ભગા બારડના કેસરિયાઃ ભાજપે ગીર, જૂનાગઢ, દ્વારકામાં પકડ જમાવી

Friday 18th November 2022 05:19 EST
 
 

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી કોંગ્રેસમાંથી એક પછી એક સિનિયર ધારાસભ્યોનું ભાજપગમન રોકાયું નથી. હવે કોંગ્રેસના તલાલા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ 10 નવેમ્બરે અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યને રાજીનામુ ધરીને સીધા ભાજપમાં સામેલ થયા હતા. ભાજપ મીડિયા સેન્ટર ખાતે મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ભગવાનભાઇને પક્ષનો ખેસ અને ટોપી પહેરાવી સ્વાગત કર્યું હતું. બારડ સાથે તેમના પુત્ર શૈલેષ બારડ ઉપરાંત સમર્થકો સાથે પક્ષમાં સામેલ થયા હતા.
ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં વિક્રમી બેઠકો જીતવા માટે અમલી બનાવેલી રણનીતિના ભાગરૂપે કોંગ્રેસ અને સમાજના પ્રભુત્વથી ક્યારેય નહીં જીતી શકાયેલી બેઠકો પરથી સતત જીતતા આવેલા ધારાસભ્યોને પોતાની સાથે લેવાની શરૂઆત કરી છે.
ભાજપે સૌરાષ્ટ્રમાં કોળી, આહીર અને કારડીયા રાજપૂત સમાજના અંકોડા ગોઠવવા માટે જસદણથી કુંવરજી બાવળીયા પછી માણાવદરમાંથી જવાહર ચાવડા, એ પૂર્વે જશા બારડ અને હવે ભગવાન બારડને પોતાની સાથે લીધા છે. બારડ પરિવાર ૧૯૮૨થી ગીર અને જૂનાગઢ પંથકમાં સમાજ માટે સક્રિય રહ્યો છે. ભગવાનભાઇના ભાઇ સ્વ. જશુ બારડ તલાલાના ધારાસભ્ય રહેવા ઉપરાંત સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા. ભગવાન બારડના ભાજપ પ્રવેશથી તલાલા ઉપરાંત વેરાવળ, ભાણવડ, ખંભાળીયા જેવી બેઠકો પર રહેલા આહીર સમાજને ભાજપ તરફ વાળવામાં ખાસ્સી મદદ મળશે એમ રાજકીય સમીક્ષકો માને છે.
અગાઉ ખેડબ્રહ્માના અશ્વિન કોટવાલ, ગારિયાધારમાંથી હર્ષદ રીબડિયા, છોટાઉદેપુરના મોહનસિંહ રાઠવા અને હવે તલાલામાંથી ભગવાન બારડને ભાજપે સામેલ કર્યા છે. બારડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશભરમાં થઇ રહેલા વિકાસથી પ્રેરાઇને ભાજપમાં સામેલ થયા છે એવો દાવો કર્યો હતો. જોકે, ટિકિટ માટે ભાજપમાં સામેલ થયા છો? તેવા પ્રશ્નના ઉત્તરમાં બારડે કહ્યું કે, આજથી હું ભાજપનો કાર્યકર બન્યો છું અને ભાજપ મને જે કામ સોંપશે એ કામ કરીશ. ભાજપ જૂનાગઢ, ગીર સોમનાથમાં પ્રચારનું કામ કહેશે તો કરીશ અને સૌરાષ્ટ્રમાં મારી સેવાઓ આપતો રહીશ.
પિતા ધાનાભાઇ સ્થાનિક
રાજકારણમાં મોભી હતા
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ભગવાનભાઇ બારડ સૌરાષ્ટ્ર આહિર સમાજના અગ્રણી એવા રાજ્યના પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ સ્વ. જશુભાઈ બારડના ભાઈ થાય છે. સ્વ. જશુભાઈ અને ભગવાન બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ જૂના જનતા દળના આગેવાન હતા. ભગવાન બારડ 2017માં કોંગ્રેસ તરફથી તાલાલા બેઠક પરથી ચૂંટણી લડીને વિજેતા થયા હતા. અગાઉ વર્ષ 2016માં ગીર સોમનાથની તાલાલા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ બારડના અવસાનને કારણે ખાલી પડેલી સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે રસાકસી જોવા મળી હતી, પરંતુ આ રસાકસીને અંતે કોંગ્રેસની બેઠક હતી ત્યાં ભાજપે બાજી મારી લીધી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter