિષ્યમાં સુરતથી વિદેશની વધુ ફ્લાઈટના સંદર્ભે બેંગકોક દુબઈની પણ ફ્લાઈટ્સ ચાલુ કરી દેવામાં આવે તેવી શક્યતા છે.

એરપોર્ટની સુવિધામાં વધારો

એરપોર્ટ પર તમામ પ્રકારના સ્કેનર્સથી માંડીને, ઓફિસર્સને માટેની ચેમ્બર્સ, સ્ટ્રોંગરૂમ, ઇન્ટ્રોગેશન રૂમ જેવી તમામ બાબતોને સાંકળીને એરપોર્ટ ઉપર કસ્ટમ ક્લિયરન્સ માટેની વ્યવસ્થા ઉભી કરવાની તૈયારીને છેલ્લો ઓપ અપાઈ રહ્યો છે.
એરપોર્ટ ઉપર વિમાનોને લેન્ડ થવા માટે જે મોટા બિલ્ડિંગો નડતરરૂપ છે. તેને માટે પાલિકા અને એરપોર્ટ ઓથોરિટીની જોઇન્ટ કમિટિ બનાવાઈ છે. જો તેમાં અડચણરૂપ જણાય તો તેવી ઊંચી ઇમારતોને દૂર કરવા માટેની તજવીજ કરવામાં આવશે. એટલું જ નહીં સુરત એરપોર્ટ ઉપર હજુ વધુ એર કનેક્ટિવિટી શરૂ થાય તે માટેના પ્રયત્નો જારી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter