સોશિયલ મીડિયામાં મુખ્ય પ્રધાનની મેકએઓવરની જવાબદારી શશિ થરુરના પિતરાઇ જય થરુરને?

Thursday 13th February 2020 07:36 EST
 
 

ગાંધીનગરઃ થોડા સમય પહેલાં અમદાવાદના કાર્યક્રમમાં ૨૦-૨૦ મેચની વાત કરીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સૌને અચંબામાં મૂકી દીધા હતાં. હજુ તો આ બાબતે ચર્ચા ગરમ હતી ત્યાં તેમણે ફેસબુક પર રોજગારી એ પછી ભ્રષ્ટાચાર મુક્ત સરકારનો વીડિયો સંદેશ મૂકી સૌનૈ ચોંકાવ્યા. સ્વભાવથી તદ્દન અલગ રજૂ થવાના વિજય રૂપાણીના આ ચમત્કાર પાછળ કોંગ્રેસી નેતા શશિ થરુરના પિતરાઇ જય થરુરનો હાથ છે. જય અને તેમની ટીમ હાલમાં મુખ્ય પ્રધાન અને તેમના સ્ટાફને મુખ્ય પ્રધાનના બ્રાન્ડિંગ માટેની તાલીમ આપે છે.

થોડા સમય પહેલાં જ કામની સોંપણી

ગુજરાત સરકારમાં ચર્ચા છે કે, રૂપાણીએ થોડા સમય પહેલાં જ જય થરુરને આ કામ સોંપ્યું છે અને વિશેષતઃ જ્યારથી તેમના અંગેની તરેહ-તરેહની અફવાઓ ઉડવાની શરૂ થઇ ત્યારથી જ જય થરુરને આ જવાબદારી સોંપાઈ હતી.

અંગ્રેજી - હિંદી સંબોધન માટે રૂપાણીને ટ્રેનિંગ

હાલ જય તેમના વતી સોશિયલ મીડિયામાં વહેતા કરવાના મેસેજ અને પોસ્ટની જવાબદારી તો સંભાળે જ છે, તે ઉપરાંત જાહેર સમારોહમાં પણ મુખ્ય પ્રધાનના સંબોધન, સ્ટેજ પર તેમની સાથે રહેનારા લોકોની બેઠક વ્યવસ્થાથી માંડીને મુખ્ય પ્રધાનને સંબોધનની તાલીમ પણ અપાઇ રહી છે. અંગ્રેજી અને હિંદી ભાષામાં સંબોધન માટે પણ તેમને ટ્રેનિંગ અપાઇ રહી છે. તેથી થોડા સમયમાં રૂપાણી કડકડાટ હિંદી અને અંગ્રેજીમાં ભાષણ આપે તો નવાઇ નહીં. જોકે જય થરુરે હાલમાં તો જણાવ્યું છે કે તેમને જે જવાબદારી અપાઈ છે તે અંગે તેઓ વિશેષ વાતચીત કરી શકશે નહીં.

શશિ થરુરની નજીક પણ રાજકીય પક્ષોથી અંતર

જય થરુર મીડિયા કેમ્પેઇન, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને બ્રાન્ડિંગના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેઓ પિતરાઈ ભાઈ શશિ થરુરની ખૂબ નજીક છે, પરંતુ રાજકીય પક્ષોથી જોઈએ તેટલું અંતર જાળવે છે. જોકે વડા પ્રધાન મોદી અને આરએસએસની વિચારધારાને જય અનુસરતા હોવાનું કહેવાય છે. જય અને તેમનાં પત્ની રાજી થરુર સાથે મળીને આ કંપની ચલાવે છે. મલયાલી હોવા છતાં જય સ્પષ્ટ ગુજરાતી બોલે છે અને તેમણે ગુજરાતીમાં પુસ્તકો પણ લખ્યાં છે.

રાજ્યમાં મોદીકાળ વખતે પ્રશાંત કિશોર હતા

આ અગાઉ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે ૨૦૧૧માં જ જાણીતા પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરને આ પ્રકારની કામગીરી સોંપી હતા. પ્રશાંત કિશોરની સંસ્થા સિટિઝન્સ ફોર એકાઉન્ટેબલ ગવર્નન્સની વિશાળ એવી યુવાન કાર્યકર્તાઓની ફોજ નરેન્દ્ર મોદી માટે વિવિધ ક્ષેત્રમાં બ્રાન્ડિંગ કરવાનું કામ કરતી હતી. તે જ રીતે આનંદીબહેન પટેલે પણ ખાનગી સોશિયલ મીડિયા અને પર્સનાલિટી ડેવલપર એક્સપર્ટની સેવા લીધી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter