માંડવી-દ્વારકાથી સોમનાથ રો-રો ફેરી સર્વિસ શરૂ થશે

Wednesday 06th February 2019 06:04 EST
 
 

રાજકોટ: ગોંડલ ચોકડી પર ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ અર્થે ગુજરાતમાં પ્રથમ ૧.ર કિ.મી. લાંબા એલિવેટેટ ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત બીજી ફેબ્રુઆરીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય પરિવહન પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ માંડવી (કચ્છ)થી સોમનાથના દરિયામાં રો-રો ફેરી સર્વિસ શરૂ કરાશે તેવી મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
ફલાયઓવર બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્ય પ્રધાન વિજયભાઈએ જણાવ્યું હતું કે, દેશના વડા પ્રધાન માત્ર ગુજરાતનો જ નહીં, પરંતુ પૂર્વોત્તર રાજયો સહિત સમગ્ર દેશમાં વિકાસ કામોની વણઝાર ચલાવી રહ્યા છે. રાજકોટમાં ગુજરાતનાં સૌ પ્રથમ એલિવેટેડ ફલાયઓવર બ્રિજનું કેન્દ્ર સરકારનાં સહયોગથી નિર્માણ થઇ રહ્યું છે. કેન્દ્રિય પરિવહન પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, ફ્લાયઓવર નિર્માણ થકી રાજકોટ, પોરબંદર, જૂનાગઢ સહિતના જિલ્લાના વાહન વ્યવહાર સુગમ થશે.
કેન્દ્રિય રાજ્ય પ્રધાને વધુ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી કે, સૌરાષ્ટ્રમાં કચ્છના માંડવીથી દ્વારકા, જામનગર, પોરબંદર થઇ સોમનાથ સુધી (ક્રૂઝ) રો-રો ફેરી સર્વિસ કરવાનું આયોજન છે જેથી નવું દરિયાઇ પરિવહન શરૂ થશે અને હાઇ-વેનો ટ્રાફિક ઘટશે. આ ફલાયઓવર બ્રિજ ૬ લેન, ૧.૨ કિ.મી. લાંબો બનશે જયારે નીચે તરફ ૧.૪ કિ.મી. લાંબો સર્વિસ રોડ પણ બનશે. રાહદારીઓ માટે એક અન્ડર પાસ પણ થશે. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા, મેયર બિનાબહેન આચાર્ય, ધારાસભ્ય ગાવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા અને અરાવિંદભાઇ રૈયાણી હાજર હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter