રાજકોટમાં પૂ. પ્રમુખસ્વામીના ૯૮મા જન્મજયંતિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ

Wednesday 05th December 2018 05:42 EST
 
 

રાજકોટ, તા. ૫ઃ શહેરના મોરબી-માધાપર રોડ ઉપર ૫૦૦ એકરની વિશાળ જગ્યામાં તૈયાર થયેલા સ્વામિનારાયણ નગરમાં ધર્મ અવસરના ઉમંગ અને ઉલ્લાસનો માહોલ છવાયો છે. રાજકોટના કાલાવડ રોડ સ્થિત બીએપીએસ સ્વામી મંદિરના દ્વિ-દશાબ્દિ અને પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતિ મહોત્સવ બીએપીએસના વડા મહંત સ્વામી અને મુખ્ય પ્રધાન વિજય રુપાણીના હસ્તે ખુલ્લો મૂકાયો હતો. શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રજાપ સાથે સ્વામીનારાયણ નગરનું ઉદ્ઘાટન થતાં જ પ્રમુખસ્વામી બાપાની જય હો...ના ગગનભેદી નારાથી આસમાન ગાજી ઉઠ્યું હતું.
આ ધર્મ અવસરના આરંભે ઉપસ્થિત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રમુખ સ્વામી મહારાજના રાજકોટ સાથેના અતૂટ સંબંધને યાદ કરી જણાવ્યું હતું કે આજે સ્વદેહે બાપા આપણી વચ્ચે નથી પણ તેના કાર્યો હરહંમેશ સ્મૃતિરૂપ બન્યા છે અને તેમના આશીર્વાદ સ્વર્ગમાંથી પણ વરસી રહ્યા છે.
મુખ્ય પ્રધાને એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે બીએપીએસ સંપ્રદાયે જ્ઞાતિ-જાતિ વાડા તોડીને સૌને એક કર્યા છે અને દેશ તથા રાજ્યના વિકાસમાં આ સંપ્રદાયનો સિંહફાળો છે. જયારે બીએપીએસના વડા અને જેમની નિશ્રામાં આ ૧૧ દિવસીય અવસરનો આરંભ થયો છે તેવા મહંત સ્વામીએ પ્રાસંગિક આશીર્વચનમાં જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજનું ધ્યેય મંત્ર હતો બીજાના ભલામાં જ આપણું ભલું છે અને બાપાએ આ ધ્યેય મંત્રને અનુરૂપ જીવન જીવી જાણ્યું હતું. આપણે સૌએ તેમના પગલે ચાલવાનું છે. પ્રમુખસ્વામી મહારાજના જીવનની ક્ષણે-ક્ષણ લોકહિત માટે હતી તેમ જ આપણે એમના પગલે ચાલવાનું છે.
સ્વામિનારાયણ નગરને ઉદઘાટિત કર્યા બાદ મહંત સ્વામી સાથે મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ સ્વામિનારાયણ નગરમાં આવેલા મંદિરમાં પૂજા-અર્ચના કરી આરતીનો લાભ લીધો હતો.
પૂ. પ્રમુખસ્વામી મહારાજની ૯૮મી જન્મજયંતિ અને સ્વામિનારાયણ મંદિરના દ્વિ-દશાબ્દિ મહોત્સવના આરંભ સમયે ડો. સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, અપૂર્વમુની, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા સહિત ઉદ્યોગ, શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પૂ. પ્રમુખસ્વામી પર ડોક્યુમેન્ટ્રી

સ્વામીનારાયણ નગરને ઉદઘાટિત કર્યા બાદ મુખ્ય પ્રધાન રૂપાણી સહિતના અગ્રણીઓ અને સંતોએ વિશાળ શમિયાણામાં તૈયાર કરાયેલા પરમાનંદ પ્રદર્શન ખંડમાં પૂજય પ્રમુખસ્વામી મહારાજે હાથ ધરેલા વ્યસનમુક્તિ સહિતના કાર્યોને વણી લેતી ડોક્યુમેન્ટ્રી નિહાળી હતી. આ ડોક્યુમેન્ટ્રીમાં અક્ષરધામમાં આતંકી હુમલો થયો તે વેળા પ્રમુખસ્વામી મહારાજની એક જ અપીલથી દેશ અને રાજ્યમાં શાંતિ રહી હતી તેના સહિતની ઘટનાઓને પણ કંડારવામાં આવી હતી.

સ્વામીનારાયણ નગરમાં આયોજિત આ મહોત્સવની માહિતી આપતાં રાજકોટ બીએપીએસ મંદિરના અધ્યક્ષ અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજની ૯૭મી જન્મ જયંતી આણંદમાં અત્યંત ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. આ વખતે તેમની ૯૮મી જન્મ જયંતીનો મહોત્સવ રાજકોટના આંગણે પાંચમીથી ઉજવવાનો પ્રારંભ થઇ ગયો છે.

દસ દિવસીય મહોત્સવ

આ મહોત્સવની ઉજવણી પાંચ ડિસેમ્બરથી ૧૫મી ડિસેમ્બર સુધી થશે. ૧૫મીએ પ્રમુખસ્વામી મહારાજનો તિથિ લેખે જન્મ દિવસ હોવાથી મુખ્ય ઉત્સવ એ દિવસે જ ઉજવાશે. બાકીના પાંચથી ૧૪મીના દિવસો દરમિયાન રોજ બપોરે બેથી રાતના ૧૦ વાગ્યા સુધી દસ દિવસીય મહોત્સવ લોકો માણી શકશે. જન્મજયંતી મહોત્સવના દિવસે ૧૫મીએ હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોકે આ દસ દિવસીય મહોત્સવમાં બાળકોને વિશેષ મહત્ત્વ અપાયું છે. મહોત્સવની ઝાંખી માટે કેટલીય શાળા-કોલેજોમાં સંપર્ક કરવામાં આવ્યો હતો અને આશરે એક લાખ જેટલા બાળકો-વિદ્યાર્થીઓ મહોત્સવ માણશે. આશરે એક લાખ બાળકોએ આ મહોત્સવ સવારના સમયે પણ માણવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
બ્રહ્મવિહારી સ્વામીજીએ આ મહોત્સવ અંગે જણાવ્યું હતું કે, જેમણે સમાજનું હિત જ કર્યું હોય, સમયાંતરે લોકોને પ્રેરણા આપી હોય, બીજાના ભલામાં જ આપણું ભલું વિચાર્યું હોય અને બીજાના સુખમાં આપણું સુખ એ મંત્રને જેમણે જીવનપર્યંત સાર્થક કર્યો હોય તેવા દિવ્ય સંતને આ પ્રકારે ભવ્ય શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. તેમને શ્રદ્ધાંજલિ પણ આવી વિરાટ જ હોવી જોઈએ. આ પ્રસંગે નારાયણમુનિ સ્વામી, કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી સહિતના સંતોએ પણ બ્રહ્મવિહારી સ્વામીજીના સૂરમાં સૂર પુરાવ્યો હતો.

રવિવારે સાંજે કાલાવડ રોડ પરના મંદિરે ૭ વાગ્યે મહંત સ્વામીજીનું આગમન થયું હતું. આરતી, દર્શન બાદ તેમને ‘અતિથિ દેવો ભવ’માં ઉતારો આપવામાં આવ્યો હતો. ૧૫મી સુધી તેઓનું ત્યાં જ રોકાણ રહેશે. આ સિવાય નજીકના મેરી ગોલ્ડ બિલ્ડિંગમાં ૮૦૦ સંતો માટે પણ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે.

લાલજી મહારાજની મૂર્તિપૂજા

સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ ર૦૦ વર્ષથી અનેરી પરંપરાનું પાલન કરતા આવ્યા છે. સહજાનંદ સ્વામીના અનુગામી ગુણાતીત સ્વામીથી શરૂ થયેલી આ પરંપરા મુજબ તેમના પછીથી આવેલા શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને હવે મહંત સ્વામી મહારાજ અને બીએપીએસના વડાઓ હંમેશા લાલજી મહારાજની મૂર્તિ પોતાની સાથે જ રાખે છે અને નિત્ય પૂજા કરે છે. રાજકોટમાં પણ લાલજી મહારાજની મૂર્તિની પૂજા થઈ રહી છે.

હજારો સ્વયંસેવકની સેવા

અપૂર્વમુનિ સ્વામીજીએ જણાવ્યું હતું કે, આશરે ૪૦૦થી વધારે સંતો અને ૫૫૦૦ સ્વયં સેવકો આ દસ દિવસીય મહોત્સવ દરમિયાન મુખ્ય રીતે ખડે પગે કાર્યરત રહેશે. નવેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ આ સ્વયંસેવકોનો પ્રવાહ રાજકોટ તરફ શરૂ થઈ પણ ગયો હતો. તેમણે જણાવ્યું કે, દસ દિવસના મહોત્સવ દરમિયાન અંદાજે કુલ ૮૦૦થી વધારે સંતો અને ૨૨ હજાર સ્વયંસેવકો સેવા આપશે.

૧૬૦ બટુકો દ્વારા વિશ્વશાંતિ મહાયજ્ઞ

મહોત્સવમાં ૧૧થી ૧૩ ડિસેમ્બર સુધી સારંગપુરની સંસ્કૃત મહાવિદ્યાલયમાં તાલીમ મેળવતા ૧૬૦થી વધુ બટુકો વિશ્વશાંતિ મહાયજ્ઞ કરાવશે. ૩ દિવસમાં ૪ વેદના બ્રાહ્મણની ઉપસ્થિતિમાં ૫૦૦ કુંડમાં ૧૫૦૦૦ યજમાન વિશ્વશાંતિ મહાયજ્ઞમાં જોડાશે. મહાયજ્ઞ માટે ૯ પ્રકારની ઔષધિ વડાળાના પાટીદાર વૃદ્ધે એકઠી કરી છે. અહિંસાત્મક મહાયજ્ઞમાં વ્યસન મુક્તિનો રાહ ચિંધવામાં આવશે. મહાયજ્ઞમાં શાસ્ત્રોકત વિધિ કરાવતા બ્રાહ્મણો પણ નિર્વ્યસની હશે. ત્રણ દિવસ દરમિયાન અથર્વવેદ, યજુર્વેદ, સામવેદ અને ઋગવેદ એમ ચાર વેદના બ્રાહ્મણો ઉપસ્થિત રહેશે. શાસ્ત્રી મુકેશભાઇની આગેવાનીમાં પ્રકાશ જાની, જય ભટ્ટ, દીપેશ પાઠક, યશ ત્રિવેદી, કીર્તન ગોસ્વામી, અરુણ ભટ્ટ, લક્ષ્મીલાલ, અભિષેક પંડ્યા, શિવમ વ્યાસ અને અક્ષય રાવલ સહિત ૧૬૦થી વધુ બ્રાહ્મણો ત્રણ દિવસ દરમિયાન યજ્ઞ વિધિ કરાવશે.

સ્વામીનારાયણ નગરની વિશેષતા

ભવ્ય પ્રવેશદ્વાર ધરાવતા સ્વામીનારાયણ નગર આ વર્ષે ‘પરોપકાર’ની થિમ પર બનાવવામાં આવ્યું છે. પ્રવેશદ્વારમાં પ્રવેશતાં જ મધ્યભાગમાં પ્રમુખ સ્વામી મહારાજની ૨૭ ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાઈ છે. આ પ્રતિમાની પાછળ ત્રણ અને આજુબાજુ બે એમ પાંચ મંદિરનું નિર્માણ કરાયું છે. આ મંદિરોમાંના મુખ્ય મંદિરમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ બિરાજમાન રહેશે જ્યારે ચાર મંદિરોમાં રાધાકૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, સીતારામ અને શંકર-પાર્વતીજી સ્થાપના કરાશે. મુક્તાનંદ, નિત્યાનંદ, સેવાનંદ, સહજાનંદ, ભારતાનંદ અને પરમાનંદ પ્રદર્શન ખંડમાં વ્યસન મુક્તિ, પારિવારિક એકતા, નાગરિકોની ફરજ વગેરે વિશે સંદેશા આપવામાં આવ્યા છે. આ પ્રદર્શન ખંડમાં એકસાથે બે હજાર લોકો બેસીને માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખંડોમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો, ભોજનશાળા, યજ્ઞશાળા, બુક સ્ટોલ, પ્રેમવતી ઉપહાર ગૃહ, મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ છે. અહીં પ્રમુખસ્વામી મંડપમ પણ આકર્ષણનું કેન્દ્ર છે. સ્વામીનારાયણ નગરમાં પાંચ મંદિર ઉપરાંત છ ડોમ પણ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ પ્રદર્શન યોજાયા છે.

કાર્યક્રમની રૂપરેખા
• ૫ ડિસેમ્બરઃ સાંજે ૭.૩૦થી ૯ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા સંતો-મહંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં મહોત્સવનું ઉદઘાટન.
• ૬ ડિસેમ્બરઃ બપોરે ૩.૩૦થી ૭.૩૦ મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં વિરાટ મહિલા સંમેલન.
• ૭ ડિસેમ્બરઃ તારીખ મુજબ પ્રમુખસ્વામીની જન્મ જયંતી નિમિત્તે સંત પરમ હિતકારી નૃત્ય નાટિકા.
• ૮ ડિસેમ્બરઃ વિદ્વાન સંતોના પ્રવચનો.
• ૯ ડિસેમ્બરઃ કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીરનો ભક્તિગીતનો કાર્યક્રમ.
• ૧૦ ડિસેમ્બરઃ સ્વામીનારાયણ ભગવાનની ભક્તિ પર આધારિત નૃત્ય નાટિકા.
• ૧૧ ડિસેમ્બરઃ વિશ્વશાંતિ મહાયજ્ઞ પ્રારંભ, વચનામૃત ગ્રંથના ૨૦૦ વર્ષ નિમિત્તે નૂતન ગ્રંથનું લોન્ચિંગ.
• ૧૨ ડિસેમ્બરઃ સ્વામીનારાયણ નગરમાં ઝાંખી અને પ્રદર્શન
• ૧૩ ડિસેમ્બરઃ વિશ્વશાંતિ મહાયજ્ઞ સંપન્ન થશે, બપોરે ૩.૦૦થી સ્વામીનારાયણ નગરમાં વિવિધ ભક્તિ રસ આધારિત કાર્યક્રમો - પ્રવચનો
• ૧૪ ડિસેમ્બરઃ બપોરે ૩.૦૦ વાગ્યાથી વિવિધ પ્રદર્શન, ઝાંખીનું આયોજન
• ૧૫ ડિસેમ્બરઃ સાંજે ૫:૦૦થી ૮:૦૦ જન્મજયંતી મહોત્સવની ઉજવણી


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter