રસીકરણ થયેલા ૩૩ સિંહોને છોડવાનો નિર્ણય ઝડપથી લેવાશે

Wednesday 10th April 2019 08:03 EDT
 
 

જૂનાગઢ: એશિયાટિક લાઇન ઉપર ગત ઓક્ટોબર માસમાં રોગચાળાથી ૨૦ દિવસમાં જ ૨૩ સિંહોના મૃત્યુ બાદ સલામતીના ભાગરૂપે જસાધાર, જામવાળા, દલખાણિયા વિસ્તારમાં અંદાજે ૩૩ સિંહોને રસીકરણ માટે અલગ-અલગ રેસક્યુ સેન્ટર લઈ જવાયા હતાં. આ સિંહોની ટૂંકમાં મુક્તિ અંગે તાજેતરમાં જૂનાગઢ વન્ય પ્રાણી સર્કલના વડા દુષ્યંત વસાવડાએ જણાવ્યું કે આ સિંહોને શક્યતઃ ટૂંક સમયમાં મુક્ત કરાશે.
અમેરિકાની રસી
ગીરની કેટલીક રેન્જમાં સિંહોને રોગચાળાથી બચાવવા માટે તાબડતોબ અમેરિકાથી રસી મંગાવવામાં આવી હતી અને રાઉન્ડઅપ કરાયેલા અંદાજે ૩૩ સિંહોને રસીના ડોઝ અપાયા હતા. તેને પાંચ માસ જેવો સમય વિતવા છતાં વનતંત્ર દ્વારા હજુ નજર કેદ રાખવામાં આવ્યાં છે.
પ્રાણી પ્રેમીઓમાં શંકા
લાંબા સમયથી નજર કેદ રખાયેલા સિંહોને મુક્ત ન કરતા વન્ય પ્રાણી પ્રેમીઓમાં અનેક શંકા-કુશંકા ઉદ્ભવવા લાગી છે. છતાં વન તંત્રના પેટનું પાણી હલતું નથી. સુરક્ષાના ડોઝ માટે લાવવામાં આવેલ સાવજોને પાંચ-પાંચ માસ શા માટે નજર કેદ રખાયા છે ? તે સવાલ ઉઠયો છે.
આ અંગે જૂનાગઢના સીસીએફ દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે રસીની કોઇ આડઅસર નથી. અને ટૂંકમાં સાવજોને મુકત કરવાનો નિર્ણય કરવામાં આવશે. આટલો સમય નજર કેદ રાખવા મુદ્દે મૌન સેવ્યું હતું.
સાવજ મૂગુ પ્રાણી હોવાથી વન તંત્ર જ જે નિર્ણય કરે તે સાચો કારણ કે, આ અંગેની કોઇને તપાસ કરવાનો અધિકાર નથી. પણ પાંચ-પાંચ માસ જેવો સમય રેસ્કયુ સેન્ટરમાં રાખવા પાછળનું કારણ કોઇક દવાની આડઅસર હોઈ શકે કે કેમ? એ અંગે વન સત્તાવાળાઓએ મૌન સેવ્યું છે. તંત્રએ માત્ર એટલું જણાવ્યું કે ટૂંકમાં મુક્ત કરવાનો નિર્ણય કરાશે તેવી હૈયાધારણા આપી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter