ગઢડા મંદિરના આચાર્ય પક્ષના એસપી સ્વામીની કાર ઉપર હુમલો

Wednesday 23rd October 2019 07:03 EDT
 

ગઢડા: ગઢડા સ્વામીનારાયણ મુકામે આવેલા ગોપીનાથજી મંદિરના પૂર્વ બોર્ડ સલાહકાર એસપી સ્વામીની કાર પર ગામના જ માણસોએ ૧૪મી ઓક્ટોબરે હુમલો કર્યો હતો. બે લોકો દ્વારા કારના કાચ તોડી હુમલો કરતા એસપી સ્વામીના ડ્રાઇવરે કારને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગઢડા સ્વામીનારાયણ ખાતે આવેલા ગોપીનાથજી મંદિરના પૂર્વ બોર્ડ સલાહકાર અને આચાર્ય પક્ષના એસ. પી. સ્વામીની ગાડી ઉપર બે જણાએ લોખંડની પાઈપથી હુમલો કરવાની ઘટના બનતા ભારે આક્રોશ અને ચકચાર ફેલાવા પામી છે. આ બાબતે વધારે જાણવા મળતી હકીકત મુજબ એસ.પી. સ્વામી આચાર્ય પક્ષના છે. તેમજ એસ.પી. સ્વામી કાર લઈને મંદિરેથી બોટાદ જવા માટે નીકળ્યા હતા. ત્યારે આ હુમલો થયો હતો. ઇનોવા કારમાં જઈ રહેલા એસ.પી. સ્વામી પર ગઢડા મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર ખાતે બે જણાએ ગાડી પર લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. હુમલાખોરો એસ.પી. સ્વામી સવાર હતા તે કારના આગળના અને પાછળના કાચ તોડી નાખ્યા હતા. જે બાદમાં બન્ને જણાએ બાઇક લઈને પણ સ્વામીની ગાડીનો પીછો કર્યો હતો. બનાવ બાદ એસ.પી. સ્વામી સહિતના સંતો પોલીસ મથકે પહોંચ્યા હતા અને બનાવ અંગે જાણ કરી ફરિયાદ આપી હતી. આ મામલે ગઢડાના આરોપી હરદીપભાઈ હરસુખભાઈ ખાચર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter